પામોલિન અને સોયાતેલમાં નરમાઈ
ગત ૧થી ૨૦ મે દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસમાં ૮.૨૭ ટકાનો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૧૦૫ સેન્ટનો ઉછાળો આવ્યો હોવા છતાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૫૮ સેન્ટ ઘટી આવ્યા હોવાથી શિકાગો ખાતેનાં વાયદાના પ્રોજેક્શનમાં પણ ૭૬ સેન્ટનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે આયાતી તેલમાં એકમાત્ર સન ક્રૂડના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. પાંચના સુધારા અને સન રિફાઈન્ડમાં ટકેલા વલણને બાદ કરતાં અન્ય આયાતી તેલમાં ભાવ ઘટાડાતરફી રહ્યા હતા, જેમાં ૧૦ કિલોદીઠ ક્રૂડ પામતેલ અને સોયા રિફાઈન્ડમાં રૂ. પાંચનો, સોયા ડિગમમાં રૂ. ત્રણનો અને આરબીડી પામોલિનમાં રૂ. એકનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના ભાવમાં ૧૫ કિલોદીઠ રૂ. ૧૦નો અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. પાંચથી ૧૦નો ઘટાડો આવ્યો હોવાથી સ્થાનિકમાં સિંગતેલના ભાવમાં રૂ. ૨૦નું ગાબડું પડ્યું હતું, જ્યારે રાજસ્થાનના મથકો પાછળ સરસવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૨૦ વધી આવ્યા હતા. જોકે, આજે વૈશ્ર્વિક મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્થાનિકમાં સેલરિસેલ ધોરણે થયેલા છૂટાછવાયા વેપારનો બાદ કરતાં હાજર તેમ જ ડાયરેક્ટ ડિલિવરી શરતે વેપાર નિરસ રહ્યા હતા.
તાજેતરમાં કાર્ગો સર્વેયર ઇન્ટરટેક સર્વિસીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર ગત તા. ૧થી ૨૦ મે દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસ આગલા એપ્રિળ મહિનાના સમાનગાળાના ૯,૦૫,૫૧૫ ટન સામે ૮.૨૭ ટકા ઘટીને ૮,૩૦,૬૦૮ ટનની સપાટીએ રહી હોવાનું જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે રિલાયન્સ રિટેલ, અલાના અને ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના ભાવ અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૯૧૩, રૂ. ૯૦૦ અને રૂ. ૯૦૫ તથા રૂચીના આરબીડી પામોલિનના રૂ. ૯૧૦, સોયા રિફાઈન્ડના રૂ. ૯૪૫ અને સન રિફાઈન્ડના રૂ. ૯૫૦ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો સદંતર અભાવ રહ્યો હતો.