નેશનલ

10મા ધોરણમાં 99.5% માર્કસ, છતાં કોર્ટનો પ્યૂન વાંચી-લખી નથી શકતો, જજે આપ્યા તપાસના આદેશ

કોપ્પલ: દેશના અલગ અલગ વિસ્તારમાં અવારનવાર નકલી માર્કશીટ કે પરીક્ષામાં ગેરરીતીના સમાચાર મળતા રહે છે. એવામાં કર્ણાટક(Karnataka)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોપ્પલ જીલ્લા કોર્ટ(Koppal District court)ના ન્યાયાધીશે કોર્ટમાં જ કામ કરતા પ્યૂનની માર્કશીટ અંગે તપાસના આદેશ આપ્યા છે. 10માં ધોરણની માર્કશીટ મુજબ પ્યૂન 99 ટકા સાથે ઉતીર્ણ થયો હતો, પરંતુ ન્યાયધીશને એ જાણીને આશ્ચર્ય થયું કે પટાવાળાને વાંચતા-લખતા પણ નથી આવડતું. ન્યાયાધીશે પટાવાળાની 10મા ધોરણની માર્કશીટ અંગે શંકા વ્યક્ત કરી છે અને તપાસનો આદેશ આપ્યો છે.

એક અહેવાલ મુજબ 23 વર્ષીય પ્રભુ લક્ષ્મીકાંત લોકરે કોપ્પલ કોર્ટમાં સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો. તાજેતરમાં જ તેણે ધોરણ 10ની પરીક્ષામાં 99.5% માર્ક્સ મેળવ્યા બાદ કોર્ટમાં પટાવાળાની નોકરી મેળવી હતી. જો કે, તેમની આ સિદ્ધિએ ન્યાયાધીશના મનમાં શંકા ઊભી કરી, કારણ કે તે કન્નડ ભાષા વાંચતા કે લખતા આવડતી નથી. આ પછી, કોપ્પલના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટક્લાસ(JMFC)એ પોલીસને પ્રભુની શૈક્ષણિક લાયકાતની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે, 26 એપ્રિલે પ્રભુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: અમેરિકામાં જજે આરોપીને સંભળાવી જેલની સજા તો આરોપીએ કર્યું કંઈક એવું કે…

FIR બાદ પોલીસે પ્રભુની માર્કશીટ અને સ્કૂલ એજ્યુકેશનની તપાસ કરી, ત્યારપછી સત્ય જાણવા મળ્યું. તપાસમાં જાણવા મળ્યું કે રાયચુર જિલ્લાના સિંધનુર તાલુકાના પ્રભુએ માત્ર ધોરણ 7 સુધી જ અભ્યાસ કર્યો હતો અને કોપ્પલ કોર્ટમાં સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો. 22 એપ્રિલ, 2024 ના રોજ પટાવાળાની પોસ્ટ માટે અંતિમ મેરિટ પસંદગી યાદીમાં તેનું નામ સામેલ હતું, ત્યાર બાદ તેની પોસ્ટિંગ યાદગીરમાં જિલ્લા અને સેશન્સ કોર્ટમાં થઈ હતી.

પ્રભુના પ્રમાણપત્ર મુજબ, તેણે પરીક્ષામાં 625 માંથી 623 માર્ક્સ મેળવ્યા હતા. એક જજ જેઓ પ્રભુને વર્ષોથી ઓળખતા હતા, તેઓ જાણતા હતા કે તેઓ કન્નડ, હિન્દી અને અંગ્રેજી વાંચી કે લખી શકતો નથી. જજને શંકા ગઈ કે પ્રભુ સફાઈ કામદારમાંથી પટાવાળો કેવી રીતે બન્યો.

ન્યાયાધીશે જણાવ્યું કે નકલી શૈક્ષણિક માર્કશીટ, લાયકાત ધરવતા વિદ્યાર્થીઓની તકને નુકસાન પહોંચાડે છે અને અન્યોએ પણ આવી જ રીતે સરકારી નોકરીઓ મેળવી છે કે કેમ તેની તપાસ કરવા જણાવ્યું હતું.

ન્યાયાધીશે પ્રભુના હસ્તાક્ષરને તેની SSLC જવાબવાહીઓ સાથે સરખાવવાનો પણ અનુરોધ કર્યો હતો. પ્રભુએ દાવો કર્યો હતો કે તેણે 2017-18માં બાગલકોટ જિલ્લાના બનહટ્ટીની એક સંસ્થામાં ખાનગી ઉમેદવાર તરીકે ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને પરીક્ષા દિલ્હી શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button