જાણી લેજો! આજથી 6 જૂન સુધી ‘આ’ વાહનો માટે ઘોડબંદર રોડ પર નો એન્ટ્રી!
મહારાષ્ટ્રથી ગુજરાત આવન-જાવન માટે રસ્તામાં ઘોડબંદર રોડ એક મહત્વનો માર્ગ છે. આ માર્ગને આગામી થોડા દિવસો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘોડબંદર રોડ પર આવતા ગાયમુખ ઘાટ વિસ્તારમાં 700 મીટર લાંબા રોડનું સમારકામ હાથ ધરવાનું હોવાથી થાણે ટ્રાફિક પોલીસે 6 જૂન સુધી આ માર્ગ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય જાહેર કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, આ રૂટ પર હળવા વાહનોની અવરજવર ચાલુ રહેશે. ઘોડબંદર માર્ગ પર ઘાટ પાસેનો રસ્તો ખૂબ જ સાંકડો છે. સમારકામના કામના ધ્યાનમાં રાખીને, આગામી કેટલાક દિવસો સુધી થાણે, ઘોડબંદર, મુંબઈ-અમદાવાદ રૂટ પર મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થવાની સંભાવના છે.
માલસામાનની હેરફેર કરતી ટ્રકો માટે ઘોડબંદર રોડ એક મુખ્ય માર્ગ છે. મુંબઈ, ગુજરાત, ભિવંડી અને ઉરણના જેએનપીટી બંદરેથી ગુજરાત રૂટ પર માલસામાન વહન કરતા હજારો વાહનો રોજ ઘોડબંદર રોડ પરથી પસાર થાય છે. આ ઉપરાંત વસઇ, વિરાર, ભાયંદર, મુંબઇના લોકો દ્વારા પણ તેમની રોજિંદી મુસાફરી માટે આ રોડનો ઉપયોગ કરવામાં આવે છે. ખાનગી કારો ઉપરાંત બોરીવલી, મીરા-ભાઈંદર, નવી મુંબઈ અને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની બસો પણ આ માર્ગે ચાલે છે. આમ આ માર્ગ હંમેશા વાહનોથી જામ રહેતો હોય છે.
આ સમય દરમિયાન ભારે વાહનોને આ વૈકલ્પિક માર્ગે આગળ મોકલવામાં આવશેઃ
ગુજરાતથી ઘોડબંદર થઇને થાણે જનારા વાહનોને ચિંચોટી નાકાથી કમન, અંજુરફાટા માનકોલી, ભિવંડી માર્ગે આગળ મોકલવામાં આવશે.
મુંબઈ, થાણેથી ઘોડબંદર તરફ જતા ભારે/ભારે વાહનોને કપૂરબાવાડી ચોક અને માજીવાડ્યા પાસે રોકી કપૂરબાવાડી ટ્રાફિક શાખાની ઓફિસથી ખારેગાંવ ટોલ રોડ, માનકોલી, અંજુરફાટા અથવા કશેલી, અંજુરફાટા થઇને આગળ મકલવામાં આવશે.
મુંબ્રા, કલવાથી ઘોડબંદર તરફ આવતા ભારે/ભારે વાહનો માટે ખારેગાંવ ટોલ પ્લાઝાનો પ્રવેશ બંધ રહેશે. આ વાહનો ખારેગાંવ ટોલ પ્લાઝા, માનકોલી થઈને ખારેગાંવ ખાદી પુલ નીચેથી પસાર થશે.
નાસિકથી ઘોડબંદર આવતા વાહનોએ અંજુરફાટા થઈને માનકોલી બ્રિજ નીચેથી જવાનું રહેશે.