Cyclone Remal : પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત, જાણો મુંબઇને લઇને શું કરી આગાહી

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં આકાર પામી રહેલું ચક્રવાતી તોફાન રેમલ (Cyclone Remal) પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાની નજીક રવિવારે એટલે કે 26 મેના રોજ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવવાની સંભાવના છે. આ દરમિયાન હવામાન વિભાગે મુંબઈ માટે રાહતના સમાચાર આપ્યા છે. તોફાનને લઈને મુંબઈ (Mumbai) માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
તોફાન મુંબઈના કિનારા સુધી પહોંચવાની શક્યતા ઓછી
એક અખબારના અહેવાલ મુજબ હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે તોફાન મુંબઈના કિનારા સુધી પહોંચવાની શક્યતા ઓછી છે. IMD મુંબઈના વૈજ્ઞાનિક સુષ્મા નાયર કહે છે કે મુંબઈમાં હવામાન શુષ્ક રહી શકે છે. જો કે રાયગઢ જેવા કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
વાવાઝોડા સાથે જોડાયેલી અફવાઓ વોટ્સએપ પર ફેલાઈ રહી છે
તેમણે કહ્યું, ‘ગુરુવાર સુધી ચક્રવાત વિકસિત થયું નથી અને તે બંગાળની ખાડીમાં માત્ર એક નીચા દબાણનો વિસ્તાર છે. જો તે વિકસિત થાય તો પણ IMD એ ક્યારેય કોઈ ભારતીય કિનારે તેના લેન્ડફોલનો ઉલ્લેખ કર્યો નથી. હાલમાં સ્થિતિ એવી જ છે અને તે પછી પણ મુંબઈમાં ચક્રવાતને લઈને સંદેશો જોવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં વાવાઝોડા સાથે જોડાયેલી અફવાઓ વોટ્સએપ પર ફેલાઈ રહી છે.
લેન્ડફોલના સ્થાનની પુષ્ટિ થવાની બાકી
અખબાર સાથે વાત કરતા, કોંકણ વેધર બ્લોગ ચલાવતા અભિજીત મોડક કહે છે, ‘તાજેતરની ગતિવિધિ જોતા, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ચોમાસાના પવનોના આગમન પછી બંગાળની ખાડીમાં ચક્રવાત બની શકે છે. તે શરૂઆતમાં ઉત્તર તરફ આગળ વધવાની ધારણા છે અને લેન્ડફોલના સ્થાનની પુષ્ટિ થવાની બાકી છે.તેમણે કહ્યું, ‘જોકે, આ ગતિવિધી આ વખતે મુંબઈ અથવા પશ્ચિમ કિનારે અસર કરશે નહીં. આવી સ્થિતિમાં મુંબઈમાં ગરમી અને ભેજવાળી સ્થિતિ યથાવત રહે તેવી શક્યતાઓ છે.
બંગાળની ખાડી પરનું લો પ્રેશર વધુ તીવ્ર બનશે
બંગાળની ખાડી પરનું લો પ્રેશર વધુ તીવ્ર બનશે અને રવિવાર સાંજ સુધીમાં તે બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ગંભીર ચક્રવાતી તોફાન તરીકે ત્રાટશે. હવામાન વિભાગે ગુરુવારે આ માહિતી આપી હતી. આ પ્રિ-મોન્સુન સિઝનમાં બંગાળની ખાડીમાં આ પહેલું ચક્રવાત છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતની નામકરણ પદ્ધતિ મુજબ આ વાવાઝોડાનું રેમલ નામ આપવામાં આવ્યુ છે.