આ ફિલ્મો તમારો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલી નાંખશે
ફોકસ -કૈલાશ સિંહ
સિનેમા સમાજનો અરીસો છે એમ કહેવાય છે અને સમાજની પોતાની ઊંડી આસ્થાઓ અને માન્યતાઓ હોય છે જે સદીઓથી ચાલતી આવે છે અને આવનારી પેઢીઓ માટે તે સંદર્ભ બિંદુ બની જાય છે. શું આવી પરિસ્થિતિઓ વચ્ચે શું એ શક્ય છે કે એવી કોઇ કલાની પ્રસ્તુતિ આવે જે તમારા વિચારોને એ હદે બદલાવી દે કે તમે વસ્તુઓને અને વાસ્તવિકતાઓને એક નવી જ નજરે જોવાનું શરૂ
કરી દો.
જોકે કહેવાય છે કે ચમત્કારો થાય છે. આપણા દેશમાં પણ જીવનનો દૃષ્ટિકોણ બદલનારી અનેક
ફિલ્મો બની છે. અહીં બધી જ ફિલ્મોનો ઉલ્લેખ કરવો તો શક્ય નથી અને એ પણ શક્ય નથી કે
દરેક ફિલ્મ દરેક લોકો ઉપર એક જ પ્રકારનો પ્રભાવ પાડી શકે. એટલા માટે અમુક એવી ફિલ્મોનો ઉલ્લેખ કરીએ જેમણે અનેક લોકો પર પોતાની છાપ
છોડી છે.
જો સમજદારી શબ્દનો કોઇ અર્થ સિનેમા જગતમાં હોત તે તો તે ‘ધ લંચ બૉક્સ’ હોત. ઇરફાન ખાનમાં એક વિશેષ પ્રતિભા હતી કે તે જટિલ વસ્તુઓને પણ એકદમ સરળ કરી દેતા કે દર્શક તેને સહેલાઇથી સ્વીકારી લેતા હતા. એ જ કારણ હતું કે ભારત જેવા પુરાતન સમાજમાં પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર જેવા સંબંધિત ફિલ્મને સ્વીકાર કરવામાં આવી અને પસંદ કરવામાં આવી જેનું નામ છે ‘ધ લંચ બૉક્સ’ આ ફિલ્મ ખૂબ જ સુંદર રીતે બે વ્યક્તિઓના જીવનના ખાલીપણાના મુદ્દા ઉપર બનાવવામાં આવી હતી અને નસીબના જોરે તેમના જીવનમાં ખુશીઓ આવે છે તેની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. નિમૃત કૌર અને ઇરફાન ખાનની એક્ટિંગે તો આ ફિલ્મને ચાર ચાંદ લગાવી દીધા હતા અને આ ફિલ્મ સામાન્ય માણસની અનેક દબાયેલી ઇચ્છાઓને વ્યક્ત કરે છે. ક્યારેક ક્યારેક ખોટી ટ્રેન પણ આપણને સાચા સ્ટેશન પર પહોંચાડે છે એ વાત આ ફિલ્મમાં ઘણી સારી રીતે દર્શાવવામાં
આવી છે.
એમ તો દરેક વ્યક્તિ પોતાને ‘રંગ દે બસંતી’ ફિલ્મથી જોડાયેલા અનુભવતા હશે. જો તમે યુવા છો તો તમારું જોડાણ વધુ હશે. શું આપણામાંથી કોઇ એવું છે જેમણે ચાની ચુસ્કીઓ લેતા લેતા સિસ્ટમની ખામીઓ પર ચર્ચા ન કરી હોય અને વાત કરતા કરતા બ્લડ પ્રેશર ન વધી ગયું હોય. જોકે સિસ્ટમને સુધારવા માટે આપણે વાસ્તવમાં શું કર્યું? કંઇ જ નહીં.
‘રંગ દે બસંતી’ જનહિતના મુદ્દે સક્રિયતા વધારતા કરનારા વાતાવરણને ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ સંદેશ આપે છે કે શું આપણે મામલાને આપણે હાથમાં લઇશું કે પછી સમાજની ખામીઓ ઉપર આંસુ વહાવતા રહીશું. કોઇપણ દેશ પર્ફેક્ટ નથી હોતો, તેને પર્ફેક્ટ બનાવવો પડે છે.
જીવનમાં દિશાહીન હોવું અને કરિઅર પ્રત્યે બેપરવાહ હોવું એક એવું ચરણ છે જ્યાંથી દરેક જણ પસાર થાય છે. જીવનમાં પહેલા ૨૫ વર્ષોમાં સંકટનું આવવું પણ ખોટું નથી. જોકે, મજા તેમાં છે જ્યારે સમય પર આપણી આંખો ખુલી જાય. બીજાને છોડો, ખરો મુદ્દો પોતાની ક્ષમતાઓથી પોતાને જ આશ્ર્ચર્યચકિત કરવાનો છે અને કંઇક કામ કરી બતાવવાનો છે જેની આપણે પોતે પણ ઉમ્મીદ ન કરી હોય. આ પાઠ તો આપણને બધાને ‘લક્ષ્ય’ ફિલ્મે ભણાવ્યો. એક જીવનને છોડી દો અને બીજા જીવનને જીવો. જે દિવસે તેણે ફેંસલો કર્યો કે જીવનમાં પોતે શું કરવું છે તો પછી જુઓ કે તેણે શું કરી બતાવ્યું અને તે ક્યાં પહોંચી ગયો.
દંતકથા સમાન લોકોની જીવનગાથા હંમેશા પ્રેરણાસ્ત્રોત હોય છે. જોકે ‘પાન સિંહ તોમર’ જેવી ફિલ્મો આપણને અંદરથી હલાવીને રાખી દે તેવી હોય છે. આ એક સાચી કહાણી છે એક એથલીટને જે ગોલ્ડ મેડલ જીતે છે અને ભારતીય સેનામાં ફરજ પણ બજાવે છે પરંતુ પરિસ્થિતિઓના કારણે તે અંતે ડાકુ બનવા માટે મજબૂર થઇ જાય છે. કારણ કે તેના આસપાસનો સંસાર તેની ઉપલબ્ધિઓનો સ્વીકાર કરવાની જગ્યાએ તેને નીચે પાડવાનો જ પ્રયાસ કરતો હોય છે.
આ ફિલ્મની ખાસિયત પાન સિંગ તોમરને વેઠવો પડેલો ત્રાસ છે જે પોતાના ખોવાયેલા કરિઅર માટે સિસ્ટમને બદલવા માટે પોતાને મજબૂર કરે છે. તમારે સામે જીવતો ઇતિહાસ છે. તેમાં એક ડાયલોગ છે ‘બીહડ મેં બાગી હોતે હૈ, ડકૈત મિલતે હૈ પાર્લામેન્ટ મેં’.
આજે જ્યારે એકબીજા પ્રત્યે હિંસા અને નફરત વધી રહી છે તો શું આપણે બધા જ અનિશ્ર્ચિત જીવન વ્યતીત કરી રહ્યા છે તેવું નથી લાગતું? જે ક્યારે પણ પૂરું થઇ શકે છે. આ જ ક્ષણે પૂરું થઇ શકે. પરંતુ આપણે સામાન્ય માણસ હંમેશાની જેમ ચૂપ બેઠા રહીએ છીએ. જ્યારે આપણી સુરક્ષા એ આતંકવાદીઓ અને સરકાર વચ્ચે પિંગ-પોંગની રમત જેવી બની
રહે છે.
‘અ વેડનસ ડે’ સરકારને વેક-અપ કૉલ આપવાના મહત્વ ઉપર ભાર આપતી ફિલ્મ છે કે તમે નાગરિકોની સુરક્ષા માટે કંઇક કરો. આ ફિલ્મ આપણા જેવા સામાન્ય નાગરિકો માટે એક સંદેશ છે કે હંમેશા કમજોર બનીને ન રહો અને એકસાથે મળીને સિસ્ટમને જવાબદાર બનાવો.
એક એવો પણ સમય આવે છે જ્યારે તમે ઇચ્છો છો કે સમય થોભી જાય. એક એવો પણ સમય આવે છે કે તમે કોઇ એક જગ્યાને છોડવા ન માગતા હોવ. એક એવો પણ સમય આવે છે કે તમને તમારા સાથીદારોની બધી જ વસ્તુ તમને યોગ્ય લાગે.
તમે ક્યારેય બૂઢા થવા નથી માગતા. જોકે
દુર્ભાગ્યપણે સમય કોઇની માટે નથી થોભતો અને બધાએ પોતાની જ કથા અનુસાર જીવનમાં આગળ વધી જવું પડે છે.
‘દિલ ચાહતા હૈ’ એવી જ એક કહાણી છે જે આપણા જીવનનો એક ભાગ બની ગઇ છે કારણ કે આપણે જેટલી પણ વખત આ ફિલ્મ જોઇએ ત્યારે એ ફિલ્મ સનાતન સત્ય હોય તેવું લાગે છે. આજે નહીં તો કાલે આપણે આપણી મંજિલને શોધતા ક્યાંક તો નીકળવું જ પડશે અને હોઇ શકે કે આપણા જીવનના સૌથી મહત્ત્વપૂર્ણ લોકોની અને આપણી મંજિલ જુદી જુદી હોય અને આપણે આપણા પોત પોતાના રસ્તે ચાલ્યા જવું પડે.