મહારાષ્ટ્ર

પુણેમાં કાર અકસ્માતનો કેસ: આરટીઓ પોર્શે કારનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન રદ કરશે

ક્રાઈમ બ્રાન્ચે ટીનએજરના દાદાની પૂછપરછ હાથ ધરી

પુણે: મધ્ય પ્રદેશના બે સોફ્ટવેર એન્જિનિયરને ટીનએજર દ્વારા પોર્શે કારથી કચડી નાખવાની પુણેમાં બનેલી ઘટના બાદ રિજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસે (આરટીઓ) પોર્શે કારનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. બીજી બાજુ, ટીનએજરના દાદા પર આક્ષેપો થયા પછી ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે દાદાની પૂછપરછ કરી હતી.

ઈલેક્ટ્રિક લક્ઝરી સ્પોર્ટ્સ સેડાન-પોર્શે ટાયકેન માર્ચ મહિનામાં બેન્ગલુરુના ડીલર દ્વારા આયાત કરવામાં આવી હતી, જે પછી કામચલાઉ નોંધણી કરીને મહારાષ્ટ્રમાં મોકલવામાં આવી હતી.

અકસ્માત પછી કાર પુણે આરટીઓમાં લઈ જવાઈ ત્યારે અમુક રજિસ્ટ્રેશન ફી ભરી ન હોવાનું જણાયું હતું. માલિકને પેપરવર્ક પૂર્ણ કરવા માટે રકમ ચૂકવી દેવાનું જણાવાયું હતું. જોકે ફી ચૂકવવામાં ન આવી હોવાથી વાહનનું કાયમી રજિસ્ટ્રેશન બાકી રહી ગયું હતું, એમ આરટીઓના અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: પુણેમાં કાર અકસ્માતમાં સંડોવાયેલા ટીનેજરના પિતાને તાબામાં લેવાયો:

આ લક્ઝુરિયસ કાર બિલ્ડર વિશાલ અગ્રવાલનો 17 વર્ષનો પુત્ર ચલાવી રહ્યો હતો. ઘટના સમયે ટીનએજર દારૂના નશામાં હોવાનો દાવો પોલીસે કર્યો હતો. રવિવારની વહેલી સવારે પૂરપાટ કાર દોડાવી ટીનએજરે કલ્યાણી નગર ખાતે બાઈક પર જઈ રહેલા બે સોફ્ટવેર એન્જિનિયર અનિશ અવધિયા અને અશ્ર્વિની કોસ્ટાને અડફેટે લીધા હતા. આ પ્રકરણે ટીનએજરને પાંચ જૂન સુધી ઓબ્ઝર્વેશ હોમમાં મોકલી દેવાયો હતો, જ્યારે તેના પિતા અને વિશાલ અગ્રવાલ અને પબના બે કર્મચારીને કોર્ટે 24 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

આરટીઓ અધિકારી સંજીવ ભોરે જણાવ્યું હતું કે મોટર વેહિકલ ઍક્ટમાં એવી જોગવાઈ છે કે જો સગીર કાર ચલાવીને અકસ્માત સર્જે તો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ 12 મહિના માટે રિવૉક કરી શકાય છે. અમે કારની કામચલાઉ નોંધણી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને આ સંબંધમાં કારના માલિકને નોટિસ મોકલવામાં આવી છે.

કાર બેન્ગલુરુથી પુણે લાવવામાં આવી હોવાથી તેનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જોકે યોગ્ય રજિસ્ટ્રેશન નંબર વિના કાર રસ્તા પર ચલાવવી તે ગુનો છે. કાર હાલમાં પોલીસે જપ્ત કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button