ઍન્ડી ફ્લાવરે (Andy Flower) કહ્યું, મારે ટીમ ઇન્ડિયાના કોચ નથી બનવું કારણકે…
અમદાવાદ: ઝિમ્બાબ્વેનો ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)નો કોચ ઍન્ડી ફ્લાવર બુધવાર રાતથી ફુરસદમાં આવી ગયો છે, પણ તેને હેડ-કોચ તરીકેની કોઈ મોટી અને નવી જવાબદારી લેવાની કોઈ જ માનસિક તૈયારી નથી. તેને ફ્રૅન્ચાઇઝી લીગના કોચિંગ ઉપરાંત ઇંગ્લૅન્ડની ટીમના અને બીજી મોટી ટી-20 લીગની ટીમને કોચિંગ આપવાનો પણ અનુભવ છે, પણ તેણે કહ્યું છે કે ‘હું હમણાં ફ્રૅન્ચાઇઝી ક્રિકેટમાં કોચિંગ આપવાથી જ ખુશ છું.’
56 વર્ષીય ફ્લાવરે 1992થી 2003 સુધીની કરીઅરમાં કુલ 11,500થી વધુ રન બનાવ્યા હતા અને વિકેટની પાછળથી 350 જેટલા શિકાર કર્યા હતા.
બીસીસીઆઇએ રાહુલ દ્રવિડની હેડ-કોચ તરીકેની મુદત આગામી ટી-20 વર્લ્ડ કપના અંત સુધીની છે અને ત્યાર પછીના નવા હેડ-કોચ બનાવવા નવી અરજીઓ મગાવી છે જે સુપરત કરવાની મુદત 27મી મે સુધીની છે. બીસીસીઆઇએ નવા કોચ બનાવવા સંબંધમાં ગૌતમ ગંભીરનો સંપર્ક કર્યો છે. જોકે સ્ટીફન ફ્લેમિંગ અને માહેલા જયવર્દનેએ પણ બીસીસીઆઇ (BCCI)ને અરજી કરવામાં રસ બતાવ્યો હોવાનું મનાય છે.
આ પણ વાંચો: IPL-2024 : આજે કોલકાતા (KKR) વિરુદ્ધ હૈદરાબાદ (SRH): કોની સામે કયા હરીફ ખેલાડીની ટક્કર સૌથી રોમાંચક બની શકે?
ઍન્ડી ફ્લાવરના કોચિંગમાં 2012માં ઇંગ્લૅન્ડની ટીમે ભારતમાં ઐતિહાસિક ટેસ્ટ-સિરીઝની ટ્રોફી મેળવી હતી. ત્યારે ઍલિસ્ટર કૂક બ્રિટિશ ટીમનો કૅપ્ટન હતો. ઇંગ્લૅન્ડને કોચિંગ આપવાનું છોડ્યા બાદ ફ્લાવરે ઘણી ફ્રૅન્ચાઇઝી આધારિત ટીમને કોચિંગ આપ્યું છે અને 2024ની આઇપીએલની આ સીઝનમાં આરસીબીની ટીમને પહેલી વાર કોચિંગ આપ્યું છે. બુધવારે આરસીબીનો અમદાવાદની એલિમિનેટરમાં રાજસ્થાન (RR) સામે ચાર વિકેટે પરાજય થયો હતો.
ફ્લાવરને એક મુલાકાતમાં ટીમ ઇન્ડિયાના કોચ બનવાની ઇચ્છા બાબતમાં પૂછવામાં આવતાં તેણે કહ્યું, ‘ના, મેં અરજી નથી કરી અને હું ઍપ્લાય કરવાનો પણ નથી. હાલમાં મને ફ્રૅન્ચાઇઝી-આધારિત ટીમને કોચિંગ આપવાનું મને પસંદ છે અને એ જ ચાલુ રાખીશ.’