‘કુછ દિન તો ગુજારીએ અફઘાનિસ્તાનમેં…’ અફઘાનિસ્તાનન સરકારે પ્રવાસીઓને આવકાર્ય!!
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અફઘાનિસ્તાનની તાલીબાન સરકારના ‘પબ્લિક રિલેશન ડીપાર્ટમેન્ટ’ના નામ પર બનવવામાં આવેલું એક પેરોડી અકાઉન્ટ ચર્ચામાં છે. આ પેરોડી અકાઉન્ટ એક વિડીયો પોસ્ટ કરીને વિશ્વભરના પ્રવાસીઓને અફઘાનિસ્તાન ફરવા આવવા માટે આમંત્રણ આપ્યું છે. આ વિડીયો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે મહાન રાષ્ટ્ર અફઘાનિસ્તાનની મુલાકાત લો, અમેરિકનોથી વિપરીત આઝાદ અને બહાદુર લોકોની વાસ્તવિક ભૂમિ. આ પોસ્ટ અંગે લોકો અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેનો આ અકાઉન્ટ રમુજી રીપ્લાય આપી રહ્યું છે.
પેરોડી અકાઉન્ટે એવું પણ લખ્યું કે એક દેશ જ્યાં બહાદુર પુરુષો અને સંકૃતિ સાથે જોડાયેલી સ્ત્રીઓ વસે છે. અહી તમે 100% સુરક્ષિત હશો કારણ કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે અને અમે હવે ખંડણી માટે પ્રવાસીઓને પકડતા નથી. વિડીયોમાં અફઘાનિસ્તાનના પહાડોના સુંદર દ્રશ્યો જોવા મળે છે.
આ પોસ્ટ અંગે નેટીઝન્સ પ્રશ્નો પૂછી રહ્યા રહ્યા છે. એક યુઝરે પૂછ્યું કે શું હનીમૂન માટે આ યોગ્ય ડેસ્ટિનેશન છે? ત્યારે પેરોડી અકાઉન્ટે જવાબ આપ્યો કે ચોક્કસ, અમારે ત્યાં હનીમૂન કપલ માટે પર્વતોમાંથી પસાર થતા જબરદસ્ત હાઇકિંગ ટ્રેલ્સ છે. એ જ ટ્રેકિંગ પાથ જેનો ઉપયોગ અમારા લડવૈયાઓએ યુદ્ધ દરમિયાન કર્યો હતો.
એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર)ના ચીફ એલોન મસ્કને ટેગ કર્યા અને લખ્યું કે એવું લાગે છે કે ઉગ્રવાદીઓ ખરેખર પ્રગતિ કરી રહ્યા છે. પેરોડી અકાઉન્ટે કહ્યું, અમારે ઈલોન મસ્કની જરૂર છે એના કરતા એમને અમારી જરૂર છે. અમારી પાસે દુનિયાભરનું લિથિયમ છે.
એક નેટિઝેને પૂછ્યું: “શું પ્રવાસીઓ તરીકે મુલાકાત લેતી મહિલાઓને યોગ્ય વસ્ત્રો સાથે સ્કીઇંગ કરવાની મંજૂરી છે?” ત્યારે ફેક પીઆર અકાઉન્ટે કહ્યું કે, “અમારી વહાલી બહેનો, જ્યાં સુધી કપડાં પરંપરાગત છે, ત્યાં સુધી સ્ત્રીઓને અમારા પર્વતોમાં સ્કી કરવાની પરવાનગી આપવામાં આવશે. જો કે અમે ઇચ્છીએ કરીએ છીએ કે તેઓ ઘરે રહીને અમારા બાળકોની સંભાળ રાખે અને પુરુષોની રમતમાં સામેલ ન થાય.”
અન્ય એક યુઝરે પૂછ્યું કે, ‘શું તમે શિયા મુસ્લિમોને પ્રવેશવાની મંજૂરી આપો છો કે તેમનો શિરચ્છેદ કરો છો?’ ફેક પીઆર અકાઉન્ટે જવાબ આપ્યો કે, ‘શિયાઓનું અમારા મહાન રાષ્ટ્રની મુલાકાત લેવા માટે સ્વાગત છે, પરંતુ તેઓએ તેમના રોકાણના સમયગાળા માટે શિયા ધર્મનું પાલન કરવું નહીં.
અન્ય એક યુઝરે પૂછ્યું કે “હું તાલિબાનના સીઈઓ સાથે વાત કરવા માંગુ છું.” ડીપાર્ટમેન્ટે જવાબ આપ્યો, “તે અમારા સર્વોચ્ચ નેતા છે. અમારા રાષ્ટ્રની મુલાકાત લો અને તેમની સાથે મુલાકાત ગોઠવવામાં આનંદ થશે. તેમને વિદેશીઓને મળવાનું અને અમારી સરકાર વિશે અભિપ્રાયો જાણવાનું પસંદ છે..”