મેટિની

ભારતીય ફિલ્મ્સ પરથી પણ બની છે અનેક વિદેશી રિ-મેકસ..!

આવી કેટલી વિદેશી ફિલ્મ્સ બની છે એ જાણો છો?

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

થોડા સમય પહેલાં ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિ-મેક ‘શૈતાન’ રિલીઝ થઈ ને એ સફળ થઈ. રિ-મેક શબ્દથી આપણે સારી રીતે પરિચિત છીએ. કોઈ ફિલ્મને મતલબ કે એ જ વાર્તાને સમય જતા ફરી વખત બનાવવામાં આવે. કાં તો એ જ ભાષામાં તેની રિ-મેક બને, કાં તો સાવ અલગ ભાષામાં રિ-મેક મતલબ અનધિકૃત રીતે કોપી કરેલી કે પછી અલગ અલગ ફિલ્મ્સમાંથી પ્રેરણા લઈને એક ફિલ્મ બનાવી હોય તેવી નહીં, પણ ઓફિશિયલ રિ-મેક, જેમ કે દક્ષિણની અનેક ફિલ્મ્સ બોલીવૂડે રિ-મેક કરી છે- ‘સિંઘમ’, ‘ગજિની’, ‘વિક્રમ વેધા’, ‘કબીર સિંઘ’, ‘રાઉડી રાઠોર’, ‘વોન્ટેડ’ વગેરે. બોલીવૂડે આ ઉપરાંત ઈંગ્લિશ કે અન્ય વિદેશી ભાષાની ફિલ્મ્સની પણ રિ-મેક બનાવી છે. જેમ કે ટોમ હેન્કસ અભિનીત ‘ફોરેસ્ટ ગમ્પ’ પરથી બનેલી આમિર ખાન અભિનીત ‘લાલ સિંઘ ચઢ્ઢા’. આમ ભારતીય ભાષાઓમાં અંદરોઅંદર કે પછી બહારની ભાષાની ફિલ્મ્સની ભારતમાં અનેક રિ-મેક બની છે. પણ શું તમને ખબર છે કે એનાથી ઊલટું પણ થયું છે એટલે કે આપણી ફિલ્મ્સની વિદેશી ભાષાઓમાં પણ રિ-મેક બની છે! ઓછી જાણીતી એવી તેની ઘણી રસપ્રદ માહિતી છે, જેમકે..

૨૦૦૮માં રિલીઝ થયેલી નીરજ પાંડે દિગ્દર્શિત નસીરુદ્દીન શાહ-અનુપમ ખેર અભિનીત ‘અ વેન્સ્ડે’ યાદ છે? એક સામાન્ય માણસ સિસ્ટમને હલાવી નાખે એવા વિષયની આ થ્રિલર ફિલ્મ અતિ સફળ થઈ હતી. ‘અ વેન્સ્ડે’ની સૌથી પહેલા દક્ષિણમાં રિ-મેક બની હતી, જેમાં નસીરુદ્દીન શાહવાળું પાત્ર કમલ હસને ભજવ્યું હતું. જો કે, આપણે અહીં તો ખાસ વાત કરવી છે વિદેશી ભાષામાં બનેલી આપણી રિ-મેકની. ‘અ વેન્સ્ડે’ની ઈંગ્લિશ ભાષામાં પણ રિ-મેક બની છે. અહીં મજાની વાત એ છે કે એ ફિલ્મ અમેરિકન નહીં, પણ શ્રીલંકન છે. ‘અ વેન્સ્ડે’ પરથી બનેલી એ ફિલ્મ એટલે દિગ્દર્શક ચંદ્રન રત્નમની ‘અ કોમન મેન’. મજેદાર વાત એ પણ છે કે એ ફિલ્મમાં નસીરુદ્દીન શાહવાળું પાત્ર રિચર્ડ એટનબરોની ‘ગાંધી’થી અતિ પ્રખ્યાત એવા બેન કિંગ્સલીએ ભજવ્યું છે. મતલબ આ ફિલ્મમાં અનોખું મિશ્રણ હતું. એક ભારતીય ફિલ્મની શ્રીલંકન રિ-મેક બની એ પણ ઈંગ્લિશમાં અને મૂળ ભારતીય અમેરિકન એક્ટરને મુખ્ય પાત્રમાં લઈને.

હિન્દી ફિલ્મ્સની જ વિદેશમાં રિ-મેક બની છે તેવું નથી, હિન્દી સિવાયની અન્ય ભાષા પર પણ વિદેશી સર્જકોની નજરે ચઢી છે. ૧૯૮૬માં રિલીઝ થયેલી એમ. એસ. રાજશેખર દિગ્દર્શિત રાજકુમાર અભિનીત કન્નડ ફિલ્મ ‘અનુરાગા રાલીથુ’ બોક્સ ઓફિસ પર ખૂબ સફળ થઈ હતી. એ પછી તેના પરથી ભારતની જ હિન્દી, તમિલ, તેલુગુ, ઓડિયા અને બંગાળી ભાષામાં રિ-મેક બનાવવામાં આવી. આટલું જ નહીં, આ ઉપરાંત બે વિદેશી રિ-મેક પણ અનુરાગા રાલીથુ’ની બની છે.

શ્રીલંકાની સિંહાલામાં ‘માલ હથાઈ’ (૧૯૯૬) અને બાંગ્લાદેશમાં ‘શમી સ્ત્રીર જુદ્ધો’ (૨૦૦૨). આ યાદીમાં વધુ એક કન્નડ ફિલ્મ ‘યુ ટર્ન’ (૨૦૧૬) ખાસ યાદ કરવા જેવી છે. પવન કુમાર દિગ્દર્શિત આ સુપરનેચરલ થ્રિલર ફિલ્મની તમિલ, તેલુગુ, હિન્દી, બંગાળી અને મલયાલમમાં તો રિ-મેક બની એ ઉપરાંત અનુરાગા રાલીથુ’ ની જેમ શ્રીલંકામાં સિંહાલા ભાષામાં પણ રિ-મેક બની છે. એ સિવાય આપણને નવાઈ લાગે પણ કન્નડ ફિલ્મ ‘યુ ટર્ન’ની ફિલિપાઇન્સમાં ફિલિપિનો ભાષામાં રિ-મેક બની છે અને એ પણ ‘યુ ટર્ન’ના નામે જ. આ સાથે ફિલિપાઇન્સમાં રિ-મેક બનનારી ‘યુ ટર્ન’ પહેલી ભારતીય ફિલ્મ બની.

દિગ્દર્શક પવન કુમારનું કહેવું છે કે હજુ આ ફિલ્મ ચાઈનીઝ, થાઈ, મરાઠી અને ગુજરાતી ભાષામાં બનવાની છે. છે ને ખરા અર્થમાં વર્લ્ડ સિનેમાની ગર્વ લેવા જેવી વાત!
૨૦૧૩માં બનેલી જીતુ જોસેફ દિગ્દર્શિત મોહનલાલ અભિનીત મલયાલમ ‘દ્રિશ્યમ દ્રશ્યમ’ વિશે તો લગભગ સૌ જાણતા જ હશે. જો કે, તેના પરથી બનેલી રિ-મેક ની વાત કરવા તો આખો અલગ લેખ કરવો પડે. પણ ભારતીય ભાષાઓ ઉપરાંત વિદેશી ભાષામાં બનેલી રિ-મેક વિશે અહીં નોંધીએ તો સૌપ્રથમ મેન્ડરિન ચાઈનીઝ ભાષામાં રીમેક બનનારી ભારતીય ફિલ્મ બની હતી ‘દ્રશ્યમ’. સેમ ક્વાહ દિગ્દર્શિત આ ચાઈનીઝ રિમેકનું નામ છે, ‘શીપ વિધાઉટ અ શેફર્ડ’ (૨૦૧૯). એ વર્ષની નવમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી આ રિ-મેક. ‘દ્રશ્યમ’ જ્યાં અને જેટલી પણ ભાષામાં બની છે મોટાભાગે અત્યંત સફળ જ થઈ છે.

આ ઉપરાંત ૨૦૧૭માં સિંહાલામાં ‘ધર્મયુદ્ધયા’ નામે પણ તેની રિ-મેક બની છે. અને હજુ ઈન્ડોનેશિયન અને કોરિયન ભાષામાં તેની રિ-મેક બનવાની છે. હજુ મૂળ ફિલ્મ ફ્રેન્ચાઈઝની સિક્વલ બનવાનું તો ચાલુ જ છે , જેના પરથી પણ રિ-મેક બનતી જાય છે અને કદાચ બનતી રહેશે.

રિ-મેક્સનો આ ગર્વ અપાવવામાં દક્ષિણ ભાષાની ફિલ્મ્સનો વધુ ફાળો છે. ૧૯૯૭માં બનેલી એસ. વી. ક્રિષ્ના રેડ્ડીની તેલુગુ ફિલ્મ ‘આહવાનમ’ પરથી પણ ઈંગ્લિશ ફિલ્મ ‘ડિવોર્સ ઇન્વિટેશન’ (૨૦૧૨) બની છે. દિગ્દર્શક આર. પાર્થીબનની તમિલ થ્રિલર ફિલ્મ ‘ઓથથા સેરપુ સાઈઝ ૭’ (૨૦૧૯) પરથી હિન્દીમાં તો રિ-મેક બની જ રહી છે ને એ ઇન્ડોનેશિયામાં પણ બની રહી છે. એક જ વ્યક્તિ દ્વારા ફિલ્મમાં લેખક, દિગ્દર્શક એમ અનેક જવાબદારીઓ નિભાવવાનો અનોખો એશિયા બુક ઓફ રેકોર્ડ’ અને ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ’ પણ આ ફિલ્મ માટે આર. પાર્થીબન સાથે સંકળાયેલો છે. હવે પાછા આવીએ હિન્દી ભાષા પરથી બનનારી વિદેશી ભાષાની રિ-મેક્સ પર. મિલન લુથરિયા દિગ્દર્શિત ૨૦૦૬માં બનેલી જ્હોન અબ્રાહમ દિગ્દર્શિત કોમેડી થ્રિલર ફિલ્મ ‘ટેક્સી નંબર ૯૨૧૧’ની તો મ્યાનમારની ભાષા બર્મીઝમાં ‘નયિટ ટૂન’ નામે રીમેક બની છે.

જોકે ‘ટેક્સી નંબર ૯૨૧૧’ ખુદ ૨૦૦૨ની અમેરિકન ફિલ્મ ‘ચેંજિંગ લેન્સ’થી પ્રેરિત છે. આ બધી ફિલ્મ્સ ઉપરાંત શું તમને ખબર છે કે ખૂબ સફળ અને લોકપ્રિય હિન્દી ફિલ્મ ‘૩ ઈડિયટ્સ’ની પણ રિ-મેક બની છે? તમિલમાં ‘નનબન’ (૨૦૧૨) નામે તો ખરી જ પણ સાથે મેક્સિકન ભાષામાં પણ ‘૩ ઈડિયટ્સ’ની દિગ્દર્શક કાર્લોસ બોલાડોએ ‘૩ ઈડીઓતાસ’ (૨૦૧૭) નામે રિ-મેક બનાવી છે. એ સાથે એ ફિલ્મ એ વર્ષની સેક્ધડ હાઈએસ્ટ ગ્રોસિંગ મેક્સિકન ફિલ્મ બની હતી. ‘૩ ઈડિયટ્સ’ના નિર્માતા વિધુ વિનોદ ચોપરા દિગ્દર્શિત પરિંદા’ (૧૯૮૯)ની પણ ઈંગ્લિશ ભાષામાં ‘બ્રોકન હોર્સિસ’ના નામે રિ-મેક બની છે. જો કે આ કિસ્સામાં ઈંગ્લિશમાં ફિલ્મ બનાવનાર પણ દિગ્દર્શક પોતે જ છે.

હંમેશાં ભારતીય ફિલ્મ્સ તો બધેથી કોપી જ કરે એવું માનનાર દર્શકોને થોડી આવી માહિતી વિશે પણ ખબર પડે તોસમજાય કે આપણી ફિલ્મ્સની અને એ પણ અમુક પ્રાદેશિક ભાષાની ફિલ્મ્સની પણ વિદેશમાં સફળ રિ-મેક બનાવવામાં આવે છે!

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત