દિલ્હી લીકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને ઝટકો, કોર્ટે જામીન ફગાવ્યા
નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલિસી કેસમાં દિલ્હીના પૂર્વ પ્રધાન મનીષ સિસોદિયાના જામીન આજે પણ કોર્ટે ફગાવ્યા છે. દિલ્હી હાઈ કોર્ટે કહ્યું કે મનીષ સિસોદિયા બે મોબાઈલ ફોન રજૂ કરી શક્યા નથી અને જામીન આપવામાં આવ્યા તો તેમની સામેના પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. આમ છતાં ટ્રાયલ કોર્ટે નિયત શરતો પ્રમાણે પત્નીને નિયમિત રીતે મળવાની પરવાનગી આપી છે.
દિલ્હી લીકર કેસમાં દિલ્હી હાઈ કોર્ટે આજે કથિત લીકર કેસમાં જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ સીબીઆઈ અને ઈડી દ્વારા નોંધવામાં આવેલા કેસમાં સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીને ફગાવી છે. બંને કેસમાં સિસોદિયા હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
આ અગાઉ નીચલી કોર્ટે તેમની કસ્ટડીની મુદત વધારી હતી અને દિલ્હી હાઈ કોર્ટે તરફથી પણ જામીન આપ્યા નથી. દિલ્હી હાઈ કોર્ટે મનીષ સિસોદિયા અને ઈડીના વકીલની સંક્ષિપ્ત ટિપ્પણીનો ઉલ્લેખ પણ કર્યો હતો. કોર્ટે આદેશ વાચતા કહ્યું કે સુપ્રીમ કોર્ટનો આદેશ ટ્રાયલ કોર્ટની સત્તાને કોઈ અસર કરતું નથી. એની યોગ્યતાને આધારે જ નિર્ણય લેવાનો હતો. ટ્રાયલમાં માત્ર વિલંબ જામીન માટેનો આધાર બની શકે નહીં.
આ પણ વાંચો : Delhi Excise Policy Case:મનીષ સિસોદિયાને આંચકો, ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાઇ
બેન્ચ વતી જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે જ પોતે જણાવ્યું હતું કે જ્યારે સિસોદિયા જામીન માટે અરજી કરે ત્યારે ટ્રાયલ કોર્ટ તેમની ટિપ્પણીઓથી પ્રભાવિત થયા વિના નિર્ણયો લેવા જોઈએ. અને કોર્ટે નોંધ્યું હતું કે અમારું માનવું છે કે પ્રોસિક્યુશનના કારણે કેસમાં વિલંબ થયો નથી. આરોપી હજારો પાનાના દસ્તાવેજો જોવાની માગણી કરી રહ્યા છે, તેનાથી વિલંબ થઈ રહ્યો છે. આ કેસ સત્તાના દુરુપયોગનો છે. આરોપી દિલ્હીના મુખ્ય પ્રધાન હતા, તેમણે પૂર્વ નિર્ધારિત ધ્યેય માટે નીતિ બનાવી હતી.