અમદાવાદ: સામાન્ય રીતે લીગ રાઉન્ડમાં કોઈ પણ મેદાન પરની મૅચની બે હરીફમાંથી એક યજમાન ટીમ હોય એટલે અમદાવાદમાં મોટેરાના મેદાન પર આ સીઝનમાં રમાયેલી (જેના પરિણામ આવ્યા હોય એ તમામ છ મૅચ)માં ગુજરાત ટાઇટન્સની ટીમ રમી જ હતી, પરંતુ આજે પ્લે-ઑફ રાઉન્ડમાં જે ક્વૉલિફાયર-વન રમાવાની છે એમાં ગુજરાતની ટીમ નહીં બલ્કે બીજી જ બે ટીમ રમતી જોવા મળશે. પૉઇન્ટ્સ-ટેબલની નંબર-વન અને ભૂતપૂર્વ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) તથા નંબર-ટૂ અને ભૂતપૂર્વ ચૅમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) વચ્ચેનો આજનો આ મુકાબલો (સાંજે 7.30 વાગ્યાથી) બૅટિંગના બે પાવરહાઉસ સમાન બની રહેશે. એમાં ખાસ કરીને હૈદરાબાદના પેસ બોલર ભુવનેશ્ર્વર કુમાર તથા કોલકાતાના ઑલરાઉન્ડર સુનીલ નારાયણ વચ્ચે અને હૈદરાબાદના બૅટર હિન્રિચ ક્લાસેન તથા કોલકાતાના પેસ બોલિંગ ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ વચ્ચે ખરીખરીની ટક્કર જોવા મળશે.
આજે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચેની ટક્કરમાં વિજયી થનારી ટીમ સીધી રવિવારની ફાઇનલમાં પહોંચશે અને પરાજિત ટીમે બુધવાર, 22 મેની એલિમિનેટરની વિજયી ટીમ સામે શુક્રવારે રમવું પડશે. બુધવારની એલિમિનેટર (સાંજે 7.30 વાગ્યાથી) માં રાજસ્થાન-બેન્ગલૂરુ વચ્ચે મુકાબલો છે.
આજના કોલકાતા-હૈદરાબાદ મુકાબલાની વાત કરીએ તો છેલ્લે આ બે ટીમ વચ્ચે 23મી માર્ચે (સ્પર્ધા શરૂ થયાના બીજા જ દિવસે) ઈડન ગાર્ડન્સમાં ટકકર થઈ હતી જેમાં કોલકાતાનો ચાર રનથી વિજય થયો હતો. કોલકાતાના 208/7 સામે હૈદરાબાદનો સ્કોર 204/7 રહ્યો હતો. જોકે એ મૅચમાં 40 બૉલમાં 54 રન બનાવનાર ઓપનર ફિલ સૉલ્ટ ઇંગ્લૅન્ડ પાછો જતો રહ્યો હોવાથી કોલકાતાની ટીમને આજે તેની ખોટ જરૂર વર્તાશે.
જેમ મુંબઈ ઇન્ડિયન્સ માટે વર્ષોથી જસપ્રીત બુમરાહ યૉર્કર-સ્પેશિયાલિસ્ટ છે એમ હૈદરાબાદ માટે ભુવનેશ્ર્વર કુમાર યૉર્કરના જાદુથી વિકેટ અપાવતો મુખ્ય પેસ બોલર છે. એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટની ગણતરી મુજબ આઇપીએલની આ સીઝનમાં ભુવીએ 31 યૉર્કર ફેંક્યા છે. માત્ર મુંબઈનો બુમરાહ (56) તેનાથી વધુ યૉર્કર ફેંકી ચૂક્યો છે. રાજસ્થાનના આવેશ ખાનના પણ ભુવી જેટલા 31 યૉર્કર અને હૈદરાબાદના ટી. નટરાજનના નામે 27 યૉર્કર છે.
ભુવી અને નારાયણ વચ્ચેની આજની ટક્કર જોવાજેવી બની શકે. પચીસ બૉલમાં ભુવી તેને બે વખત આઉટ કરી ચૂક્યો છે, જ્યારે નારાયણ તેની બોલિંગમાં ફક્ત 28 રન બનાવી શક્યો છે. બીજી બાજુ, નારાયણ આ સીઝનનો મોસ્ટ વૅલ્યૂએબલ પ્લેયર છે. જે બૅટર્સે 400 કે વધુ રન બનાવ્યા છે એમાં ફક્ત બે બૅટર્સ નારાયણથી ઝડપથી રન બનાવી શક્યા છે. એ જોતાં, નારાયણ જો આજે ભુવીની બોલિંગને હેમખેમ પાર કરશે તો તેને રોકવો હૈદરાબાદ માટે મુશ્કેલ થઈ જશે.
હૈદરાબાદનો હિન્રિચ ક્લાસેન આજે કોલકાતાના રાઇટ-આર્મ ફાસ્ટ બોલર આન્દ્રે રસેલ સામે સફળ થશે તો હૈદરાબાદનું ફાઇનલમાં પહોંચવું આસાન થઈ જશે. ખૂબીની વાત એ છે કે રસેલે આ સીઝનમાં પાવરપ્લેમાં બોલિંગ કરી જ નથી. બીજી બાજુ, મિડલ-ઑર્ડરનો બૅટર ક્લાસેન સ્પિન અને લેફ્ટ-આર્મ પેસ બોલિંગ સામે વિસ્ફોટક બૅટિંગ કરી શકે છે એટલે રસેલના રાઇટ-આર્મ ફાસ્ટ બૉલ તેને મુસીબતમાં મૂકી શકે.
કોલકાતાનો રસેલ માત્ર બોલિંગમાં નહીં, બૅટિંગમાં પણ કમાલ દેખાડી શકે એમ છે. તેનો 185.00નો સ્ટ્રાઇક-રેટ કોલકાતાની ટીમનો ઉત્સાહ વધારનારો છે. જોકે રસેલની એક નબળાઈ છે. તે તમામ પ્રકારની બોલિંગની ધુલાઈ કરી શકે એમ છે, પણ લેગ-સ્પિન તેના માટે માથાનો દુખાવો બની જતો હોય છે. લેગ-સ્પિનર્સ સામે તે 28 બૉલમાં ફક્ત 41 રન બનાવી શક્યો છે અને એક વખત વિકેટ ગુમાવી ચૂક્યો છે. હૈદરાબાદ થોડા દિવસથી શ્રીલંકાના બાવીસ વર્ષના લેગબ્રેક સ્પેશિયાલિસ્ટ વિજયકાંત વિયાસકાંતને અજમાવી રહ્યું છે. રવિવારે વિજયકાંતે પંજાબના ટૉપ-સ્કોરર પ્રભસિમરન સિંહ (71 રન)ની વિકેટ લીધી હતી. આજે બની શકે કેકેઆર રસેલને બૅટિંગમાં મોડો ઉતારશે. જો ત્યાં સુધીમાં વિજયકાંતની મોટા ભાગની ઓવર પૂરી થઈ ગઈ હશે તો રસેલને ફટકાબાજી માટે મોકળું મેદાન મળી રહેશે. યાદ રહે, 23મી માર્ચે ઈડનમાં રસેલ (64 અણનમ, પચીસ બૉલ, સાત સિક્સર, ત્રણ ફોર અને પચીસ રનમાં બે વિકેટ)ના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સને લીધે જ હૈદરાબાદે અંતિમ ઓવરમાં પરાજય જોવો પડ્યો હતો.
બીજી તરફ, કોલકાતાના લેગ-બ્રેક ગૂગલી એક્સપર્ટ વરુણ ચક્રવર્તીનો આઇપીએલની છેલ્લી બે સીઝનમાં અનોખો વિક્રમ છે. તેણે 2023ની સીઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં 26 મૅચમાં કુલ 38 વિકેટ લીધી છે અને એટલી કે એનાથી વધુ વિકેટ બીજા કોઈ સ્પિનરે નથી લીધી.
બન્ને હરીફ ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવન:
કોલકાતા: સુનીલ નારાયણ, રહમનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કૅપ્ટન), વેન્કટેશ ઐયર, નીતિશ રાણા, રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મિચલ સ્ટાર્ક, અનુકૂલ રૉય/વૈભવ અરોરા અને હર્ષિત રાણા. 12મો પ્લેયર: વરુણ ચક્રવર્તી.
હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નીતિશ કુમાર રેડ્ડી, હિન્રિચ ક્લાસેન (વિકેટકીપર), શાહબાઝ અહમદ, અબ્દુલ સામદ, સનવીર સિંહ, પૅટ કમિન્સ (કૅપ્ટન), ભુવનેશ્ર્વર કુમાર અને વિજયકાંત વિયાસકાંત. 12મો પ્લેયર: ટી. નટરાજન.