નેશનલમહારાષ્ટ્ર

Pune Porsche accident: આરોપી સગીરના પિતા, બાર મેનેજર, માલિકની ધરપકડ

પુણે રોડ અકસ્માતમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક અને યુવતીને કચડી નાખનાર સગીરના પિતાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સગીરે જે બારમાં પાર્ટી કરી હતી, તે બારના માલિક અને અને મેનેજરની પણ 17 વર્ષના છોકરાને દારૂ પીરસવા બદલ ધરપકડ કરવામાં આવી છે. સગીરના પિતા શહેરના જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર છે. તેમની પોર્શ રજીસ્ટ્રેશન નંબર વગર ચાલતી હતી. સવાલ એ છે કે સગીરના પિતાએ નવી પોર્શ કારની ડિલીવરી લીધી હતી, પણ હજી તેનું રજિસ્ટ્રેશન પણ બાકી હતું. RTOના નિયમ મુજબ રજિસ્ટ્રેશન નંબર વિનાની કાર ચલાવી શકાતી નથી. તેમ છતાં સગીર ઘરમાંથી પોર્શ કાર લઇને બહાર કેવી રીતે ગયો? ઘરના કોઇએ તેને રોક્યો કેમ નહીં? આવા સવાલો પણ વિચારવા જેવા છે.

આ અકસ્માતમાં 24 વર્ષીય અનીસ આવડિયા અને 24 વર્ષીય અશ્વિની કોસ્ટાએ જીવ ગુમાવ્યા છે. યુવક અને યુવતી મધ્યપ્રદેશના રહેવાસી હતા અને પુણેમાં નોકરી કરતા હતા. બંને વ્યવસાયે એન્જિનિયર હતા. એફઆઈઆર મુજબ, બંને કલ્યાણીનગર જંક્શન પર પહોંચ્યા કે તરત જ એક પૂરઝડપે આવતી પોર્શ કારે તેમની મોટરસાઈકલને ટક્કર મારી હતી. આ પછી બંને રસ્તા પર પડી ગયા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

આ અકસ્માત રવિવારે મોડી રાત્રે થયો હતો. આ પછી એવા સમાચાર આવ્યા હતા કે આરોપી સગીરને માત્ર 14-15 કલાકમાં જ જામીન મળી ગયા હતા. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ એટલે કે જેજેબીએ આ ઘટનામાં સામેલ સગીરને અકસ્માત પર નિબંધ લખવો, પોલીસ સાથે 15 દિવસ કામ કરવું, દારૂની લતમાંથી મુક્તિ મેળવવા ડૉક્ટરને મળવું જેવી શરતો પર જામીન આપ્યા હતા, જેની સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. તાજેતરમાં જ એવા સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે 100 રૂપિયાની લાંચ લેવા બદલ એક વ્યક્તિને એક વર્ષની સજા કરવામાં આવી છે. એવા સમયે બે વ્યક્તિની હત્યા કરનાર સગીરને અકસ્માત પર નિબંધ લખવો, પોલીસ સાથે 15 દિવસ કામ કરવું જેવી સામાન્ય શરતો પર જામીન મળી જતા લોકોએ દેશની અન્યાયી ન્યાય પ્રણાલી સામે પણ સવાલ ઊભા કર્યા હતા.

મળતી માહિતી મુજબ પોલીસે આ કેસના આરોપીને પુખ્ત તરીકે લેવા માટે હાઇ કોર્ટનો સંપર્ક સાધ્યો છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button