બંગાળમાં ઓબીસી અનામતનો ચુકાદો કોના લાભાર્થે ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કલકત્તા હાઈ કોર્ટે થોડા સમય પહેલાં પશ્ર્ચિમ બંગાળમાં કરવામાં આવેલી શિક્ષકોની ભરતી રદ કરી દીધી હતી. શિક્ષકોની ભરતીમાં મોટા પાયે કૌભાંડ કરાયું હોવાના આક્ષેપ સાચા હોવાનું ઠરાવીને આ ભરતી રદ કરી દેવાયેલી. આ મામલે કાનૂની જંગ ચાલુ જ છે ત્યાં હવે કલકત્તા હાઈ કોર્ટે ૨૦૧૦ પછી આપવામાં આવેલા તમામ અન્ય પછાત વર્ગ (ઓબીસી)નાં સર્ટિફિકેટ રદ કરવાનો આદેશ આપ્યો છે. મતલબ કે, ૨૦૧૦ પછી આપવામાં આવેલા અન્ય પછાત વર્ગ (ઓબીસી)નાં સર્ટિફિકેટને આધારે હવે કોઈ પણ વ્યક્તિને નોકરી નહીં મળી શકે. જેમને નોકરી મળી ચૂકી છે એ લોકોને આ આદેશ લાગુ નહીં પડે પણ એ સિવાય બધાંને આ ચુકાદો લાગુ પડશે.
કલકત્તા હાઈ કોર્ટના જસ્ટીસ તપોબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથરની બેંચે કહ્યું છે કે, પશ્ર્ચિમ બંગાળમાં ૨૦૧૧થી વહીવટી તંત્રે કોઈ પણ નિયમનુ પાલન કર્યા વગર ઓબીસી સર્ટિફિકેટ આપી દીધાં છે. આ રીતે કોઈને પણ ઓબીસી સર્ટિફિકેટ આપવાં ગેરબંધારણીય છે. આ ઓબીસી સર્ટિફિકેટ પછાત વર્ગ પંચની સલાહને માન્યા વિના આપવામાં આવ્યા હોવાથી તમામ સર્ટિફિકેટ રદ કરવામાં આવ્યા છે. હવે પછી સરકારી નોકરીમાં લાભ લેવા માટે આ ઓબીસી સર્ટિફિકેટ માન્ય ગણાશે નહીં. કોર્ટે એ અંગે પણ સ્પષ્ટતા કરી છે કે, ૨૦૧૦ પછી આપવામાં આવેલા અન્ય પછાત વર્ગ (ઓબીસી)નાં સર્ટિફિકેટને આધારે નોકરી મેળવનારાંની નોકરી પર કોઈ સંકટ નથી અને એ લોકોની નોકરી પહેલાની જેમ જ ચાલુ રહેશે.
કલકત્તા હાઈ કોર્ટે આ ચુકાદો મમતા બેનરજીની સરકારે ૨૦૧૨માં પસાર કરેલા કાયદાના સંદર્ભમાં આપ્યો છે. મમતા બેનરજી સરકારે ૨૦૧૨માં પસાર કરેલા કાયદા પછી રાજ્યમાં ૩૭ હિંદુ અને ૭૭ મુસ્લિમ જ્ઞાતિ મળીને ૧૧૪ જ્ઞાતિનાં લોકોને ઓબીસી અનામતનો લાભ અપાવા માંડ્યો હતો. બંગાળમાં ૨૦૧૦ પહેલાં કુલ ૬૬ જ્ઞાતિઓને ઓબીસી અનામતનો લાભ મળતો હતો. તેમાં નવી ૧૧૪ જ્ઞાતિ ઉમેરાતાં કુલ ૧૮૦ જ્ઞાતિઓને અનામતનો લાભ મળવા માંડ્યો હતો. મુસ્લિમોને ઓબીસી અનામતનો લાભ વધારે પ્રમાણમાં મળવા માંડ્યો તેથી આ કાયદાને હાઈ કોર્ટમાં પડકારાયો હતો.
હાઈ કોર્ટે ૭૭ મુસ્લિમ જ્ઞાતિઓને ઓબીસી અનામતનો લાભ આપીને લગભગ સમગ્ર મુસ્લિમ સમાજને અનામતનો લાભ આપી દીધો એ ગેરબંધારણીય છે એ આધાર પર ૨૦૧૨નો મમતા બેનરજી સરકારનો કાયદો રદ કરી દીધો છે. હાઈ કોર્ટે કહ્યું છે કે, ૧૯૯૩ના કાયદા પ્રમાણે રાજ્ય સરકારે ઓબીસીની યાદી તૈયાર કરવા માટે પંચની ભલામણ વિધાનસભામાં સોંપવી પડે. પશ્ર્ચિમ બંગાળ પછાત વર્ગ કલ્યાણ પંચ આ યાદી તૈયાર કરીને રાજ્ય સરકારને આપે પછી રાજ્ય સરકાર આ યાદી વિધાનસભામાં રજૂ કરાય અને તેને મંજૂરી મળે પછી આ યાદીમાં સમાવિષ્ટ જ્ઞાતિને જ ઓબીસી ગણવામાં આવે. આ બંધારણીય પ્રક્રિયા છે પણ તેનું પાલન કરાયું નથી તેથી ૨૦૧૦ પછીનાં તમામ ઓબીસી સર્ટિફિકેટ રદ કરી દેવાયાં છે.
ભારતમાં ન્યાયતંત્ર તટસ્થ અને નિષ્પક્ષ મનાય છે પણ આ ચુકાદા પછી ફરી એક વાર ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને તટસ્થતા સામે સવાલ ઊભો થઈ ગયો છે. સાથે સાથે અદાલતો પણ રાજકીય દબાણ હેઠળ વર્તે છે એ સાબિત થયું છે. હાઈ કોર્ટ એ રીતે નિષ્પક્ષ નથી કે જેમણે ઓબીસી સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી લીધી તેમને છૂટ આપી દીધી છે. ૨૦૧૦ પછીનાં તમામ ઓબીસી સર્ટિફિકેટ અયોગ્ય હોય તો ૨૦૧૦ પછી ઓબીસી સર્ટિફિકેટના આધારે જેમણે નોકરી મેળવી એ લોકો પણ અયોગ્ય ઠરે કેમ કે તેમણે ખોટા અથવા અયોગ્ય સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી છે.
કલકત્તા હાઈકોર્ટે પોતે સ્પષ્ટ કર્યું છે કે મમતા બેનરજી સરકારે ૨૦૧૧માં ઓબીસી સર્ટિફિકેટ જારી કર્યા તે ગેરકાયદેસર હતા. સવાલ એ છે કે, ગેરકાયદેસર ઓબીસી સર્ટિફિકેટના આધારે નોકરી લીધી હોય એ કાયદેસર કઈ રીતે કહેવાય ? ઓબીસી છે જ નહીં તેને ઓબીસી માટે અનામત નોકરી મળે એ સાચા ઓબીસી સાથે અન્યાય કહેવાય. હાઈકોર્ટે એ અન્યાય દૂર કરીને અયોગ્ય સર્ટિફિકેટને આધારે નોકરી મેળવનારને દૂર કરવા જોઈએ અને જે લોકો લાયક છે તેમને નોકરી આપવી જોઈએ. એવું કરવાના બદલે હાઈ કોર્ટે અયોગ્ય સર્ટિફિકેટના આધારે નોકરી મેળવનારાને જવા દઈને દેખીતો ભેદભાવ કર્યો છે.
કલકત્તા હાઈ કોર્ટનો ચુકાદો બહુ મોટો છે અને તેની અસર લાખો લોકો પર પડશે. એક અંદાજ પ્રમાણે, હાઈ કોર્ટના ચુકાદાથી પાંચ લાખ ઓબીસી સર્ટિફિકેટ રદ થઈ જશે. પાંચ લાખ લોકોના ભાવિ સાથે સંકળાયેલા મુદ્દે ૧૨ વર્ષ સુધી કશું ના થયું ને અચાનક બધાં સર્ટિફિકેટ રદ થઈ જાય એ આઘાતજનક ના કહેવાય?
હાઈ કોર્ટના નિર્ણય પાછળ રાજકીય કારણો પણ છે. મમતા બેનરજી સરકારે છેક ૨૦૧૨માં આ કાયદો પસાર કરેલો. એ પછી હજારો લોકો આ કાયદાના આધારે ઓબીસીનાં સર્ટિફિકેટ મેળવીને સરકારી નોકરી લઈ ગયા પણ હાઈ કોર્ટ પાસે આ કાયદાને પડકારતી અરજી સાંભળવાનો સમય નહોતો. આ એવો મુદ્દો છે કે જેની તાત્કાલિક સુનાવણી થવી જોઈએ પણ તેના બદલે ૧૨ વર્ષ લગી હાઈ કોર્ટને આ કાયદો બંધારણીય રીતે યોગ્ય છે કે નથી એ નક્કી કરવાનો સમય જ ના મળ્યો.
હવે લોકસભાની ચૂંટણી વખતે મુસ્લિમોને ઓબીસી અનામત આપી દેવાશે એ મુદ્દો ચગાવાયો છે ત્યારે જ હાઈ કોર્ટને ચુકાદો આપવાનું સૂઝ્યું. હાઈ કોર્ટ ૧૨ દિવસ પછી પણ ચુકાદો આપી શકી હોત. ૧૨ વર્ષ સુધી કશું ના કર્યું તો ૧૨ દિવસમાં કશું ખાટું મોળું થઈ જવાનું નહોતું પણ હાઈ કોર્ટે એવો સમય પસંદ કર્યો કે જ્યારે રાજકીય રીતે આ મુદ્દો ગરમ છે.
સત્તામાં આવ્યા બાદ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વારંવાર દાવો કર્યો છે કે, પોતાની સરકારે લગભગ તમામ મુસ્લિમ જ્ઞાતિઓને ઓબીસી કેટેગરીમાં સમાવી લીધા હોવાથી મોટા ભાગની મુસ્લિમ સમુદાયની વસ્તી પણ અનામતનો લાભ લઈ રહી છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ વારંવાર આ દાવો કર્યા કરે છે. બીજી તરફ ભાજપ સતત એવો પ્રચાર કરે છે કે, કૉંગ્રેસ તથા તેના સાથી પક્ષો સત્તામાં આવશે તો ઓબીસી અનામત મુસ્લિમોને આપી દેશે. હાઈ કોર્ટનો ચુકાદો કોને ફાયદાકારક છે એ કહેવાની જરૂર નથી ને તેનું કારણ શું એ પણ કહેવાની જરૂર નથી.