નેશનલ

Voting Data: વોટિંગ ડેટા સાર્વજનિક કરવાની માંગને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election 2024) માટે પાંચ ચરણનું મતદાન થઇ ચુક્યું છે, આ દરમિયાન ચૂંટણી પંચે મતદાનના આંકડા(Voting Data) જાહેર કરવામાં મોડું કરતા અનેક સવાલો ઉભા થયા છે. ચૂંટણી પંચને મતદાનના આંકડા તુરંત જાહેર કરવાનો નિર્દેશ આપવા સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં અરજી કરવામાં આવી હતી. આ અરજી પર આજે સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે કહ્યું કે વોટિંગ ડેટા સાર્વજનિક કરવાની માંગ પર ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવશે.

અરજદાર એવી માંગ કરવામાં આવી હતી કે દરેક તબક્કામાં થયેલા મતદાનનો તમામ ડેટા સાર્વજનિક કરવામાં આવે અને ચૂંટણી પંચે તેને પોતાની વેબસાઈટ પર પણ અપલોડ કરવો જોઈએ. ફોર્મ 17સીનો ડેટા પણ બહાર પાડવાની વાત થઈ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ તમામ માંગણીઓ પર કોઈ તાત્કાલિક નિર્ણય આપવાનો ઈન્કાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચૂંટણી પછી આ અંગે નિર્ણય લઈ શકાય છે. હાલ છઠ્ઠા તબક્કાનું મતદાન થવાનું છે, તેથી આ દરમિયાન પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે અરજી કરવાના સમય પર પણ સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યું કે ચૂંટણી શરૂ થયા પછી જ આવી અરજી કેમ દાખલ કરવામાં આવી? અરજદારે તેમની અરજી યોગ્ય માંગ સાથે રજૂ કરી નથી.

ચૂંટણી પંચે પણ આ મામલે ખૂબ જ કઠોર વલણ દાખવ્યું હતું. પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે આવા અરજદારો પર ભારે દંડ લાદવો જોઈએ કારણ કે તેઓ લોકોના મનમાં ખોટી શંકા પેદા કરે છે. ચૂંટણી સમયે આવી અરજીઓ કરવી એ ચૂંટણી પ્રક્રિયા પર જ સવાલો ઉઠાવવા જેવું છે.

અત્યારે સુપ્રીમ કોર્ટે આ મામલે કોઈ નિર્ણય આપવાનો ઈન્કાર કરી દીધો છે. હવે આ મુદ્દે સુનાવણી ચૂંટણી પછી થશે.

કેસની જાણકારી મુજબ આખો વિવાદ એટલા માટે શરૂ થયો કારણ કે પહેલા અને બીજા તબક્કાના મતદાનની ટકાવારીમાં ઘણો તફાવત જોવા મળ્યો હતો. પંચ દ્વારા અગાઉ જાહેર કરાયેલા આંકડા અને પછી જાહેર કરાયેલા આંકડા વચ્ચે ઘણો તફાવત જોવા મળ્યો હતો. તે તફાવતને લઈને વિવાદ શરૂ થયો અને વિપક્ષે ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button