100 વખત દંડ ફટકારાયો પણ ન સુધર્યો, પછી બની 17નો ભોગ લેનારી દુર્ઘટના…
મુંબઈ: 17 જણનો ભોગ લેનારી ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનાના આરોપી ભાવેશ ભિંડેને ભૂતકાળમાં ગેરકાયદે હોર્ડિંગ બદલ 100થી વધુ વખત દંડ ફટકારવામાં આવ્યો હોવાનું પોલીસને તપાસમાં જણાયું હતું.
આરોપી ભાવેશ ભિંડે ઇગો મીડિયા એડ્વર્ટાઇઝિંગ એજન્સીનો ડિરેક્ટર હતો અને તેણે જ ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર તૂટી પડનારું તોતિંગ હોર્ડિંગ લગાડ્યું હતું.
13 મેના રોજ મુંબઈમાં તોફાની પવનો ફૂંકાયા ત્યારે આ હોર્ડિંગ તૂટી પડ્યું હતું અને પેટ્રોલ પંપ પર પડ્યું હતું, જેના કારણે 17 લોકોના મૃત્યુ થયા હતા જ્યારે અનેક લોકો જખમી થયા હતા. આ ઘટનામાં અનેક વાહનોનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઇમ બ્રાંચને તપાસમાં જણાયું હતું કે પાલિકાએ ભિંડેને ગેરકાયદે હોર્ડિંગ બદલ 100 કરતાં વધુ નોટિસ ફટકારી હતી. હોર્ડિંગની સાઇઝ અને અન્ય નિયમોના ઉલ્લંઘન બદલ અનેક વખત ભિંડેને દંડ ફટકારવામાં આવ્યો હોવાનું તપાસમાં જણાયું હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પાલિકાની અમુક એજન્સીઓ દ્વારા તેને બ્લેક લિસ્ટમાં પણ મૂકવામાં આવ્યો હતો. એવું મનાય છે કે ભિંડે તેના નામે રજિસ્ટર ન હોય તેવી કંપની મારફત પોતાના વ્યવહાર ચલાવતો હતો.
આ પણ વાંચો : ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનાના આરોપી ભાવેશ ભિડેને 26 મે સુધીની પોલીસ કસ્ટડી
ભિંડે ઉપર આ પૂર્વે પણ બળાત્કારના કેસ સહિત અન્ય છ કેસ નોંધાયેલા હોવાનું પણ પોલીસને તપાસમાં જણાયું હતું. મુલુંડ પોલીસ સ્ટેશનમાં ચાર અને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં બે કેસ ભિંડે વિરુદ્ધ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં જણાયું હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. ભિંડે વિરુદ્ધ બહાર પાડવામાં આવેલી નોટિસ અને ફટકારાયેલા દંડ વિશે પાલિકા પાસેથી વિગતો મેળવવામાં આવી રહી હોવાનું પણ અધિકારીએ જણાવ્યું હતું.