તરોતાઝા

ભોજન પછી હાશ… મુખવાસ!

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

ભારતીય સંસ્કૃતિનો ઊંડાણથી અભ્યાસ કરવા જેવો છે. આપણી પ્રાચીન પરંપરા તેમ જ સંસ્કૃતિમાં દર્શાવવામાં આવેલાં પ્રત્યેક વાક્યનું વિશિષ્ટ મહત્ત્વ છે. શાંત ચિત્તે વિચારવામાં આવે તો આધુનિક યુગના પ્રત્યેક વૈજ્ઞાનિક લાભ તેમાં સમાયેલાં છે.

આપણી દિનચર્યા, ઋતુચર્યા કે આહારની વિવિધ શૈલીનો તેમાં સમાવેશ થતો જોવા મળશે. તેથી જ આયુર્વેદને ભારતીય સંસ્કૃતિનો આત્મા ગણવામાં આવે છે. પ્રત્યેક કાર્ય જેવા કે પૂજા વિધિ હોય કે ભોજન બનાવવાની પદ્ધતિ હોય. દરેક કાર્યની એક ખાસ રીત જોવા મળશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેવો ફ્કત ભૂખની સંતુષ્ટી કરવાથી અધિક ગણાય છે. અહીં ઈન્દ્રિયોની સંતુષ્ટી વિશે કાળજી લેવામાં આવે છે.

ભોજન બાદ જોવા મળતી પારંપારિક પરંપરા એટલે કે મુખવાસ મમળાવવો, જે પ્રત્યેક વ્યક્તિને આકર્ષતી હોય છે.
મુખવાસ' શબ્દ સંસ્કૃત શબ્દમુખ’ એટલે કે મોં, `વાસ’ એટલે મોંને તાજગી બક્ષતી સુવાસ. ભારતીય પ્રાચીન ગ્રંથમાં ઈશ્વરની સોડસોપચાર વિધિથી કરવામાં આવતી પૂજામાં સમાવિષ્ટ છે. તેથી નૈવેદ્ય અર્પણ કર્યા બાદ પાન-સોપારી-એલચીના બીડાં અચૂક મુખવાસ રૂપે પ્રભુ સમક્ષ ગોઠવવામાં આવે છે.

એક સમયે ફિલ્મોમાં પણ બનારસી પાનની કમાલ જોઈને પ્રત્યેક વ્યક્તિને પાન ખાવાની તલપ લાગતી હતી. ભોજન ઉપયોગી વિવિધ અનાજ-ફળ-શાકભાજી વિશે આપણે જાણકારી મેળવતાં જ રહીએ છીએ તો ચાલો, આજે ભોજન બાદ તનને ઠંડક પહોંચાડતાં મુખવાસ મમળવાના લાભ જાણી લઈએ.
આજના યુગની ભાગદોડ ભરી જિંદગીમાં માનવીને બે ટંક શાંતિથી ભોજન કરવાનો સમય મળવો મુશ્કેલ બની જાય છે.

ભોજન બાદ મુખવાસ ફાંકી લેવાથી શરીરમાં તાજગી આવી જાય છે. તન-મનમાં ઠંડક ફેલાઈ જાય છે. ભારતીય બજારોમાં મુખવાસની અનેક વિવિધતા જોવા મળે છે. પ્રત્યેક મુખવાસ સ્વાસ્થ્ય માટે એક યા બીજા પ્રકારે ગુણકારી ગણાય છે. ટૂંકમાં કહીએ તો મુખવાસ ખાવાથી `તન-મન તરો-તાજા’ બની જાય છે, જેમકે
વરિયાળીમાં ફ્લેવનોઈડ તેમ જ શરીરને આવશ્યક તેવાં તૈલીય તત્ત્વો છે. એને કારણે પેટમાં થતાં ગૅસમાં રાહત મળે છે. ઈલાયચીમાં સિનોઓલે નામક ઍક્ટિવ કોમ્પોનન્ટ છે. એને કારણે ભારે ભોજન બાદ આફરો ચડી જાય ત્યારે ફક્ત એલચી દાણા ચાવી જવાથી ત્વરિત રાહત મળી શકે છે. મુખવાસમાં વપરાતાં આમળાં પાચનશક્તિને મજબૂત બનાવે છે.

ખડી સાકર સાથે વરિયાળી ખાવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે. આદુંની કતરણ મુખવાસમાં ભેળવવાથી પેટમાં દુખાવો, ઊલટી જેવી તકલીફમાં રાહત મળે છે. મુખવાસમાં વપરાતી વિવિધ સામગ્રીમાં વિટામિન, મિનરલ્સ જેવા કે પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન વગેરે હોય છે, જે વ્યક્તિની તંદુરસ્તી માટે આવશ્યક હોય છે. પ્રત્યેક વ્યક્તિ મુખવાસ ખાવાનું પસંદ કરે છે.

ગુજરાતમાં અમદાવાદ, સૌરાષ્ટ્રમાં જામનગરી મુખવાસ વખણાય છે તો રાજસ્થાનનું જયપુર શહેર મુખવાસ માટે જાણીતું છે. ઉત્તર પ્રદેશમાં હાથરસ વિવિધ પાચકગોળી માટે પ્રખ્યાત છે. હવે તો ઑનલાઈનનો જમાનો છે તેથી ગમતાં મુખવાસ સરળતાથી ઘેરબેઠાં મગાવવા શક્ય છે.

આદર્શ વજન માટે મદદરૂપ
મોટાપો સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે. ભોજન બાદ મુખવાસનું સેવન કરવાથી શરીરનું આદર્શ વજન જાળવવામાં મદદ મળે છે. મુખવાસ માટે એવું કહેવાય છે કે ભોજન બાદ મુખવાસ ખાતી વ્યક્તિનું વજન યથાવત્‌‍ જળવાઈ રહે છે.

પાચનક્રિયા માટે લાભકારક
મુખવાસ ચાવવાનો મુખ્ય લાભ જાણીએ તો પાચનક્રિયા મજબૂત બનતી હોય છે. ફાઈબરથી ભરપૂર હોવાને કારણે પાચનક્રિયા સુચારું રીતે થવા લાગે છે. મુખવાસમાં વરિયાળી, ઈલાયચી, કેસર, લવિંગ, અજમેટના ફૂલ, અજમો, દાડમના બીજ, ધાણાદાળ, ગુલકંદ, કતરી સોપારી, મીઠી સોપારી, તલ, કોપરું, ખારેક, કેરીની ગોટલી વગેરે પ્રમાણસર લેવાથી સ્વાસ્થ્ય માટે લાભકારક ગણાય છે. ભોજન બાદ મુખવાસ લેવાથી પેટ ફૂલી જવું, આફરો ચડવો, વા છૂટ કે ખાટા ઓડકાર આવવા બંધ થઈ જતાં હોય છે.

દાંત સાફ બને છે
દાંતની કાળજી લેવી અત્યંત આવશ્યક ગણાય છે. દાંતમા જો થોડો પણ કચરો ભરાઈ ગયો હોય તો વ્યક્તિ આકુળવ્યાકુળ બની જતી હોય છે. દાંતમાં ભોજન ભરાઈ જાય તે સમયે બેચેની વધી જતી હોય છે. તેથી જ ભોજન બાદ વ્યવસ્થિત કોગળા કરવાની ટેવ વડીલોમાં જોવા મળતી. મુખવાસ ચાવવાથી મોંને કસરત મળી જતી હોય છે વાસ દૂર થઈ જતાં તાજગી અનુભવાય છે. અનેક વખત દાંત પીળાશ પડતાં બની જતાં હોય છે એ સમયે જો મુખવાસ ચાવવામાં આવે તો દાંત સ્વચ્છ બની જતાં હાય છે. દાંતમાં દુખાવો હોય ત્યારે મુખવાસ ખાતી વખતે કાળજી લેવી જોઈએ.

ત્વચા – આંખ માટે ગુણકારી
મુખવાસ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેમાં ઝિંક, વિટામિન એ, કેલ્શ્યિમ, જેવા પોષક સત્ત્વો છ, જે ત્વચા, આંખો માટે વરદાન સમાન છે. ચહેરા ઉપર ખીલ કે કાળા ડાઘને થતાં રોકે છે. આંખોની રોશનીમાં સુધારો લાવે છે.

ગૅસ – સોજામાં ગુણકારી
પેટમાં ગૅસ થવો કે શરીરે સોજા આવવાનું મુખ્ય કારણ ફાઈબર, સ્ટાર્ચ, ખાંડ વગેરે પચતાં નથી. એથી જ ભારે ભોજન લીધા બાદ ખાસ મુખવાસની સગવડ કરવામાં આવતી હોય છે. એવુું સાબિત થઈ ચૂક્યું છે કે સતત એક મહિના સુધી ભોજન બાદ મુખવાસનો ઉપયોગ કરવાથી ગૅસ, પેટમાં ચૂક આવવી કે
આફરો ચડવાની તકલીફથી રાહત મેળવી શકાય છે.
મુખવાસની વિવિધતા જોઈએ તો મીઠો મુખવાસ, ખારો મુખવાસ, વરિયાળીનો મુખવાસ, મેથી મુખવાસ, મિશ્રી મુખવાસ, અળશી મુખવાસ, ગોટલી મુખવાસ, પાન મુખવાસ, અજવાંઈ મુખવાસ, સૂવાનો મુખવાસ, ચોકલેટ મુખવાસ, પાચક જીરાગોળી, દાડમવટી વગેરે જોવા મળે છે.
ગરમીમાં ખાસ ખવાતું ફળ એટલે કે કેરી. કેરીની ગોટલીનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ મુખવાસ બનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારક ગણાય છે. કેરીની ગોટલીનો મુખવાસ ઘરે બનાવવાની સરળ રીત જાણી લઈએ.

પ્રસૂતિ બાદ જરૂરી
પ્રસૂતિ બાદ માતાને સૂવા-અજમો-કોપરું, વરિયાળી વગેરે ભેળવીને ખાસ મુખવાસ બનાવીને ખવડાવવામાં આવે છે. અનેક વખત માતા પોષ્ટિક ખોરાક ખાવાનું ટાળતી હોય છે. એની આડઅસર રૂપે બાળકને આવશ્યક હોય તેટલું સ્તનમાં દૂધ બનતું નથી. તેનાથી શીશુના વિકાસ માટે સ્તનપાન કરાવવું સરળ બની જાય છે. દૂધનો પ્રવાહ વધે છે. વળી ગૅસ કે કબજિયાત થતાં રોકે છે.

કેરીની ગોટલીનો મુખવાસ
સામગ્રી :10-12 નંગ કેરીના ગોટલાં, સંચળ, જરૂર મુજબ ઘી, પ્લાસ્ટિકની શીટ.
બનાવવાની રીત : સૌ પ્રથમ કેરીના ગોટલાંને સાફ કરી લેવાં. ત્યારબાદ ગોટલાંને પ્રેશર કુકરમાં 10થી 12 સિટી લગાવીને બાફી લેવાં, ઠંડા કરીને પ્રત્યેક ગોટલાંને હળવેથી ફોડી લેવાં. ગોટલીની કાળી છાલ કાઢી લેવી. ગોટલીની કતરણ કરી લેવી. એક દિવસ તડકાંમાં પ્લાસ્ટિક શીટ ઉપર સૂકવવી. કડક થઈ ગયા બાદ તેને 1 ચમચી ચોખ્ખા ઘીમાં સાંતળી લેવી. સંચળ ભેળવીને કાચની બોટલમાં ભરી લેવી. સ્વાદિષ્ટ ગોટલીનાં મુખવાસનો આનંદ માણવો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?