લગ્ન સમારંભોમાં આવા પાન ખાવાથી ચેતજો…
આ કેસ અંગે ઓપરેટિંગ સર્જને જણાવ્યું હતું કે છોકરીના પેટમાં લગભગ ચાર બાય પાંચ સેન્ટિમીટરનું કાણું પડી ગયું હતું. જેને સ્લીવ રિસેક્શન દ્વારા સારવાર આપવામાં આવી હતી સર્જરી બાદ છોકરીને બે ત્રણ દિવસ આઈસીયુમાં રાખવામાં આવી હતી
ફોક્સ – નિધિ ભટ્ટ
તાજેતરમાં બેંગ્લોરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બાર વર્ષની છોકરીને વેડિંગ રિસેપ્શન માટે સીધી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. છોકરીએ રિસેપ્શનમાં ટ્રેન્ડી સ્મોકી પાન ખાધું હતું. તેના થોડા સમય બાદ તેના પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો અને થોડી જ વારમાં તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. હોસ્પિટલમાં વિવિધ પરીક્ષણો કર્યા બાદ કંઈક એવું સત્ય બહાર આવ્યું જેને કારણે તેના પરિવારના સભ્યોને ભારે આઘાતની લાગણી અનુભવાઇ હતી. તપાસ દરમિયાન ખબર પડી હતી કે પાન ખાધા બાદ છોકરીના પેટમાં કાણું પડી ગયું હતું.
આ છોકરીની સર્જરી નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, બેંગલુરુ ખાતે કરવામાં આવી હતી. આ કેસ અંગે ઓપરેટીંગ સર્જને જણાવ્યું હતું કે છોકરીના પેટમાં લગભગ ચાર બાય પાંચ સેન્ટિમીટરનું કાણું પડી ગયું હતું. જેને સ્લીવ રિસેક્શન (પેટનો અમુક ભાગ કાઢી નાખવો) દ્વારા સારવાર આપવામાં આવી હતી સર્જરી બાદ છોકરીને બે ત્રણ દિવસ આઈસીયુમાં રાખવામાં આવી હતી અને પછી છ એક દિવસ બાદ તેને રજા આપવામાં આવી હતી.
ડોક્ટરે જણાવ્યું હતું કે આ છોકરીએ રિસેપ્શનમાં લિક્વિડ નાઇટ્રોજન પાન ખાધું હતું. લિક્વિડ નાઇટ્રોજન બે રીતે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. એક તો તે કોલ્ડ બર્નની સમસ્યાનું કારણ બની શકે છે. આનું કારણ એ છે કે પ્રવાહી નાઇટ્રોજનનું તાપમાન ૧૯૦ થી ૨૦૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય છે. આવી સ્થિતિમાં જો તમે તેને સ્પર્શ કરો તો તમને તીવ્ર બર્નિંગનો અનુભવ થાય છે અને કોલ્ડ બર્નને કારણે પેશીઓને પણ નુકસાન થાય છે. આ ઉપરાંત એક ગ્રામ લિક્વિડ નાઇટ્રોજન લગભગ ૭૦૦ ળહ ગેસ ઉત્પન્ન કરી શકે છે. એટલે કે જો તમે બે અથવા ત્રણ ગ્રામ પ્રવાહી નાઇટ્રોજન પણ લો છો તો તમારે તમારા પેટમાંથી લગભગ ૧૫૦૦ ળહ ગેસ એક જ સમયે બહાર કાઢવો પડશે. તે જ સમયે તેનું દબાણ એટલું વધારે હોય છે કે શરીર તેને નિયંત્રિત કરી શકતું નથી જેને કારણે વ્યક્તિને આવા ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે અને અમુક ગંભીર કિસ્સાઓમાં તો આવી બાબત જીવલેણ પણ બની શકે છે. આવી સ્થિતિમાં પ્રવાહી નાઇટ્રોજનનો વપરાશ ટાળવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે, આ પ્રકારનો આ પહેલો મામલો નથી આ પહેલા પણ કર્ણાટકના દાવણગેરેમાં એક પ્રદર્શન દરમિયાન સ્મોક્ડ બિસ્કીટ’ ખાધા બાદ એક છોકરો બીમાર પડ્યો હોવાના સમાચાર આવ્યા હતા. આવી સ્થિતિમાં ખોરાકની વસ્તુઓમાં લિક્વિડ નાઇટ્રોજનનો ઉપયોગ ન કરવાની ડોક્ટરો સલાહ આપે છે.