આમચી મુંબઈ

ગરમીના કારણે, મુંબઈમાં વીજળીની માંગ રેકોર્ડ 4,306 મેગાવોટ

મુંબઇઃ શહેરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર વધવા સાથે ગરમ અને ભેજવાળી પરિસ્થિતિમાં ચાલુ રહેવાને કારણે, મંગળવારે મુંબઈનો પીક પાવર વપરાશ 4,300 મેગાવોટને વટાવી ગયો હતો. મુંબઈએ 4,306 મેગાવોટની વિક્રમી પીક પાવર ડિમાન્ડ નોંધાવી છે. અગાઉ ગયા વર્ષે જૂનમાં ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ 4,128 મેગાવોટ હતો. આ પહેલીવાર છે જ્યારે વીજળીની માંગ આટલી વધી ગઇ છે. દિન પ્રતિદિન તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે પાવર સિસ્ટમ પર દબાણ આવી રહ્યું છે.

મુંબઈ શહેર અને ઉપનગરો સહિત લગભગ 48 લાખ વીજ ગ્રાહકો છે. મુંબઈમાં અદાણી ઈલેક્ટ્રિસિટીના સૌથી વધુ 30 લાખ ગ્રાહકો છે. આ પછી બેસ્ટ ઇલેક્ટ્રિસિટી કંપનીના 10.5 લાખ અને ટાટા પાવરના 7.5 લાખ ગ્રાહકો છે. અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડના જણાવ્યા અનુસાર, 21 મેના રોજ બપોરે 3.45 વાગ્યે પીક પાવર ડિમાન્ડ 2,253 મેગાવોટને વટાવી ગઈ હતી જ્યારે જૂન 2023માં અગાઉની પીક ડિમાન્ડ 2,161 મેગાવોટ હતી. ટાટા પાવરની તેના 7.50 લાખ ગ્રાહકોની માંગ 1,050 મેગાવોટ રહી હતી જ્યારે બેસ્ટ અંડરટેકિંગ દ્વારા 10.50 લાખ ગ્રાહકોને પુરવઠો 910 મેગાવોટને વટાવી ગયો હતો. (ભાંડુપ અને મુલુંડ આમાં સામેલ નથી, કારણ કે તેઓ MSEDCL પાસેથી વીજ પુરવઠો મેળવે છે.)

પાવર નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, ” વધતી જતી માગને કારણે કંપનીઓને ખુલ્લા બજારમાંથી મોંઘી વીજળી ખરીદવાની ફરજ પડી રહી છે જે યુનિટ દીઠ 12 રૂપિયા જેવી મોંઘી હોય છે. વધુને વધુ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ અને મેટ્રો રેલ લાઇન્સ આવી રહી હોવાથી, માંગમાં વધારો થવાની ધારણા છે.”

અદાણી ઈલેક્ટ્રીસિટીનો દહાણુ પ્લાન્ટ 500 મેગાવોટ જનરેટ કરે છે, જ્યારે ટાટા પાવરનો ટ્રોમ્બે પ્લાન્ટ લગભગ 800 મેગાવોટ જનરેટ કરે છે અને અન્ય 440 મેગાવોટ રિન્યુએબલ એનર્જીમાંથી આવે છે. દરમિયાન, મહારાષ્ટ્રની વીજ માંગ 26,000 મેગાવોટની આસપાસ છે.

દેશની આર્થિક રાજધાની હોવાને કારણે, મુંબઈમાં પાવર કટ પ્રમાણમાં ઓછો છે. આખી રાત જાગતા શહેરને અજવાળવા માટે ગુજરાત, રાજસ્થાન અને આસપાસના રાજ્યોમાંથી વીજળી લેવી પડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button