નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર જસ્ટિન લેન્ગરે આ વખતે પહેલીવાર આઈપીએલમાં કોચિંગની જવાબદારી સંભાળી. એમાં તે ફાવ્યો નહીં, પરંતુ ભારતમાં જ રહીને વધુ મોટી જવાબદારી સંભાળવાની મનોમન તૈયારી તેણે કરી લીધી હતી. જોકે તેના કહેવા અનુસાર તેણે કેએલ રાહુલ સાથેની વાતચીત પછી આ મોટો કૉન્ટ્રેક્ટ લેવાનું માંડી વાળ્યું છે.
લેન્ગર લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો હેડ-કોચ હતો. આ ટીમ પ્લે-ઑફમાં પહોંચવામાં નિષ્ફળ રહી. જોકે ટૂર્નામેન્ટ દરમિયાન લેન્ગરને જાણ થઈ કે બીસીસીઆઈ ટીમ ઇન્ડિયા માટે નવા હેડ-કોચની શોધમાં છે.
વિદેશથી ભૂતપૂર્વ ખેલાડીઓમાંથી રિકી પોન્ટિંગ અને સ્ટીફન ફ્લેમિંગની જેમ લેન્ગરે પણ નસીબ અજમાવવાનું નક્કી કરી લીધું હતું.
હવે એવી વાત મળી છે કે પોન્ટિંગ અને ફ્લેમિંગને ટીમ ઇન્ડિયાના કોચ બનવામાં રસ નથી. દરમિયાન, ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ટીમને ચાર વર્ષ સુધી કોચિંગ આપનાર લેન્ગરે તો એક ઇન્ટરવ્યૂમાં ત્યાં સુધી કહ્યું છે કે “ઓસ્ટ્રેલિયાની ટીમને ચાર વર્ષ કોચિંગ આપ્યું એના પરથી કહું છું કે આ કામ ખૂબ જ થકવી નાખે એવું છે. બીજી એક ખાસ વાત કરું તો મેં થોડા જ દિવસ પહેલાં લખનઊની ટીમના કેપ્ટન કેએલ રાહુલ સાથે ભારતીય ટીમ બાબતમાં ચર્ચા કરી હતી. મેં તેને એ ટીમ વિશે પૂછ્યું તો તેણે મને કહ્યું કે તમે તો જો એવું માનતા હશો કે આઈપીએલની કોઈ ટીમને કોચિંગ આપવામાં માનસિક દબાણનો અનુભવ થાય કે ટીમમાં પોલિટિક્સ હોવાની પણ જાણ થાય તો તમને કહી દઉં કે ટીમ ઇન્ડિયામાં એવું બધું હજાર ઘણું છે.”
લેન્ગરે મુલાકાતમાં એવું પણ કહ્યું કે “મને રાહુલની આ એડવાઇઝ ખૂબ ગમી ગઈ. મારા માટે ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવું એ ગર્વની વાત કહેવાય પરંતુ મારે એ કામ માટે અરજી નથી કરવી.”
આ પણ વાંચો IPL-2024: આજે Playoffની મેચમાં KKR સામે હશે આ મોટો પડકાર…