એકસ્ટ્રા અફેર

ભાજપ વિપક્ષી નેતાઓના ભ્રષ્ટાચારની જ વાતો કેમ કરે છે?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

લોકસભાની ચૂંટણીમાં હવે બે તબક્કાનું મતદાન બાકી છે ત્યારે નરેન્દ્ર મોદીએ ફરી ભ્રષ્ટાચારનો મુદ્દો ઉપાડ્યો છે. પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજીથી માંડીને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સુધીના વિરોધ પક્ષના નેતા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે જ્યારે ભાજપ સરકારે ભ્રષ્ટાચાર સામે જંગ છેડ્યો છે એવો દાવો મોદી કરી રહ્યા છે. અમિત શાહ સહિતના નેતા પણ ભ્રષ્ટાચારને મુદ્દે વિપક્ષો પર પ્રહાર કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ પણ પોતાના ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો કે, અને ભાજપમાં જોડાયેલા કોઈ પણ નેતા સામેની ભ્રષ્ટાચારની તપાસ બંધ કરી નથી. આ દાવા ખરેખર હાસ્યાસ્પદ છે અને ભાજપના દંભનો વધુ એક પુરાવો છે.

નરેન્દ્ર મોદી પોતાની જાહેર સભાઓમાં સતત ભ્રષ્ટાચારની વાત કરીને હુંકાર કરે છે કે, કોઈ પણ ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે. ભ્રષ્ટાચાર કરનારા બધા જેલની હવા ખાતા થઈ જશે. ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ તપાસ એજન્સીઓની કાર્યવાહી ચાલુ છે અને આ કાર્યવાહી હવે અટકશે નહીં એવો હુંકાર પણ મોદી કરી રહ્યા છે. મોદીનો દાવો છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં ભાજપ સરકારની પ્રાથમિકતા ભ્રષ્ટાચારને ખતમ કરવાની રહી છે. કોઈ પણ સ્તરે થતો ભ્રષ્ટાચાર દેશના લોકોને અસર કરે છે એ જોતાં દેશના લોકોના કલ્યાણ માટેના પૈસાની ચોરી કરનારાં સામે કાર્યવાહી થવી જોઈએ.

મોદીની વાત સૈદ્ધાંતિક રીતે સાચી છે. ભ્રષ્ટાચારના કારણે આ દેશો બહુ નુકસાન વેઠ્યું છે અને પ્રજા વિકાસથી વંચિત રહી છે પણ સવાલ એ છે કે, મોદી સરકાર ભ્રષ્ટાચારના મુદ્દે બિલકુલ શુદ્ધ છે ? જરાય નહીં. મોદી સરકારે પોતે ભ્રષ્ટાચાર કર્યો નહીં હોય પણ ભ્રષ્ટાચારીઓને પોષ્યા છે ને તેમને પડખામાં પણ લીધા છે. મોદી સરકારની ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ શુદ્ધ નથી પણ રાજકીય ઈરાદાવાળી છે. મોદી ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે એવો હુંકાર કરે છે પણ ક્યા ભ્રષ્ટાચારીઓને નહીં છોડવામાં આવે તેની સ્પષ્ટતા કરતા નથી. કેન્દ્ર સરકારની એજન્સીઓ તેમના વર્તનથી આ સ્પષ્ટતા કરી રહી છે.

મોદી એમ કહે કે, ભ્રષ્ટાચારીઓને જેલભેગા કરાશે ત્યારે આ વાત વિપક્ષના નેતાઓને લાગુ પડે છે. જે લોકો ભાજપ સાથે છે તેમણે ચિંતા કરવાની જરૂર જ નથી કેમ કે મોદી સરકારની ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ સિલેક્ટિવ છે. આપણે બીજાં રાજ્યોની વાત ના કરીએ ને મહારાષ્ટ્રમાં જ જોઈએ તો અજીત પવારના કહેવાતા ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપે લીધેલું વલણ તેનો પુરાવો છે.

અજીત પવાર અત્યારે મહારાષ્ટ્રની ભાજપ અને શિવસેનાની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન છે. ભાજપ સાથે હાથ મિલાવ્યા પહેલાં અજીત પવાર પોતાના કાકા શરદ પવારની એનસીપીમાં હતા. એ વખતે અજીત પવાર ભાજપ માટે મહાભ્રષ્ટાચારી હતી. અજીત પવારે સિંચાઈ કૌભાંડમાં ૩૫ હજાર કરોડ રૂપિયા ચાઉં કરી લીધો હોવાનો આક્ષેપ ભાજપના નેતા કૂદી કૂદીને કરતા હતા. અજીત પવારના ભ્રષ્ટાચારનો ભાંડો ફોડીને એનસીપીનો અસલી ચહેરો લોકો સામે ખુલ્લો પાડ્યો હોવાનો દાવો કરીને ભાજપના નેતા જશ ખાટતા હતા.

ફડણવીસ ૨૦૧૪માં પહેલી વાર મુખ્ય પ્રધાન બન્યા ત્યારે આ કૌભાંડમાં ત્રણ હજાર કરતાં વધારે કેસ કરાવેલા. આ પૈકી નવ કેસમાં અજીત પવાર સીધા દોષિત હોવાનો દાવો કરાયેલો. પવાર ૧૯૯૯થી ૨૦૦૯ દરમિયાન મહારાષ્ટ્રના સિંચાઈ પ્રધાન હતા એ વખતે આ કૌભાંડ થયાનો ભાજપનો દાવો હતો. મીડિયાએ ૨૦૦૯માં આ કૌભાંડ બહાર પાડેલું. સિંચાઈ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી ટી.એન. મુંડેએ એપ્રિલ ૨૦૦૮માં પરિપત્ર બહાર પાડેલો કે, સિંચાઈ વિભાગ જુદા જુદા કાચા માલ તથા ચીજો માટે અતિશય ઊંચા ભાવ ચૂકવે છે. રાજ્ય સરકારે નક્કી કરેલી કિંમત કરતાં અનેક ગણા વધારે ભાવ ચૂકવવાનું બંધ કરવા મુંડેએ આદેશ આપેલો. તેની સામે અજીત પવારે મુંડેને સત્તાવાર કાગળ લખીને આ પરિપત્ર પાછો ખેંચવા ફરમાન કરેલું. અજીત પવારે મુંડેને લુખ્ખી દાટી આપેલી કે, સિંચાઈ પ્રધાનની મંજૂરી વિના કોઈ પણ પરિપત્ર બહાર પાડ્યો તો આવી બનશે.

મુંડેનો પરિપત્ર મીડિયા પાસે પહોંચી ગયો તેમાં ખબર પડી કે, એનસીપીના મળતિયા કોન્ટ્રાક્ટરોને અનેક ગણા ઊંચા ભાવે સિચાઈના પ્રોજેક્ટ અપાયા છે. અવિનાશ ભોંસલે નામના એક કોન્ટ્રાક્ટરને આ રીતે અપાયેલા ૧,૩૮૫ કરોડના બે પ્રોજેક્ટની વિગતો તો પુરાવા સાથે બહાર પડાયેલી. ભાજપના નેતા વિનોદ તાવડેએ આક્ષેપ કરેલો કે ૭૦ હજાર કરોડ રૂપિયામાંથી ૭ ટકા એટલે કે પાંચ હજાર કરોડ રૂપિયા એમ નામના માણસને લાંચ પેટે અપાયેલા. આ એમ અજીત પવાર હોવાનો દાવો પણ તાવડેએ કરેલો.

આ કૌભાંડની વધારે વિગતોમાં આપણે પડતા નથી પણ વાત એ છે કે, અજીત પવાર ભાજપ માટે મહાભ્રષ્ટાચારી હતા પણ અત્યારે ભાજપની સાથે છે ને મોદી કે ભાજપના બીજા નેતાઓને આ મહાભ્રષ્ટાચારી સાથે એક મંચ પર બેસવામાં જરાય શરમ આવતી નથી . અજીત પવારના સાથી પ્રફુલ્લ પટેલ નાગરિક ઉડ્ડયન પ્રધાન હતા ત્યારે સરકારી એરલાઈન્સનાં વિમાનો ભાડે આપવામાં ભારે ભ્રષ્ટાચાર કરેલો એવો આક્ષેપ કરીને ભાજપે હોહા કરી મૂકેલી. હવે પટેલ ભાજપ સાથે છે તેથી હમણાં સીબીઆઈએ તેમને ક્લીન ચીટ આપી દીધી. આ તો બે ઉદાહરણ આપ્યાં પણ આવાં તો અનેક ઉદાહરણ છે કે જેમાં ભાજપે જેમને મહાભ્રષ્ટાચારી ગણાવ્યા હોય એ બધા ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈને પવિત્ર થઈ ગયા છે.

ભાજપ સરકાર અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, લાલુ પ્રસાદ યાદવ કે બીજા કોઈ પણ વિપક્ષી નેતા સામે તપાસ કરાવે, ભ્રષ્ટાચાર બદલ કેસ કરે કે જેલમાં પૂરે તેમાં કશું ખોટું નથી. ભ્રષ્ટાચારીઓ સામે પગલાં ભરવાં ને ભ્રષ્ટાચારીઓને સજા કરાવવી એ સરકારનું કામ છે પણ આ જ કાર્યવાહી ભાજપના નેતાઓને કેમ લાગુ પડતાં નથી એ સવાલ છે. આ જ ધારાધોરણ ભાજપના નેતાઓ કે તેમના સાથીઓને કેમ લાગુ પડતાં નથી? ભાજપ પોતે જેમને મહાભ્રષ્ટાચારી ગણાવતો હતો એવા અજીત પવાર, પ્રફુલ્લ પટેલ સહિતના સંખ્યાબંધ નેતા ભાજપ સાથે બેસતાં જ દૂધે ધોયેલા થઈ ગયા છે.

મોદી ભ્રષ્ટાચારની વાતો કરે છે ત્યારે આ કારણે જ વરવા લાગે છે. કમનસીબી એ છે કે, લોકો પણ આ દંભ સામે બિલકુલ ચૂપ છે. ભાજપને ભ્રષ્ટાચારીઓને પોષવામાં જરાય શરમ નથી. પોતાના પડખામાં ભરાઈ જતા ભ્રષ્ટાચારીઓને ભાજપ ખુલ્લેઆમ બચાવે છે, સત્તા આપે છે છતાં લોકો કશું બોલતા નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત