ટોપ ન્યૂઝનેશનલ

વોટિંગનો ડેટા મોડો કેમ જાહેર કરવામાં આવી રહ્યો છે? ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ સમક્ષ જવાબ આપ્યો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) માટે પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે, હજુ બે તબક્કાનું મતદાન બાકી છે. ત્યાર બાદ 4 જૂને પરિણામ જાહેર થશે. લોકસભા ચૂંટણી બાબતે ચાલી રહેલા રાજકીય ઘમસાણ વચ્ચે ભારતીય ચૂંટણી પંચ(Election commission of India)ની નિષ્પક્ષતા પર અવારનવાર સવાલ ઉભા કરવામાં આવ્યા છે, ખાસ કરીને મતદાનના આંકડા મોડા અને અધૂરા જાહેર કરવા બાબતે ECIની ટીકા કરવામાં આવી હતી, જે અંગે સુપ્રીમ કોર્ટ(Supreme court)એ ECI પાસે જવાબ માંગ્યો હતો. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે મતદાન મથક મુજબનો ડેટા જાહેર કરવાથી અરાજકતા સર્જાઈ શકે છે. મતદાન કેન્દ્રમાં પડેલા મતોની સંખ્યા દર્શાવતા ફોર્મ 17Cની વિગતો જાહેર કરી શકાય નહીં.

ચૂંટણી પંચે બુધવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે મતદાન મથક-વાર મતદાન ટકાવારી ડેટા વેબસાઇટ પર પોસ્ટ કરવાથી ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં વ્યસ્ત તંત્રમાં અરાજકતા સર્જાઈ શકે છે, મતદાન કેન્દ્રમાં પડેલા મતોની સંખ્યા દર્શાવતી ફોર્મ 17Cની વિગતો જાહેર કરી શકાય નહીં. એવું કરવાથી ફોટોગ્રાફ્સ સાથે ચેડા થવાની શક્યતા વધી જાય છે.

ચૂંટણી પંચે એ આરોપને પણ ખોટો અને ભ્રામક ગણાવ્યો હતો કે લોકસભાની ચૂંટણીના પ્રથમ બે તબક્કા માટે મતદાનના દિવસે જાહેર કરાયેલા આંકડા અને ત્યાર પછીના બાદ અખબારી અહેવાલોમાં જાહેર કરાયેલા આંકડામાં 5-6 ટકાનો ફરક હતો.

ચૂંટણી પંચે આ સ્પષ્ટતા એક NGOએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીના જવાબમાં આપી હતી. અરજીમાં, ચૂંટણી પંચને લોકસભાના દરેક તબક્કા માટે મતદાન પૂર્ણ થયાના 48 કલાકની અંદર વેબસાઇટ પર મતદાન મથક મુજબનો ડેટા અપલોડ કરવાનો નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી.

ચૂંટણી પંચે દાખલ કરેલા 225 પાનાના એફિડેવિટકહ્યું કે, ‘જો અરજદારની વિનંતી સ્વીકારવામાં આવે તો તે કાયદાકીય રીતે અયોગ્ય હશે. 2019ની ચૂંટણીમાં મતદાનના આંકડામાં 2 થી 3 ટકાનો તફાવત હતો. આ માટે પંચે 2019નો સંપૂર્ણ ડેટા જાહેર કર્યો છે. અરજદાર નવી નવી શંકાઓ ઊભી કરીને મતદારોને ભ્રમિત કરવા માંગે છે. મતદાનના વાસ્તવિક આંકડા વિવિધ પ્રકારના વેરિફિકેશન પછી આવે છે. તે પહેલા પણ બદલાતો રહ્યો છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે આ અરજી દાખલ કરી છે. 17 મેના રોજ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જવાબ દાખલ કરવા કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button