મુંબઈ: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં કુખ્યાત નક્સલવાદી સંજય રાવ ઉર્ફે દીપકની તેલંગણા પોલીસે ધરપકડ કરી હતી, જેના ઉપર 2 કરોડ રૂપિયાનું ઈનામ હતું. સંજય છેલ્લા 30 વર્ષથી નક્સલી આંદોલન માટે સક્રિય હતો.
મહારાષ્ટ્ર સરકારે સંજય વિશે માહિતી આપનારને 50 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. એ જ રીતે અન્ય રાજ્યોની જાહેરાત પછી સંજય પરના ઈનામની રકમ 2 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર સંજય રાવ ઉર્ફે દીપક મૂળ મહારાષ્ટ્રના અંબરનાથનો વતની છે. તેણે કાશ્મીરમાં બી.ટેકનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું અને મહારાષ્ટ્ર પરત ફરીને નક્સલવાદી ચળવળમાં જોડાયો હતો. તેની સામે મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં ગંભીર ગુના નોંધાયેલા છે.
2015માં પુણે જિલ્લાના તાલેગાંવ દાભાડેથી પોલીસની તપાસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે સંજય ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યાંથી નક્સલવાદી ચળવળ સંબંધિત કેટલીક સામગ્રી, હથિયારો અને રોકડ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સંજય કોંકણ સહિત પશ્ચિમ ઘાટમાં નક્સલવાદી ચળવળને મજબૂત કરવા માટે જવાબદાર હતો અને પશ્ચિમ ઘાટ સ્પેશિયલ એરિયા કમિટિનો સભ્ય હતો.
સંજય રાવ નક્સલવાદીઓની સૌથી મોટી કેન્દ્રીય સમિતિના સભ્ય હતા. સંજયની ધરપકડ બાદ પોલીસે તેની પત્નીની પણ બેંગલુરુથી ધરપકડ કરી છે. પોલીસ આ બંનેની સઘન તપાસ કરી રહી છે, એમ પોલીસે જણાવ્યં હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને