આપણું ગુજરાત

અમદાવાદમાંથી ઝડપાયેલા ISISના 4 આતંકીએ પૂછપરછ દરમિયાન કર્યા મોટા ખુલાસા, જાણો વિગત

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા ISISના 4 આતંકીઓએ પૂછપરછ દરમિયાન તેમણે મોટા ખુલાસા કર્યા છે. ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા આતંકવાદીઓને મોટું ટાસ્ક આપવામાં આવ્યું હતું. આતંકીઓના કારનામા અંગે માહિતી આપતા ATSએ જણાવ્યું કે પકડાયેલા આતંકવાદીઓને ભાજપ, આરએસએસની સાથે-સાથે યહૂદીઓના મહત્વના સ્થળો પર હુમલા અને હિન્દુ નેતાઓની ટાર્ગેટ કિલિંગ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

અમદાવાદ એરપોર્ટ પરથી ATSના હાથે પકડાયેલા આ ચાર આતંકવાદીઓ શ્રીલંકાના નાગરિક છે. આ ચારેય શ્રીલંકાથી પહેલા ચેન્નાઈ પહોંચ્યા હતા અને પછી ચેન્નાઈથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. તેઓ અહીં પહોંચતા જ ગુજરાત ATSએ પાકિસ્તાની હથિયારો સાથે તેમની ધરપકડ કરી હતી.

DGP વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, 19 અને 20 મેના રોજ હવાઈ માર્ગે અને રેલવે માર્ગે આ આતંકીઓ આવવાની બાતમી મળી હતી. ત્યારે તેમની ખાનગી વોચ રાખવામાં આવી અને તેમને એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. આતંકીઓ ચેન્નાઈથી અમદાવાદ ઈન્ડિગો ફ્લાઈટમાં આવ્યા હતાં. જેઓ 19મીના રોજ સવારે 3 વાગ્યે શ્રી લંકાથી ચેન્નઈ પહોંચ્યા હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર ચાર આતંકવાદીઓની ઓળખ મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રાસદીન તરીકે કરવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક (DGP) વિકાસ સહાયે જણાવ્યું હતું કે ચારેય આતંકવાદીઓ શ્રીલંકાના વતની છે અને ઇસ્લામિક સ્ટેટની વિચારધારાથી કટ્ટરપંથી બન્યા હતા.

શ્રીલંકાથી આવેલા ISISના આ 4 આતંકીઓ માત્ર તમિલ બોલે છે અને હિન્દી કે અંગ્રેજી સમજી શકતા નથી. ચેન્નાઈથી અમદાવાદ પહોંચ્યા બાદ ચારેય આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના મેસેજની રાહ જોઈ રહ્યા હતા. તેઓને અમદાવાદથી ટાર્ગેટ લોકેશન પર પહોંચવાનું હતું. તેમને અહીંથી હથિયારો મળવાના હતા. જો તેઓ તેમના ઈરાદામાં સફળ થાય તે પહેલા જ ATSએ તમામની ધરપકડ કરી હતી.

તેમની પાસેથી 2 મોબાઈલ, પાસપોર્ટ, ભારત અને શ્રીલંકા કરન્સી અને ISISનો ઝંડો મળ્યો હતો. આ ચારેય પાકિસ્તાનમાં રહેતા ISIS આતંકી અબુના સંપર્કમાં આવ્યા હતા. અબુએ ભારતમાં આતંકી પ્રવૃત્તિ માટે ઉશ્કેર્યા હતા. અબુએ શ્રીલંકન કરન્સીમાં 4 લાખ આપ્યા હતા. તેમના મોબાઈલમાં અલગ અલગ વીડિયો છે.

તેમની પાસે રહેલી પ્રોટોન ડ્રાઈવમાં 05 ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે. જે ફોટોગ્રાફ્સ 1. પાણીની કેનાલ, 2. મોટા પત્થરોની નીચે બખોલમાં ગુલાબી કલરના પાર્સલમાં રાખેલ કોઇ વસ્તુ. 3. બ્રાઉન સેલોટેપ વીંટાળેલ ગુલાબી કલરનું પાર્સલ, 4. ઝંડાના ગોળ સર્કલમાં અરબી ભાષામાં લખાણ અને આજુ બાજુમાં ગોઠવેલ ત્રણ પિસ્ટલ આકારના પાર્સલ તેમજ 5. ત્રણ પિસ્ટલ તથા ત્રણ લોડેડ મેગઝીનના હોવાનું જણાઈ આવ્યું છે.

પોલીસે જણાવ્યું કે ચારેય આતંકવાદીઓને યહૂદીઓના મહત્વના સ્થળો પર હુમલો કરવાનું કામ આપવામાં આવ્યું હતું. આ સાથે જ ભાજપ અને આરએસએસની સાથે-સાથે કેટલાક હિન્દુ નેતાઓની ટાર્ગેટ કિલિંગનો પણ પ્લાન હતો. જો તેઓને હેન્ડલર તરફથી સૂચના મળી હોત તો તે બધા મળીને દેશમાં આત્મઘાતી હુમલો કરવાની યોજના ઘડી રહ્યા હતા.

મોબાઈલમાં કેટલાક ફોટા અને લોકેશન મળ્યા, જે અમદાવાદના નાના ચિલોડાના હતા. પાકિસ્તાન હેન્ડલરે એક જગ્યાએ હથિયાર મૂકેલા હતા, તેના ફોટા લોકેશન મળ્યા હતા. માહિતીના આધારે નાના ચિલોડામાં એટીએસ પહોંચી હતી.

તમામ આતંકવાદીઓ ઉચ્ચ પ્રશિક્ષિત છે અને તેમના તાર છેક પાકિસ્તાન સાથે જોડાયેલા છે. આતંકવાદીઓના હેન્ડલર પાકિસ્તાનમાં છે. પકડાયેલા એક આતંકવાદીએ પાકિસ્તાનના વિઝા પણ લીધા હતા. ગુજરાત એટીએસની સાથે કેન્દ્રીય એજન્સીઓ પણ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે. એજન્સીઓને શંકા છે કે શ્રીલંકન મૂળના આ આતંકવાદીઓ ભારતમાં હાજર કેટલાક લોકો સાથે જોડાયેલા હોઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button