બંગાળમાં ચૂંટણીના ત્રણ દિવસ પહેલા ભાજપ ઉમેદવારના પીએના ઘરે પોલીસનો દરોડો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય ખળભળાટ મચી શકે છે. બંગાળ પોલીસે બુધવારે વહેલી સવારે ઘાટલ સંસદીય બેઠક પરથી ભાજપના ઉમેદવાર હિરન્મય ચેટર્જીના પીએના ઘરે દરોડા પડ્યા હતા. આ દરોડા એવા સમયે પડ્યા છે જ્યારે અહીં ત્રણ દિવસમાં એટલે કે ૨૫ મેના રોજ ચૂંટણી યોજાવા જઇ રહી છે.
પશ્ચિમ બંગાળ પોલીસ પીએ તમોઘ્નો ડેના ઘરે બુધવારે સવારે ૨-૩૦ વાગ્યે પહોંચી અને દરોડા શરૂ કર્યા હતા. પોલીસ ઘાટલમાં જ ભાજપના અન્ય બે નેતાઓના ઘરે પણ પહોંચી હતી.
હિરન્મય ચેટર્જીના પીએ તમોઘ્નો ડેની માતાએ જણાવ્યું કે જ્યારે પોલીસ તેમના ઘરે આવી ત્યારે તેમણે દરવાજો ખોલ્યો ન હતો. તેણી કહે છે કે તે ઘરે એકલી હતી, જેના કારણે તેને દરવાજો ખોલવાનું યોગ્ય ન લાગ્યું. તમોઘ્નો દેની માતાએ કહ્યું કે તેના પુત્રનો એક માત્ર દોષ છે કે તે હિરન્મય ચેટર્જી સાથે રહે છે, જેના કારણે પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ આ મુદ્દે ટીએમસી પર હુમલો કરી શકે છે.
આ પણ વાંચો : Weather : બંગાળની ખાડીમાં ચક્રવાતની સંભાવનાના પગલે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું, આ રાજ્યો થશે પ્રભાવિત
પ્રાપ્ત માહિતી અનુસાર ઘાટલ પોલીસ સ્ટેશન અને ખડગપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દરોડા પાડવા હિરન્મય ચેટર્જીના પીએના ઘરે પહોંચ્યા હતા. પોલીસ ઘાટલના અન્ય બે ભાજપ નેતાઓના ઘરે પહોંચી હતી. જેમના નામ સૌમેન મિશ્રા અને તન્મય ઘોષ છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે બંગાળ પોલીસ દ્વારા દરોડા એવા સમયે પાડવામાં આવ્યા છે જ્યારે રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ૨૫ મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન થવાનું છે. ઘાટલમાં પણ આ જ દિવસે મતદાન થવાનું છે.