‘અંકુર’થી નવો ફણગો ફૂટ્યો
૫૦ વર્ષ પહેલા શ્યામ બેનેગલે એંગ્રી યંગ મેનના દોરમાં વાસ્તવવાદી ફિલ્મો બનાવવાની દિશામાં પહેલું કદમ હિંમતથી માંડ્યું હતું
હેન્રી શાસ્ત્રી
‘જમીનદાર અને એની રખાત વિશેની ફિલ્મ જોવા કોણ આવશે?’
ઈકોનોમિકસમાં એમ. એ. કર્યા પછી એડવર્ટાઇઝિંગ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરનારા શ્યામ બેનેગલે વિવિધ નિર્માતાઓના દરવાજા ખટખટાવ્યા એ દરમિયાન તેમને અનેક જગ્યાએ આ સવાલ કરવામાં આવતો હતો. જોકે, ગુરુ દત્તના કઝીન શ્યામ બેનેગલ નિરાશ ન થયા, હિંમત ન હારી બેઠા. ‘કંઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોય છે’ એ સુભાષિત તેમણે જીવનમાં આત્મસાત કર્યું હોવાથી ૧૪ વર્ષે આશાનું કિરણ અંધારાને ભેદવામાં સફળ રહ્યું. એડવર્ટાઇઝિંગ ફિલ્મો બનાવતી કંપની ‘બ્લેઝ ફિલ્મ્સ’ એમના સાહસમાં રોકાણ કરવા તૈયાર થઈ ગઈ. શ્યામ બેનેગલનો ઉછેર અને શિક્ષણ હૈદરાબાદમાં થયા હોવાથી તેમને તેલુગુ ભાષા માટે લગાવ થઈ ગયો હતો જે સ્વાભાવિક હતું. નિર્માણ કંપની સાથે સંકળાયેલી નિર્માતા જોડી બેનેગલને ફિલ્મ હિન્દીમાં બનાવવા સમજાવવામાં સફળ રહ્યા. અને ‘અંકુર’નો જન્મ થયો જેને પગલે સમાંતર સિનેમાની ઓળખ ધરાવતી ફિલ્મ તૈયાર કરવાની પ્રવૃત્તિને વેગ મળ્યો. એક નવો ફણગો ફૂટ્યો જેને પગલે ફિલ્મ રસિકોને ‘મંથન’, ‘નિશાંત’, ‘ભૂમિકા’ સહિત એવી ઘણી ફિલ્મ જોવા મળી જેણે પોતાની અલગ કેડી કંડારી હતી. પ્રકાશ મહેરા – અમિતાભ બચ્ચનની અફાટ લોકપ્રિયતાને વરેલી ‘ઝંઝીર’ પછી એક્શન હીરો અને શોપીસ જેવી હિરોઈનના દોરમાં બેનેગલે એવી ફિલ્મો બનાવવાનું સાહસ કર્યું જેનાથી જનતા સાવ અજાણ હતી.
૫૦ વર્ષ પહેલા રિલીઝ થયેલી ‘અંકુર’ દિગ્દર્શક તરીકે શ્યામ બેનેગલની પહેલી ફિલ્મ હતી તો શબાના આઝમી, અનંત નાગ, પ્રિયા તેંડુલકર અને ‘બાઝીગર’ પછી વિલન તરીકે જામી ગયેલા કુશળ અભિનેતા દલીપ તાહિલની પણ આ પ્રથમ ફિલ્મ હતી. એ સમયે દર્શકો માટે આ ચાર તેમજ ફિલ્મના અન્ય કલાકારના નામ નવા નામ હતા, પણ એ બધા કસાયેલા હતા કારણ કે તેમનું ઘડતર નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી) અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ) જેવી સંસ્થામાં થયું હતું. આ એવી સંસ્થા હતી જ્યાં કલાકાર – કસબીઓ તપાવીને તૈયાર કરવામાં આવતા હતા. અભિનયની ઊંડી સમજ હોવાથી આ કલાકારો પાત્રની બારીકી દિગ્દર્શકની દ્રષ્ટિ અનુસાર ઉપસાવવામાં સફળ રહેતા. ફિલ્મનું કેન્દ્રીય લક્ષ્મીનું પાત્ર શબાના આઝમીએ કર્યું હતું, પણ ‘ગાઈડ’ જોયા પછી બેનેગલ વહિદા રહેમાનને લેવા માગતા હતા. જોકે, કેરળની કોઈ ફિલ્મ દરમિયાન અત્યંત માઠો અનુભવ થયા પછી વહિદાજીએ ના પાડી હતી, કારણ કે મિસ્ટર બેનેગલ શરૂઆતમાં ફિલ્મ તેલુગુમાં બનાવવા ઉત્સુક હતા.
‘અંકુર’થી હિન્દી ફિલ્મ મેકિંગમાં પ્રતીકાત્મક પદ્ધતિ વધુ વિકસી. આ ફિલ્મ અને બીજી કેટલીક ફિલ્મની એક ખાસિયત એ છે કે ફિલ્મ દર્શકને શિખામણનો ડોઝ નથી પીવરાવતી, આ કરો અને પેલું ન કરો એમ નથી કહેતી. બલકે જે કંઈ રજૂ થાય છે એ અંગે દરેકને પોતાનો નિર્ણય લેવાની છૂટ આપે છે. ફિલ્મનો અંત બહુ સૂચક છે. જુલ્મી જમીનદાર લક્ષ્મીના પતિની મારપીટ કરે છે ત્યારે લક્ષ્મી પતિના બચાવમાં દોડી આવે છે અને જમીનદારને શાપ આપે છે. કેમેરા એક બાળકને પથરા સાથે દોડતો બતાવે છે જે જમીનદારના ઘર પર પથરો ફેંકી કાચ તોડી નાખે છે અને ફિલ્મ પૂરી થાય છે. ઉપરછલ્લી રીતે આ વાત બાળકની નાદાની લાગે, પણ જુલ્મ સામે અવાજ ઉઠાવી એ સાંખી નહીં લેવામાં આવે એ સમજણનું આ પ્રતીક છે. સૂચક સંદેશો ઘણી વાર વધુ પ્રભાવી સાબિત થતો હોય છે. જમીનદારના જુલમ હેઠળ કચડાઈ રહેલા અને ગૂંગળાઈ રહેલા ખેડૂત વર્ગને ઢંઢોળવાનું કામ એક પથ્થરના પ્રતીકથી વ્યક્ત થાય છે.
વાસ્તવવાદી ફિલ્મ હોવાને કારણે દિગ્દર્શકની રજૂઆતમાં તત્કાલીન સમાજ વ્યવસ્થાનું પ્રતિબિંબ જોવા મળે છે. શાળા પરીક્ષા પાસ કરી હોવાથી નાયક ખુશખુશાલ છે, પણ એની મહત્ત્વકાંક્ષા પર પિતાશ્રી લગામ તાણે છે. સ્વાભાવિક છે કે એ નિરાશ થાય છે. અહીં એ પોતાની ઈચ્છા – મહેચ્છા માતા સમક્ષ રજૂ કરે છે અને એ બધી વાત માતા બાળકના પિતા સુધી પહોંચાડે છે. આ એ દોરની વાત છે જ્યારે સંતાન સીધું પિતા સાથે વાત ન કરતું અને માતા મારફત વાત પિતા સુધી પહોંચાડવામાં આવતી હતી. ઉજળિયાત અથવા ઉચ્ચ વરણ અને સામાન્ય પ્રજા અથવા લોક વરણ વચ્ચેના ભેદભાવ આપણા સમાજમાં સૈકાઓથી નજરે પડતા આવ્યા છે. શ્યામ બેનેગલએ આ ભેદભાવ બહુ પ્રભાવી રીતે ઉપસાવ્યા છે જે કોઈ પણ સંવેદનશીલ દિલ – દિમાગને અસર કરી એને વિચાર કરતા કરી મૂકે છે.
શ્યામ બેનેગલની ‘અંકુર’ અને એ શૈલીની બીજી ફિલ્મો શું કામ જોવી જોઈએ? સલમાન ખાનનું માનવું છે કે ‘મારી ફિલ્મો દ્વારા હું કોઈ મેસેજ નથી આપવા માગતો. મેસેજ આપવો હશે તો હું એસએમએસ કરી દઈશ. થિયેટરમાં બેસી મારી ફિલ્મ જોતા દર્શકને આનંદ થવો જોઈએ, જલસા પડવા જોઈએ અને એ હસતે મોઢે ઘરે પાછો જવો જોઈએ.’ વાત ખોટી નથી, પણ પૂરતી સુધ્ધાં નથી. આ સંદર્ભમાં અનુભવી લેખક, નિર્માતા અને દિગ્દર્શક વિધુ વિનોદ ચોપડાનું કહેવું ‘મારા હિસાબે મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ ફિલ્મ બનાવવા પાછળનો હેતુ – મકસદ શું છે?’ સમજવા જેવું છે.
ફિલ્મ મનોરંજન કરે એમાં કશું ખોટું નથી, બલકે આવકારદાયક છે, પણ એ ફિલ્મ જોઈને
દર્શકને કશુંક મેળવ્યું હોવાનો અનુભવ થાય
તો એ ઉત્તમ છે. આ ફરક સમજવા અને
સમજાય તો સ્વીકારવા ‘અંકુર’ જેવી ફિલ્મ વિશે વાંચવું જોઈએ અને એવી ફિલ્મ જોવી સુધ્ધાં જોઈએ.