આ તાપમાનને તમે કઈ રીતે મેનેજ કરો છો?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
આજકાલ અસહ્ય અને નેવર બિફોર કહી શકાય એવી ગરમી પડી રહી છે, જેનાથી બચવા માટે સરકારે સુધ્ધાં અવનવી ગાઈડલાઈન આપવી પડી છે કે ‘ભાઈ, આ દિવસોમાં ખાસ સાચવજો નહીંતર મુશ્કેલી થશે.’ વાત પણ સાચી છે : ગુજરાતના આંકડા આપું તો માત્ર ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસમાં પાછલા એક અઠવાડિયામાં આઠસોથી વધુ લોકોને ગરમી લાગી જવાને કારણે હોસ્પિટલ ભેગા કરવા પડ્યા હતા તો વડોદરામાં ગયા રવિવારે દસથી વધુ લોકો ગરમીને કારણે મૃત્યુ પામ્યાં હતાં આ આંકડા કંઈ નાનાસૂના નથી. હાલતા ચાલતા માણસો ટપોટપ પડી રહ્યા છે. આવા સમયે આપણે પક્ષે અત્યંત કાળજી રાખવું મહત્ત્વનું બની જાય છે.
આ માટે અમે કેટલાક હેલ્થ એક્સપર્ટ્સને પૂછ્યું :
આકરી ગરમી અને બેચેનીના આ દિવસો સુખરૂપ પૂરા થાય એ માટે શું કરવું?
એક્સપર્ટ્સે એક વાત કોમન કરી કે અત્યંત ચિલ્ડ હોય એવું નહીં, પરંતુ જેને શીતળ કહી શકાય એવું પાણી દર અડધા કલાકે પીતા રહો. શરીરમાં પાણીની અછત સર્જાવી ન જોઈએ એ આ દિવસોની સૌથી મોટી માગ છે. એટલે જ ભલે નોકરી ઘરથી દૂર છે કે તમારે તો આખો દિવસ બહાર જ ફરવાનું હોય! પરંતુ આ દિવસોમાં જરાય બહાનાબાજી કર્યા વિના શીતળ જળ પીતા રહો. જોઈએ તો પૈસા ખર્ચીને બહારથી પાણી લેતા રહો, પરંતુ ખૂબ પાણી પીવો હા, પણ અત્યંત ચિલ્ડ નહીં !
બીજી એક અત્યંત મહત્ત્વની વાત એ કરી છે કે આ દિવસોમાં ઓવર થિકિંગ તેમજ અકારણ ચર્ચાઓ કરવાનું ટાળો. ખાસ તો આ દિવસો ચૂંટણીના ય દિવસો છે. આ દિવસોમાં ફેમિલી વોટ્સેપ ગ્રુપ્સમાં, ઑફિસમાં કે ચોરે ને ચોતરે રાજકારણની જ વાતો થતી રહે છે. એમાંની મોટાભાગની વાતો તો કચરો હોય છે, કારણ કે રાજકારણ પોતે જ કચરો છે! તો એના માટે કંઈ વળી લોહી ઉકાળા કરવાના ન હોય? ન જ કરવાના હોય !
જો કે, મોટાભાગના લોકો એ આદત છોડી શકતા નથી અને ચણભણ કરતા રહે છે. એની અત્યંત નકારાત્મક અસર શરીર પર પડી શકે છે તો ઓવર થિકિંગ વિશે પણ ધ્યાન રાખો. મનમાં એક વાત એટલિસ્ટ આ દિવસો પૂરતી ધ્યાનમાં રાખો કે જે થશે એ દેખા જાયેગા ! એટલે એના વિશે ઝાઝા વિચારો નહીં આવે ને વિચારો નહીં આવે એટલે મનને નાહકની પીડા નહીં થાય !
એ જ રીતે હેલ્થ નિષ્ણાતો કહે છે કે ભલે આજકાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે, પરંતુ આ દિવસોમાં બહારનું ખાવાનું ટાળો, કારણ કે બહારનો ખોરાક વાસી, વધુ પડતો તળેલો, હલકી ગુણવત્તાવાળો કે પછી તીખો હોઈ શકે છે. એક્સપર્ટ્સ આ તમામ માટે ના પાડે છે. એ કહે છે કે આટલા ગરમ વાતાવરણમાં શરીરનું પાચન તંત્ર તેમજ આંતરિક તંત્ર અત્યંત પ્રભાવિત થતું હોય છે. વળી, બેચેની પણ વધુ અનુભવાતી હોય છે. એવામાં બહારનો ખોરાક ખાશો તો શરીર પર અત્યંત ખરાબ અસર થશે અને ખાસ તો લૂ લાગી જવાના ચાન્સ અત્યંત વધી જાય છે.
એના કરતાં આજકાલ તો ફળો જ કેવા સરસ મળે છે. કેરી છે, ગલેલી (તાડગિલ્લી) છે, સેતુર છે, કાળા જાંબુ છે, જાંબુ છે એના પર ફોક્સ કરો અને અત્યંત હળવો ખોરાક લો, જેનાથી શરીરને
ઝાઝો શ્રમ ન રહે અને આપણી અંદર પણ એક ફીલ ગુડ ફેક્ટર જળવાયેલું રહે. સાથે કે એક્સપર્ટ એક કડવી લાગે એવી આધુનિક સલાહ પણ આપે છે કે હાલના દિવસોમાં સ્ક્રિન ટાઈમ પણ શક્ય એટલો ઓછો કરો, કારણ કે હાલના દિવસોમાં આમેય માથું દુખવાની સમસ્યાઓ સામાન્ય રીતે બને છે. એવામાં જો તમે મોબાઈલ મચડ મચડ કરશો તો આંખો અને માથું બંને અસહ્યપણે દુ:ખશે. અને તમને બેચેની રહેશે એ વધારાની. એના કરતાં શક્ય એટલો ઓછો મોબાઈલ વાપરવો. એ બહાને મનને પણ શાંતિ મળશે! સાથે જ ડોક્ટર્સે આ દિવસોમાં સિગારેટ કે આલ્કોહોલ માટે તો સોય ઝાટકીને ના પાડી છે. આના વિશે તો આપણે ચર્ચા કરી ગયા છીએ એટલે ભઈ, આ દિવસો પેનડેમિક જેવા ખરાબ દિવસો છે. આ દિવસોમાં જરા સાચવી લેવું. આખરે જાન હૈ તો જહાન હૈ!