શિરડીઃ હાલમાં વાર-તહેવારો ચાલી રહ્યા છે અને એમાં પણ બે દિવસ બાદ તો ગણેશોત્સવ આવી રહ્યો છે. બાપ્પાને નૈવદ્ય તરીકે પેંડાનો પ્રસાદ દેખાડવામાં આવે છે અને દર્શન કરવા આવતા મહેમાનોને પણ મિઠાઈ ખવડાવવામાં આવે છે. પરંતુ બજારમાંથી પેંડા કે મિઠાઈ ખરીદતા વખતે ખાસ સાવધ રહો, કારણ કે આ પ્રસાદ તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે, કારણ કે તહેવારોમાં ભેળસેળખોરોએ ફરી એક વખત માથું ઉચક્યું છે. મહારાષ્ટ્રના શિરડી ખાતે સાંઈબાબાના દર્શન કરવા આવેલા ભક્તો પ્રસાદ તરીકે પેંડા ખરીદે છે પણ આ પેંડામાં જ ભેળસેળ કરવાાં આવી રહી છે.
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં શિરડીના સાંઈબાબાની મંદિરની બહાર વેચાતા પેંડા દૂધ વિના બનાવવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું. નાશિકમાં જપ્ત કરવામાં આવેલા 1100 કિલો માવામાંથી 100-150 કિલો માવો તો શિરડીના પેંડાવિક્રેતાઓનો હોવાનો જાણવા મળ્યું હતું. પ્રસાદમાં મલાઈ પેંડા કહીને 500થી 600 રૂપિયા કિલોના ભાવે આ પેંડા વેંચવામાં આવે છે.
ભેળસેળયુક્ત પેંડા કે મિઠાઈ ખાવાને કારણે ગળામાં ખરાશ અનુભવાય છે, ખાંસી થાય છે અને પેટમાં દેખાય છે. આ ઉપરાંત ચક્કર આવવા, જુલાબ કે કમળા જેવી બીમારી પણ આ ભેળસેળવાળા પેંડા ખાવાને કારણે થઈ શકે છે.
લોકો ભગવાન પરની શ્રદ્ધાને કારણે પ્રસાદ તરીકે આ પેંડા ખરીદે છે, પણ ગમે ત્યાંથી ખરીદેલા આ ભેળસેળવાળા પ્રસાદને કારણે લેવાના દેવા પડી શકે છે. પરિણામે પેંડા કે મિઠાઈ સારી અને ખાતરી હોય એવા દુકાનમાંખી ખરીદવા. આ ઉપરાંત તે ખરીદતા પહેલાં તેની એક્સપાયરી ડેટ ચોક્કસ જોવી અને તારીખ સાથે પોતાના નામે બિલ લેવાનું ભૂલશો નહીં તેમ જ આ પેંડા દૂધમાંથી જ બનાવવામાં આવ્યા છે કે નહીં તેની ખાતરી ચોક્કસ કરવી જોઈએ એવું આહ્વાન એફડીએ દ્વારા કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલાં ત્ર્યંબકેશ્વરમાં આવેલા ભીમાશંકર મંદિર પરિસરમાં પણ આ જ રીતે ભેળસેળયુક્ત પેંડા વેચવામાં આવતા હોવાનું એફડીએ દ્વારા પાડેલા દરોડામાં જાણવા મળ્યું હતું અને હવે શિરડીમાં પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થતાં ભક્તોની શ્રદ્ધાની સાથે રમત તો થઈ જ રહી છે એની સાથે સાથે તેમના આરોગ્ય સાથે પણ ચેડાં થઈ રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને