IPL 2024સ્પોર્ટસ

IPL-24 : હૈદરાબાદ (SRH)નો જાંબાઝ બૅટર રનઆઉટ બાદ પગથિયા પર બેસીને ખૂબ રડ્યો, ભાવુક તસવીર થઈ વાઇરલ

અમદાવાદ: આઇપીએલની 17મી સીઝનના લીગ રાઉન્ડમાં જબરદસ્ત ફટકાબાજીથી ભલભલી ટીમને ઝાંખી પાડી દેનાર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH))ની ટીમ મંગળવારે પ્લે-ઑફના ક્વૉલિફાયર-વન મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે ઝાંખી પડી ગઈ હતી. હૈદરાબાદ માટે આઠ વિકેટના માર્જિનવાળો પરાજય વધુ આઘાતજનક હોવાનું કારણ એ હતું કે એક તો એનો બહુ વખણાયેલો ટૉપ-ઑર્ડર સાવ ફ્લૉપ ગયો હતો અને કોલકાતાએ 38 બૉલ બાકી રાખીને 160 રનનો લક્ષ્યાંક (164/2ના સ્કોર સાથે) મેળવી લીધો હતો. ટ્રેવિસ હેડ (0) અને અભિષેક શર્મા (ત્રણ રન) અને નીતિશ કુમાર રેડ્ડી (નવ રન) સદંતર નિષ્ફળ ગયા હતા, પણ વનડાઉન બૅટર રાહુલ ત્રિપાઠી (Rahul Tripathi) (પંચાવન રન, 35 બૉલ, એક સિક્સર, સાત ફોર)એ હૈદરાબાદની ટીમની થોડી આબરૂ સાચવી હતી. તે નીડર થઈને રમ્યો હતો, પરંતુ મૅચ પછી તેની જે તસવીર વાઇરલ થઈ એ જોઈને કોઈ પણ ક્રિકેટપ્રેમી ભાવુક થઈ જાય.

ઓપનર ટ્રેવિસ હેડ તેના જ દેશના ફાસ્ટ બોલર અને આઇપીએલના સૌથી મોંઘા 24.75 કરોડ રૂપિયાની કિંમતના મિચલ સ્ટાર્કના પહેલા જ બૉલમાં ક્લીન બોલ્ડ થયો એટલે રાહુલ ત્રિપાઠીએ હૈદરાબાદની ઇનિંગ્સના બીજા જ બૉલથી જવાબદારી ઉપાડી લેવી પડી હતી. જોકે તેણે સામા છેડે એક પછી એક વિકેટ પડતી જોવા મળી હતી અને એ આંચકાજનક માહોલમાં 29 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરીને ટીમની લડત ચાલુ રાખી હતી. જોકે 14મી ઓવરમાં સાથી બૅટર અબ્દુલ સામદ સાથેના નબળા તાલમેલને કારણે રાહુલે રનઆઉટમાં વિકેટ ગુમાવવી પડી હતી. કોલકાતાના આન્દ્રે રસેલ અને વિકેટકીપર રહમનુલ્લા ગુરબાઝના હાથે રાહુલ ત્રિપાઠી રનઆઉટ થયો એનો ડગઆઉટમાં બેઠેલા હૈદરાબાદના એકેએક ખેલાડીને પણ લાગ્યો હતો અને આખી ટીમમાં હતાશા છવાઈ ગઈ હતી. પૅવિલિયનમાં પાછો આવેલો રાહુલ ત્રિપાઠી ઉપર ડ્રેસિંગ-રૂમમાં જતાં પહેલાં નિરાશ મૂડમાં પગથિયા પર જ બેસી ગયો હતો. એ સમયે વીઆઇપી સ્ટૅન્ડમાં બેઠેલી હૈદરાબાદની ટીમની માલિક કાવ્યા મારનના ચહેરા પર ગુસ્સો અને આઘાતનો ભાવ જોવા મળ્યો હતો.

જોકે હૈદરાબાદની મંગળવારે ક્વૉલિફાયર-વનમાં હારી ગઈ, પરંતુ ફાઇનલમાં પહોંચવા એને શુક્રવારે ક્વૉલિફાયર-ટૂમાં જીતવાનો હજી એક મોકો મળશે. એ જોતાં રાહુલ ત્રિપાઠી અને હૈદરાબાદની આખી ટીમ મંગળવારના પરાજય તથા રનઆઉટના આંચકામાંથી જરૂર બહાર આવી ગયા હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button