રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુની IPL-2024નીની સફર એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ સામેની હાર સાથે સમાપ્ત થઈ ગઈ. આ હાર સાથે RCBનું ખિતાબ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું. બેંગલૂરુએ IPLના ઇતિહાસમાં સૌથી મોટું કમબેક કર્યું હતું અને પ્લે ઓફમાં જગ્યા બનાવી હતી, પરંતુ પ્રથમ નોકઆઉટ મેચમાં જ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આરસીબીના હારની કહાણી આર અશ્વિનના બે બોલે લખી હતી. અશ્વિનને તેની આ સિદ્ધિ બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ મેચ ચાર વિકેટથી જીતીને રાજસ્થાન રોયલ્સે ક્વોલિફાયર-2માં પોતાનું સ્થાન બનાવી દીધું છે જ્યાં હવે તેનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે.
ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ફાફ ડુ પ્લેસિસ (17) અને વિરાટ કોહલી (33) એ સ્થિર અને સારી શરૂઆત અપાવી હતી.
Read More: IPL 2024: CSKના આ ખેલાડીએ RCBને હાર પર જાહેરમાં ટ્રોલ તો કરી પછી…
જ્યારે આ બંને બેટ્સમેન આઉટ થયા ત્યારે RCB પર મુશ્કેલીના વાદળો છવાઈ ગયા હતા. જોકે, આ પછી કેમરૂન ગ્રીન (27) અને રજત પાટીદાર (34) એ ટીમની કમાન સંભાળી હતી અને સ્કોરબોર્ડને ઘૂમતું રાખ્યું હતું. જ્યાં સુધી આ બંને બેટ્સમેન ક્રિઝ પર હતા ત્યાં સુધી એવું લાગતું હતું કે આરસીબી 200ના સ્કોર સુધી પહોંચી શકશે, પરંતુ પછી સ્ટોરીમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. અશ્વિન તેના સ્પેલની છેલ્લી ઓવર સાથે આવ્યો અને આ દરમિયાન તેણે બે એવા જાદુઈ બોલ ફેંક્યા જેણે મેચને એક જ ક્ષણમાં RR તરફ નમાવી દીધી. આ બે બોલથી RCBના લલાટે હારની કહાની લખાઈ ગઈ.
આ ઘટના ઈનિંગની 13 મી ઓવરમાં બની હતી. પ્રથમ ત્રણ ઓવરમાં ઘણી ચુસ્ત બોલિંગ કરનાર અશ્વિને માત્ર 17 જ રન આપ્યા હતા, પરંતુ આ દરમિયાન તેને એક પણ વિકેટ મળી ન હતી. સેમસનને ખબર હતી કે પાટીદાર અને ગ્રીન અશ્વિનને રમી શકતા નથી, તેથી તેણે ભારતીય સ્પીનર અશ્વિનને જ સતત ચોથી ઓવર આપવાનું નક્કી કર્યું અને અશ્વિન સેમસનના આ નિર્ણય પર ખરો પણ ઉતર્યો.
અશ્વિને ઓવરના ત્રીજા બોલ પર કેમેરૂનને ફસાવી દીધો જ્યારે પછી બીજા જ બોલ પર તેણે ગ્લેન મેક્સવેલને ફસાવ્યો. આ સિઝનમાં મેક્સવેલે સુંદર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે નોકઆઉટ મેચમાં RCB માટે મુશ્કેલી ઉભી કરી શક્યો નહીં. મેક્સવેલની શૂન્ય રન પર વિકેટ મેળવવી રાજસ્થાન રોયલ્સ માટે મહત્વની ક્ષણ હતી.
Read More: IPL 2024: (RCBvsRR) RCB હારી ગઈ તો CSK ચાહકોને સૌથી વધુ મજા પડી, મીમ્સ થયા વાયરલ
એક ઓવર પછી રજત પાટીદાર પણ પેવેલિયન પરત ફર્યો અને RCBનો સ્કોર માંડ માંડ 172 સુધી પહોંચ્યો. રાજસ્થાન રોયલ્સે આ સ્કોર 19 ઓવરમાં હાંસલ કરી લીધો અને RCBને ટુર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવી દીધો.