લાડકી

જાસા ચિઠ્ઠી

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

હાઈ સર,
આઈ હોપ યુ આર ફાઈન ઈન વેકેશન…

સર, મારું આવું સાવ નબળું અંગ્રેજી વાંચીને તમને દુ:ખ નહિ થશે, કારણ કે છેલ્લાં બે વરસથી હું તમારી પાસે સ્કૂલમાં તેમ જ તમારા ઘરે ટ્યુશનમાં પણ અંગ્રેજી ભણું છું , છતાં હું દરેક વખતે અંગ્રેજી વિષયમાં નાપાસ જ થાઉં છું. (જો કે બીજા વિષયમાં પણ નાપાસ જ થાઉં છું, પણ એ વિષયના મેં ટ્યુશન રાખ્યા નથી.)

સર, તમે આ વરસે પ્રોમિસ આપેલું કે હું અંગ્રેજીમાં પાસ થઈશ, પણ નાપાસ થયો. મને મેથીપાક પડ્યો, પણ એનો મને અફસોસ નથી. (કારણ આ કંઈ પહેલીવારનો મેથીપાક નથી.)

સર, આમ તો તમે જ શીખવાડ્યું છે કે અન્યાય થાય તો વિરોધ કરતા શીખો. ન્યાય ન મળે ત્યાં સુધી લડી લેતા શીખો. એ મુજબ તો સર, મારે તમારે બારણે બેસીને વિરોધ પ્રદર્શન કરવું પડે અથવા તો ધરણા ઉપર ઊતરવું પડે.

સર, તમે જે મોસ્ટ આઈ.એમ.પી. આપેલ એ ગોખી-ગોખીને હું થાકી ગયો હતો,
પણ એમાંના એકપણ પ્રશ્ર્નો પુછાયા
નથી. પેપર કદાચ તમે નહિ કાઢ્યું હોય
એમ બની શકે. આમ છતાં, તમે ચાલુ પરીક્ષામાં એક-બે વાર આંટો મારી જતે અને એકાદ બે ચિઠ્ઠી સરકાવી ગયા હોત તો
મારે આ પત્ર લખવો પડતે નહિ. માનો કે તમે આંટો મારવા નહિ આવી શક્યા તો એ પણ માફ, પરંતુ ઉત્તરવહી તપાસતી વખતે પણ કોઈ કરામત કરી શકયા નહિ એ
જરા તમારે પક્ષે નામોશી ભરેલ વાત બની રહે છે.

કાલે જ મારે ત્યાં ટ્યુશનમાં આવનાર જે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એઓ ભેગા થયા હતા અને એમાં સહુએ તમારી નિંદા કરી હતી.

એકે કહ્યું કે ‘બે વર્ષના મળી વ્યાજ સાથે દશ હજાર પાછા નહિ મળે તો સરના કાળા કારનામાના પ્રૂફ તૈયાર જ છે’ ત્યાં બીજો બોલ્યો: ‘જે સર ગોલમોલ કરીને પણ આપણને પાસ નહિ કરી શક્યા, એવા
સરની ડિગ્રી અંગે ન્યુઝ પેપરમાં ચગાવવું જ પડશે’
ત્રીજો વળી બોલ્યો: ‘સંગઠનમાં
શક્તિ હોય છે, એ આપણને આ સરે જ શીખવ્યું છે. ચાલો, કાલે બધા પ્રૂફ
લઈને સ્કૂલમાં પ્રિન્સિપાલ સાહેબ પાસે જઈએ…’

સર, હું અગર ધારતે તો બળતામાં ઘી હોમી શકતે, પણ ના મેં એવું નહિ કર્યું કારણ કે મને તમારે માટે હજી પણ માન છે. (કારણ કે અમારા જેવા ખોટા સિક્કાઓ ચલાવવા માટે તમારા જેવા ધક્કાઓ મારનારાઓની ખૂબ જરૂર છે.)

સર, હું એવું ઈચ્છું છું કે ફક્ત એક મારા રિઝલ્ટમાં જો થોડો ફેરફાર કરી શકો
અને મને ઉપર ચઢાવી દો. (જેમ તમે
બોગસ બી.એડ.ની ડિગ્રી મેળવી ટીચર
બની ગયા એમ) તો હું યુનિયનમાં ભંગાણ પડાવીને તમને સલામત વૈતરણી તરાવી દઈશ.

સર, તમે જ તો શીખવ્યું હતું કે ‘ઊઠ-જાગ અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડી પડ’ તો હવે હું જાગી ગયો છું અને ધ્યેય તરફ અડગતાથી આગળ વધી રહ્યો છું.

તમે મને બે વાર તમારા ઘરમાં દાખલ થવા દીધો નથી કે નથી શાળામાં મળવાની ઈચ્છા બતાવી કે નથી મારો ફોન ઊંચકતા એટલે મારે ન છૂટકે આ લાસ્ટ એન્ડ ફાઈનલ યુક્તિ અજમાવી પડી છે.

ખાનગી પત્ર
વાંચીને બાજુમાં પડેલ મોબાઈલ ઊંચકીને ધ્યાનથી જોવા વિનંતી છે. મારી પાસે
તમારી વિરુદ્ધ કેવા કેવા પુરાવા છે, માટે તુરંત ઘટતું કરવા વિનંતી. ક્યાં તો
રિઝલ્ટમાં ફેરફાર, ક્યાં તો ટ્યુશનનાં દરેક વિદ્યાર્થીઓને ચાર ગણા પૈસા પાછા આપી તમારા આદર્શ શિક્ષક્ત્વનો પુરાવો જલ્દી આપવો પડશે.

-અને હા, એક લેટેસ્ટ વીડિયો તો મેં તમને મોકલ્યો જ નથી પણ એ મેં બ્રહ્માસ્ત્ર તરીકે રાખી મૂક્યો છે. તમે જયારે હાથ હેઠાં મૂકી દેશો ત્યારે હું આ બ્રહ્માસ્ત્ર દરેક પેપરમાં તેમ જ ગલીગલીએ પોસ્ટરરૂપે ચોંટાડી દઈશ.

આમ તો શાળામાં મૂકેલા કેમેરા વિદ્યાર્થીનાં હિત માટે હોય છે. પણ આ કેમેરાએ તમે વિદ્યાર્થીનું કેટલું હિત કર્યું છે તે પણ પુરાવારૂપે મારી પાસે છે.

સર, તમે પટ્ટાવાળાનું મ્હોં બંધ કરી રેકોર્ડિંગ લેવા જશો નહિ, નહિતર એનો પણ વીડિયો બની જશે અને મને એક વધારાનો ઉત્તમ વીડિયો પ્રૂફ મળી જશે અને હા, તમારી સાઠગાંઠ આચાર્યને ટ્રસ્ટીઓ સાથે પણ છે એ મને ખબર છે. એટલે એ લોકો પણ જો તમારી તરફેણમાં બોલશે તો એમનાય વીડિયો પણ તૈયાર છે. એટલે એ સહુને એમની ભૂલની એક એક પ્રોમો-રિલ મોકલી
આપી છે.

આપણી શાળાના શિક્ષકો અને આચાર્ય કહે છે કે આધુનિક બનો અને નવાં નવાં સાધનોનો ઉપયોગ કરતા શીખો. તો લ્યો, અમે તમામ વિદ્યાર્થીઓએ શાળામાં મૂકેલા કેમેરાનો ઉત્તમ ઉપયોગ કરી બતાવ્યો. હવે આ ઉત્તમ કાર્ય માટે પણ એક અલગ એવોર્ડ તૈયાર રાખજો.

બાય ધ વે, જલ્દી મારી ફેવરમાં રિઝલ્ટ ન આવ્યું તો છેલ્લું બ્રહ્માસ્ત્ર તમારી તરફ ગોઠવીને તૈયાર રાખ્યું જ છે. ફક્ત જરૂર છે એને ‘ફાયર’ કહેવાની!
ધીરજની બધી જ હદ પાર કરી ચૂકેલા અધીર એવા તમારા વિદ્યાર્થીઓમાંનો એક હોનહાર કેપ્ટન લોર્ડ ઓફ ધ લાસ્ટ બેંચનો તમારો પ્રિય વિદ્યાર્થી.
લિ.
વિદ્યા વ્યાસંગી વિદ્યાધર

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત