પુણેમાં કાર અકસ્માત: ટીનેજરના પિતા, પબના બે કર્મચારીને 24 મે સુધીની પોલીસ કસ્ટડી
પુણે: મધ્ય પ્રદેશના વતની અને સોફ્ટવેર એન્જિનિયર અનિશ અવધિયા તથા અશ્ર્વિની કોસ્ટાને પોર્શે કાર હેઠળ કચડી નાખનારા ટીનેજરના પિતા વિશાલ અગ્રવાલ સહિત ત્રણ જણને બુધવારે સેશન્સ કોર્ટે 24 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
વિશાલ અગ્રવાલની સાથે બ્લેક ક્લબ પબના બે કર્મચારી નિતેશ શેવાની અને જયેશ ગાવકરની ધરપકડ કરવામાં આવ્યા બાદ બુધવારે તેમને એડિશનલ સેશન્સ જજ એસ. પી. પોંકશે સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેયની સાત દિવસની પોલીસ કસ્ટડીની માગણી કરી હતી. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે કારની નંબર પ્લેટ ન હોવા છતાં પિતાએ શા માટે તેના પુત્રને કાર ચલાવવા દીધી હતી. પુત્ર સામે કેસ નોંધાયા બાદ તે શા માટે ભાગી ગયો હતો તેની તેઓ તપાસ કરવા માગે છે. વિશાલની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની પાસેથી નો-ફ્રિલ્સ મોબાઇલ મળી આવ્યો હતો. તેના અન્ય ફોન જપ્ત કરવાના બાકી છે.
જયેશ ગાવકરની કસ્ટડીની માગતાં પોલીસે કહ્યું હતું કે સગીરોને કોની મેમ્બરશિપને આધારે પબમાં પ્રવેશ અપાયો તે તપાસવાનું બાકી છે. પોર્શે કારમાં ડ્રાઇવર પણ હતો. જોકે નશામાં ચૂર ટીનેજરે ડ્રાઇવરને કાર ચલાવવા દીધી નહોતી, એમ પણ કોર્ટના ધ્યાનમાં લાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : સગીરે જઘન્ય અપરાધ કર્યો હોય તો જામીન ન આપી શકાય, સુપ્રીમ કોર્ટે આપ્યો અપવાદરૂપ ચુકાદો
રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ અગ્રવાલના પુત્રએ અકસ્માત પૂર્વે તેના મિત્રો સાથે પબમાં શરાબ પીધો હતો. પોલીસે વિશા વિરુદ્ધ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 (બાળક પ્રત્યે બેદરકારી દાખવવી) અને 77 (બાળકને શરાબનું સેવન કરવા દેવું) હેઠળ ગુનો દાખલ કર્યો હતો, જ્યારે પબના કર્મચારીઓ વિરુદ્ધ ટીનેજર અને તેના મિત્રોને શરાબ પીરસવાનો આરોપ છે.
એફઆઇઆર અનુસાર આરોપી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવા છતાં પિતાએ તેને કાર આપી હતી અને તેને શરાબ પીવા દીધો હતો. બાદમાં તેણે બે નિર્દોષને કચડી નાખ્યા હતા. (પીટીઆઇ)