ઘંટીનું નકામું પડ
ટૂંકી વાર્તા -ઊજમશી પરમાર
‘એકનો એક’ છોકરો ભગવાન કોઈને ના આલે, જ્યાં જાય ત્યાં જીવ એનામાં ને એનામાં ચોંટ્યો રહે…’
પાર્વતીબા બાલ્કનીમાં ઊભાં ઊભાં બાજુની બાલ્કનીવાળી રસીલાની સાથે વાતે પરોવાયાં હતાં. સુધા અંદર ઓશીકાંને કવર ચડાવતી હતી, તેને ખબર હતી કે ભલે આ વાત સામાન્ય રોજ-બરોજની લાગતી હોય, પણ હતી નહીં, તે તો થોડી વાર પહેલાં થયેલી માથાકૂટની હૈયાવરાળ જ હતી.
કેટલાય વખતથી શિમલા-મસૂરીના પ્રવાસે જવાની યોજના સુધા અને શૈલેશ વિચારી રહ્યાં હતાં, પણ જ્યારે જ્યારે પ્રવાસનું ઉપાસણ થાય ત્યારે દરેક વખતે પાર્વતીબા કાંઈ ને કાંઈ વાંધાવચકા કાઢીને તેમનું પ્રવાસે જવાનું ખોરંભે પાડી દેતાં.
‘ઘણુંય ના બોલવું હોય રસીલા, પણ માનો જીવ છેને, આપણેય સમજીએ છીએ કે કાયમની ભાગદોડની જિંદગીથી છોકરો કંટાળ્યો હોય, થોડાક દિવસેય વાતાવરણ ફેર થાય તો તેને બહુ સારું લાગે, પણ હવે એ એકલો તો ક્યાંય જાય નહીં, સુધાય ભેગી જાય જને! મારે પંદર-વીસ દિવસ ઘરમાં શું એકલાં એકલાં ધૂણવાનું? હુંય સમજું છું કે સુધાનેય વરસેદહાડે ફરવા જવાની ઈચ્છા થાય, ઘરમાં ને ઘરમાં તો કોઈ પણ કંટાળી જાય, પણ શું થાય, ભગવાન મને મોત પણ નથી આલતો. છોકરાંવને જ્યારે ને ત્યારે ફરવા જવાની ના પાડવી પડે એ આપણને તો શું, કોઈનેય ના ગમે, પણ ત્યારે કરીએ શું? અરે સુધા દીકરા, મારા માટે જરા ચા બનાવી લાવને, થોડીક સૂંઠ નાખજે, આજ તો સવારનું મને શું માથું ચડ્યું છે! એની લાયમાં કાંઈ બોલવાચાલવાનુંય નથી ગમતું, આ તો જીવ મૂંઝાયા કરે એટલે ઘડી બે ઘડી વાત…’
આસ્તેથી એક હળવો નિશ્ર્વાસ સેરવીને સુધા ઊભી થઈ ને રસોડામાં ચા બનાવવા ગઈ. જતાં જતાં પળવાર થોભીને હીંચકા પર નજર નાખી. થોડી વાર પહેલાં જ માતાનો છણકો સાંભળીને તે હીંચકાને ઝૂલતો છોડી ગયો હતો. તે બેઠો હતો ત્યાં ગાદીમાં પડેલી કરચલીઓ પોતાની આંગળીઓ પસવારીને સુધાએ સરખી કરી. પરણીને આ ઘરે આવ્યાને પૂરાં પાંચ વરસ થવા આવ્યાં હતાં, છતાં હજી પણ સુધા એક-બે દિવસ માટે ક્યાંક જવાની રજા માગતાં પાર્વતીબાથી બહુ જ ગભરાતી હતી.
હજી જમવાનુંય બાકી છે ને જીવ કોચવીને નીકળી ગયા, હવે ક્યારે પાછા આવશે, રામ જાણે. રવિવારની રજા હતી એટલે બા સાથે નિરાંતે વાત થઈ શકશે એવું ધારી લેવામાં તેમણે કેટલી બધી થાપ ખાધી!
ક્યાંય પણ જવાનું હોય ત્યારે પાર્વતીબાની રજા લેવા જતાં તેના પગ થરથરવા માંડતા, કેમ કે જ્યારે જ્યારે પણ તેણે આવી પરવાનગી માગી હતી ત્યારે કદી તેનો સરખો જવાબ તેને મળ્યો નહોતો. આવા સંજોગોમાં એકમાત્ર આધાર તેની પાસે શૈલેશનો હતો. તેને ખબર હતી કે શૈલેશ તેની માતાનો કેટલો બધો લાડકો દીકરો હતો, તે ગમે તેમ કરીને માને ફોસલાવી-પટાવીનેય પોતાનું કામ કઢાવ્યે છૂટકો કરતો. અહીં સુધાનું મન વિદ્રોહ પોકારી ઊઠતું.
‘શું ઘરમાં તેનું એટલું મહત્ત્વ પણ નહોતું કિ પોતાના જ જોર ઉપર તે સાસુમાની પરવાનગી મેળવી શકે? અથવા શું તેમને એ જરૂરી નહોતું લાગતું કે તેને પણ તેનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે, તેના નિર્ણયો તે પોતે કેમ ન લઈ શકે?’
શૈલેશે બાળપણથી માંડીને આજ લગી માતાને પોતાની વાતમાં કઈ રીતે રાજી કરી લેવી તેના અનેક નુસખાઓ અજમાવ્યે રાખ્યા હતા અને ઝાઝા ભાગે તે તેમાં સફળ થતો આવ્યો હતો. જોકે પોતાના માટે રજૂઆત કરવી અને પત્ની વતી રજૂઆત કરવી તે બંને બાબતોમાં ઘણો તફાવત હતો, છતાંય શૈલેશની કુશળતાને તો દાદ દેવી જ પડે કે માતાની દુ:ખતી રગ ક્યાં હતી તેની તેને બરાબર ખબર હતી, પણ છેવટ દર વખતે એકની એક તરકીબ તો ચાલે નહીં. દર વખતે કોઈક નવી જ રીતે ભેજું દોડાવવું પડતું. શૈલેશ જોકે અભિનેતા નહોતો, પણ અભિનેતાના બધા ગુણોની આમાં જરૂર પડતી. સંવાદ, લાગણી, ભાવપ્રદર્શન આ બધામાં તે રહેતે રહેતે પાવરધો થતો ગયો, પણ પાર્વતીબાને હવે ખબર પડવા લાગી હતી કે દર વખતે કંઈક ને કંઈક ચાપલૂસી કરીને તેમને છેતરી પાડવામાં આવે છે. જોવાની મજા એ હતી કે છેતરી જનારાને તો તે જતો કરી દેતાં અને દોષનો બધો ટોપલો સુધાને માથે આવી પડતો. તેમને ગળા લગોલગની ખાતરી હતી કે સુધાએ શૈલેશને ચોક્કસ કંઈક મંતરીને પીવડાવી દીધું છે એટલે તે બાપડો એ ચિબાવલીને જ ભાળે છે, માની તકલીફો તો તેને દેખાતી જ નથી એવો આંધળોભીંત થઈ ગયો છે. ને પોતે પણ કેટલાં બધાં મૂરખ હતાં કે શૈલેશની ચાલનો તેમને અણસાર સરખો નહોતો આવતો. જ્યારે ખ્યાલ આવતો ત્યારે તેમને ભાન થતું કે પંખી તો જળમાંથી ઊડી ચૂક્યાં છે, હવે શું?
આમ જો આસાનીથી હાર માનીને બેસી જાય તો એ પાર્વતીબા શાનાં? થોડોક અણસાર તો તેમને પહેલેથી જ રહેતો કે આવું કંઈક થશે જ, એટલે તો એ શૈલેશને ખાસ યાદ કરીને મોબાઈલ સાથે લઈ જવાનું કહેતાં. મોબાઈલ સાથે લઈ જવો એટલે જ તો શૈલેશને નહોતો ગમતો કે બા ફોન કરી કરીને પ્રવાસની બધી મજા ઉપર ટાઢું પાણી રેડ્યા જ કરતાં. ક્યારેક સંપર્ક સ્થાપિત કરી શકાતો નહીં તો પણ તે કલાકો સુધી મથ્યા જ કરતાં ને વાત થાય કે તરત જ એવા રડમસ અવાજે પોતાની ખરાબ તબિયતનું ગાણું ગાવા લાગતાં. શૈલેશની જગ્યાએ બીજો કોઈ હોત તો દોડાદોડ બધો પ્રવાસ ટૂંકાવીને ઝટ ઝટ ઘરભેગો થઈ જાય, પણ તે ટાઢા કોઠે મોબાઈલ ગજવામાં મૂકી દેતો. સુધા પૂછતી કે શું થયું તો શૈલેશ જવાબ દેતો, બધું રાબેતા મુજબ જ છે, કંઈ જ ચિંતાજનક નથી. આવો ફોન ન આવે તો જ ચિંતાજનક સમજવાનું!
ખરાબ તબિયતનું બહાનું કારગત ન નીવડે ત્યારે વળી તે પલટી મારતાં, ‘મને અહીં આખો બંગલો ખાવા ધાય છે ને તમે લોકો મોજમસ્તી કરતાં રખડ્યાં કરો, ને તમારે ક્યાં ઘર જેવું છે કે ઝટ પાછાં ફરવાની ખબર પડે? જાવ જાવ, ફરો ને જલસા કરો, મા ભલે અહીં મૂંઝાઈ મરતી, તમને પૂછનારું છે કોણ?’ જવાબમાં શૈલેશ સહેજ હસીને સ્વિચ ઑફ્ફ કરીને મોબાઈલ ગજવામાં મૂકી દેતો.
કદીક સુધાને તેમની એકલતાની દયા આવી જતી તો તેમને મંદિરે કે ભાગવત સપ્તાહમાં લઈ જતી. વાતો કરી કરીને તેમને બહેલાવતી, ભલે આખા દિવસના કંટાળીને આવેલા પતિ સાથે બહાર આંટો મારવા જવાનું જતું કરી દેવું પડે. સાસુના માથામાં જ્યારે ને ત્યારે તેલ ઘસી આપતી. તેમને ઓખાહરણ વાંચી સંભળાવતી. તેમને ભાવતી કોઈ ને કોઈ ચીજ બેચાર દિવસે જરૂર બનાવી આપતી. તે તેમનો કેટલો બધો ખ્યાલ રાખતી, પણ તે તેનો વિચાર સુધ્ધાં કરતાં નહીં: બહાર જવા-આવવા ઉપરનો તેમને પ્રતિબંધ કાયમ રહેતો, ઉપરાંત પતિ-પત્નીના વ્યવહારોમાં પણ તેમણે અવારનવાર રોકટોક કરીને પોતાનું આધિપત્ય જમાવવા માંડ્યું, ત્યારે સુધાનું મન કડવાશથી ભરાઈ જતું. તે સામો પ્રતિકાર પણ કરી શકતી નહીં, કેમ કે પાર્વતીબા તેમની સામું એક વેણ પણ સાંભળવાને ટેવાયેલાં નહોતાં.
આજે જ્યારે પાર્વતીબાએ શૈલેશની પારાવાર ચાપલૂસીઓ, આજીજીઓ અને મીઠી મીઠી વાતોમાં અટવાઈ અટવાઈને પછી છેક છેવટની પળે
શિમલા-મસૂરીના પ્રવાસે જવાની ઘસીને ના કહી
દીધી, ત્યારે તો શૈલેશની પણ હદ આવી ગઈ.
આવું પહેલી જ વાર બન્યું હતું, જ્યારે શૈલેશની
બધી તરકીબોને ઉપરાઉપર નિષ્ફળ બનાવવામાં
આવી હતી.
‘તમે બેય જણ ત્યાં એટલા દિવસ પડ્યાં રહો, મારા શરીરનો હવે શો ભરોસો? મને ગમે ત્યારે કાંઈકનું કાંઈક થઈ જાય અને જીવ નીકળી જાય તે તમને ત્યાં અણસારોય ના આવે! ના બા ના, હું ચાલી નીકળું પછી તમે તમારે જ્યાં જવું હોય ત્યાં મહિનાઓ લગી ફર્યા કરજો, મને આમ અંતરિયાળ મૂકીને તો તમારે જવાનું જ નથી. ના એટલે ના, હું બીજું કાંઈ સાંભળવા માગતી જ નથી…’ પાર્વતીબા હજી તો શરીરે હેમખેમ ને કડેધડે હતાં. એમ એટલી ઉતાવળે ચાલી નીકળવાનું થાય એવું કોઈ ચિહ્નો તેમની તબિયતમાં દેખાતાં નહોતાં.
સુધાએ કળાઈ ન જાય એવી રીતે અને સંભળાઈ ન જાય તે રીતે ધીમે ધીમે ફરી એક વાર નિસાસો નાખ્યો, હે ભગવાન!
છેક ઢળતી સાંજે શૈલેશ પાછો આવ્યો ત્યારે સુધાએ દુ:ખી થઈને કહ્યું, ‘જમીને તો જવું હતું, શું કર્યું જમવાનું?’
‘કાંઈ નથી કર્યું, લાવ જે હોય તે કાઢી દે, થોડુંક ખાઈ લઉં.’
હજી તે ખાવા બેઠો ત્યાં ડોરબેલ વાગી. ‘સુધા, જોજે તો દીકરા, કોણ છે?’ પાર્વતીબાએ ઘાંટો પાડ્યો. સુધાએ જઈને બારણું ખોલ્યું.
‘હું ઘંટી ટાંકવાવાળો છું બહેન, સાહેબે સરનામું આલ્યું’તું કે અમારે ત્યાં ઘંટીનું એક પડ છે તે લઈ જજો, એટલે લેવા આવ્યો છું.’
‘અરે અરે!’ પાર્વતીબા હીંચકેથી ઊઠીને ધસી આવ્યાં ‘એ ઘંટીનું પડ શું ખાવા માગે છે? હશે તો ક્યારેક કામ આવશે.’
‘ના બા,’ શૈલેશ ખાંતા ખાતાં બોલ્યો, ‘કાંઈ કામ ન આવે, એક પડ જ છે, બીજું તો કટકા થઈ જવાથી ફેંકી દીધેલું ને હવે ઘરમાં મિકસર છે, ઘરઘંટી છે તો આની શું જરૂર? લઈ જા ભાઈ, ગરીબ માણસ છે. એને બિચારાને કામ આવશે. અહીં ઘરમાં નકામી જગા રોકે છે, હવે એનો જમાનો જતો રહ્યો.’
સુધા બબડી, ‘ખરેખર જતો રહ્યો?’