રાજથી બલરાજ: દે ગયીં ધોકા હમેં નીલી નીલી આંખે
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: ૪)
નામ: ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)
સ્થળ: પાલી હિલ, બાન્દ્રા-મુંબઈ
સમય: બીજી મે, ૧૯૮૧
ઉંમર: ૫૧ વર્ષ
નિયતિ આપણને રમકડું માનીને રમે છે. આપણે કંઈક વિચારીએ પણ અલ્લાહે જે માન્યું કે વિચાર્યું હોય એમાં આપણું કંઈ ચાલતું નથી… મારી અમ્મીને માટે મારી કારકિર્દીથી અગત્યનું કંઈ ન હતું. એ સેટ ઉપર મારી સાથે સતત હાજર રહેતી. નિર્માતાઓ સાથે પોતે જ વાત કરતી. મારે શું પહેરવું, શું ખાવું, કોને મળવું અને કોની સાથે કેટલી વાત કરવી એ વિશે પણ મારી અમ્મી જ નક્કી કરતી. ‘અંદાઝ’ના સેટ પર રાજ સાથેની મારી નિકટતા અને એના પરત્વેનું મારું આકર્ષણ અમ્મીથી છાનું નહીં જ રહ્યું હોય, એણે મારી આસપાસનો પહેરો થોડો સખત કરી નાખ્યો. ‘અંદાઝ’ સુપરહીટ થઈ. આગલી ફિલ્મોનો રેકોર્ડ તોડીને અત્યાર સુધીની બધી ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ તરીકે પાર્ટીઝ અને સમારંભો થયા. આટલી બધી સફળતા છતાં રાજ સાથે કામ કરવા માટે આવેલી બે ફિલ્મોની ઓફર મારી માએ કડક શબ્દોમાં નકારી દીધી. એ ઈચ્છતી હતી કે, હું યુસુફ સાથે વધુમાં વધુ ફિલ્મો કરું… એ દિવસોમાં કોઈ સેલફોન કે બીજી સગવડો નહોતી. ટેલિફોન પણ ભાગ્યે જ કોઈના ઘરે જોવા મળે એવા સમયમાં અમ્મીના પહેરા નીચેથી છટકીને રાજને સંપર્ક કરવાનું મારે માટે શક્ય જ નહોતું. વળી અમે બધાં ભાઈ-બહેનો (અનવર, અખ્તર અને હું) અમ્મીથી બહુ ડરતાં. અમ્મીની મરજી વિરુદ્ધ કે એમના હુકમનો અનાદાર કરીને કંઈ પણ કરવું અમારા માટે શક્ય નહોતું… એટલે, મેં તો મન મનાવીને રાજને ભૂલવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા.
પરંતુ, એક દિવસ બપોરે હું ભજિયાં બનાવતી હતી. મારી સહેલી શમ્મી અમારે ઘરે બેઠી હતી અને ડોરબેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે એની ભૂરી આંખો અને ભોળા ચહેરા સાથે મોહક સ્મિત લઈને રાજ કપૂર ઊભા હતા. હું ડઘાઈ ગઈ. એમને અંદર આવવાનું કહેવું કે નહીં એની અસમંજસમાં હતી ત્યાં, મારા ગૂંચળાવાળા વાળની લટ મારા ચહેરા પર ધસી આવી. રાજની આંખોમાં કશુંક એવું હતું કે હું બાવરી થઈ ગઈ. મેં ચણાના લોટવાળો હાથ સીધો કપાળ પર લગાડી દીધો, વાળ ખસેડવાના પ્રયત્ન કર્યા એમાં ચહેરા પર ચણાનો લોટ લાગ્યો! રાજ હસી પડ્યો, ને હું જાણે કોઈ ધસમસતા પૂરમાં એવી વહી ગઈ કે પછી વર્ષો સુધી મને એ સુધ જ ન રહી કે રાજ કપૂર સિવાય કોઈ બીજું પણ મારા જીવનમાં હોઈ શકે! (આ પ્રસંગને રાજ કપૂરે ‘બોબી’ ફિલ્મમાં વણી લીધો છે.)
રાજ ફિલ્મની ઓફર લઈને આવ્યો હતો. ફિલ્મનું નામ હતું ‘આવારા’. ક્લાસ કોન્ફ્લિટ અને રોમેન્સની એક જબરજસ્ત કથા એણે અમ્મીને સંભળાવી. એ સમય સામ્યવાદી વિચારનો સમય હતો. કૈફી આઝમી, બલરાજ સહાની, શૌકત આઝમી, રાજેન્દ્રસિંહ બેદી, સઆદત હસન મન્ટો અને ઈસ્મત ચુક્તાઈ જેવા લેખકો પાર્ટીશન પછી રશિયન અસર હેઠળ ભારતના સામંતવાદને ખતમ કરવા માટે સાહિત્યના ક્ષેત્રે જંગ લડી રહ્યા હતા. ‘આવારા’ની કથા પણ એક એવા નવયુવાનની કથા હતી જે ચોરી કરવા માગતો નથી, પરંતુ જિંદગી એને એક એવી જગ્યાએ ધકેલી દે છે જ્યાં ફક્ત એની ગરીબીને કારણે એને અન્યાય થાય છે… મને વાર્તા ખૂબ ગમી. મેં પહેલી વખત અમ્મીની મરજી જાણ્યા વગર રાજની હાજરીમાં જ ફિલ્મ માટે હા પાડી દીધી.
ફિલ્મનું શુટિંગ શરૂ થયું… ને પછી તો જે થવાનું હતું એ થયું! જે નહોતું થવું જોઈતું એ પણ થયું. હું રાજના પ્રેમમાં એવી પડી કે મને બીજું કશું સૂઝ્યું જ નહીં. સુપ્રસિધ્ધ ફિલ્મ વિવેચક પ્રહલાદ અગ્રવાલે ‘આવારા’ રિલીઝ થઈ ત્યારે લખ્યું, ‘આવારા’ નામની ફિલ્મે આ ૨૭ વર્ષના નવ યુવાનને એ ઊંચાઈ પર પહોંચાડ્યો છે જ્યાં ભારતના મોટા મોટા દિગ્દર્શકો પહોંચવા માટે તરસે છે. ‘આવારા’એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી એટલું જ નહીં, અમને રશિયામાં આમંત્રિત કરવામાં આવ્યા અને ‘આવારા’ રશિયનમાં ડબ કરવામાં આવી. સોવિયત રૂસમાં લોકો ‘આવારા હૂં…’ ગાવા લાગ્યા. રશિયા અને આંતરરાષ્ટ્રીય પ્રવાસો દરમિયાન અમે વધુ નજીક આવ્યાં, પરંતુ રાજ પરણેલા હતા. બે સંતાનોના પિતા હતા. એ મારી સાથે ક્યારેય લગ્ન નહીં કરે એ વાત એમણે સ્પષ્ટ કરી દીધી હતી. એ પોતાના ઈન્ટરવ્યૂમાં કહેતા, ‘મારી હિરોઈન એ મારી હિરોઈન છે અને મારી પત્ની એ મારી પત્ની છે… હું બંનેના ચહેરા ક્યારેય ભેગાં નથી કરતો.’ ‘આવારા’ પછી અમે ૧૬ ફિલ્મો સાથે કરી, જેમાંની છ આર.કે.ના બેનરમાંથી કરી. ‘બરસાત’નો સીન આર.કે.નો લોગો બન્યો. એમણે મને અમર કરી નાખી, પરંતુ હું ક્યારેય રાજના જીવનમાં ‘હિરોઈન’થી વધારે કશું જ બની શકી નહીં.
સી.સી.આઈના. પગથિયા પર એમના બૂટની દોરી બાંધતી મારી તસવીરો છપાઈ ત્યારે મને લાગેલું કે હું એક સંપૂર્ણપણે વફાદાર પત્નીનો રોલ અદા કરી રહી હતી, જ્યારે રાજજીએ તસવીર જોઈને કહેલું, ‘મેરે કદમોમેં ઝુકી હુઈ સુપરસ્ટાર કો દેખ રહી હો? યે રાજ કપૂર કા કરિશ્મા હૈ…’ શરૂઆતના દિવસોનો રાજ અને સફળ થઈ ગયા પછીનો રાજ બે તદ્દન જુદા માણસો હતા. એની આસપાસ લોકોનું ટોળું વળેલું રહેતું. સ્ત્રી એની કમજોરી હતી. પોતાની હિરોઈનના પ્રેમમાં પડવું એ રાજ માટે એના ‘પ્રોસેસ’નો એક ભાગ હતો, ને મારે માટે એ અસુરક્ષાની એવી ઘડી જેમાં મને મારું અસ્તિત્વ ડામાડોળ થતું હોય એવું લાગતું. ક્યારેક સેટ પર એ મારું અપમાન કરી નાખતો અને એકવાર ઘરે જાય એ પછી એની સાથે વાત પણ ન થઈ શકે એવા કડક નિયમોનું મારે પાલન કરવું પડતું. અમારા સંબંધો ધીમે ધીમે વધુને વધુ મુશ્કેલ બની રહ્યા હતા. રાજ વિના જીવવું મારે માટે શક્ય જ નહોતું… આપઘાતનો વિચાર રોજ દિવસમાં એક વાર મારા મનના દરવાજા પર દસ્તક દેતો, હું બળપૂર્વક એ વિચારને પાછો ઠેલી દેતી, પણ હવે હું ડરવા લાગી હતી કે કોઈક દિવસ એ વિચાર મારા મનના દરવાજા તોડીને દાખલ થઈ જશે તો શું થશે!
એ જ વખતે મહેબૂબ ખાન ‘મધર ઈન્ડિયા’ની ઓફર લઈને આવ્યા. રાજે સ્ક્રીપ્ટ સાંભળીને મજાક ઉડાવી. હું બહારના કોઈપણ બેનરની ફિલ્મ કરું એ રાજને મંજૂર નહોતું. કોણ જાણે કેમ, પરંતુ મને એક યુવતીથી શરૂ કરીને એક વૃદ્ધ મા સુધીના એ લાંબા સ્પાનમાં એક અભિનેત્રી માટે પડકાર દેખાયો. મારાથી એક જ વર્ષ નાના અભિનેતાની માનો રોલ કરવાની આ તક મેં ઝડપી લીધી. રાજની મરજી વિરુદ્ધ મેં ‘મધર ઈન્ડિયા’ સાઈન કરી. એમાં પહેલી માર્ચ, ૧૯૫૭… મધર ઈન્ડિયાના સેટ પર આગ લાગી. સુનીલજીએ મને બચાવી… આગમાંથી તો બચાવી જ, પણ જિંદગીમાં જે આગની લપેટોથી હું ઘેરાઈ ગઈ હતી એમાંથી પણ મને બહાર કાઢી. એ રાજ જેવા ફલર્ટેશિયસ કે સ્ત્રીને અભિભૂત કરી નાખે એવા હીરો મટિરિયલ નહોતા જ. સેટ પર ઓછું બોલતા, ચુપચાપ પોતાનું કામ કરતા
અને ક્યારેક મારી સામે ચોરી-છુપી જોઈ લેતા. એમણે મને આગમાંથી બચાવી એ પછીના આઠ-દસ દિવસ એ સળંગ મને મળવા આવતા… એમની આંખોમાં રહેલો અહોભાવ હું જોઈ શકતી. હું સમજી શકતી હતી કે એ મને ચાહવા લાગ્યા હતા, જો કે એમણે ક્યારેય કહ્યું નહીં ને હું આ જિંદગીનો મારો નવો અવતાર માનવા લાગી. મને લાગ્યું કે જાણે હું મોતના દરવાજે દસ્તક દઈને પાછી ફરી હતી. મારા ખુદાએ મને કદાચ એટલે બચાવી હતી કે હજી મારી કેટલીય ખ્વાહિશ પૂરી થવાની બાકી હતી, મારે એક ઈજજતની જિંદગી જીવવાની હતી, બીવી બનવાનું હતું… મા બનવાનું હતું! કોણ જાણે એક દિવસ મને શું થયું-મેં મારી આખી જીવનકિતાબ એમની સામે ખોલીને મૂકી દીધી. મારા પિતા ઉત્તમચંદ મોહનચંદ સાથેના મારી માના સંબંધો… મારા ભાઈ અનવર હુસેનના પિતાની સાથે મારી માના બીજા નિકાહ… મારી જિંદગી, એની સાથે જોડાયેલી બીજી એવી કેટલીયે હકીકતો જેને કહેતાં એક ઔરત શરમથી લાજી મરે, પણ એમના મજબૂત ખભા મને સહારો આપવા માટે બલવાન હતા… એમના શર્ટના સુતરાઉ કાપડમાં એ રાત્રે મારા બધા જ આંસુ શોષાઈ ગયાં… ૧૧ માર્ચ, ૧૯૫૮ હું નરગીસમાંથી શ્રીમતી નરગીસ દત્ત બની! મારે માટે મારી જિંદગીનો એ સૌથી મોટો દિવસ હતો. મને મધર ઈન્ડિયા માટે ફિલ્મફેર મળ્યો, મધર ઈન્ડિયા ઓસ્કાર માટે નોમિનેટ થઈ. પ્રિયા અને નમ્રતા જન્મ્યા ત્યારે મને આનંદ નહોતો થયો એવું નહીં, પણ સંજયના જન્મ પછી તો મને લાગ્યું કે મારા જીવનનું સાર્થક્ય મળી ગયું મને…
અમે એકબીજાને ‘ડાર્લિંગજી’ કહેતા… અમારી પ્રેમકથા ઉપર લખાયેલું પુસ્તક ‘ડાર્લિંગજી’ આજે પણ લોકો ખૂબ રસથી વાંચે છે. (ક્રમશ:)