સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોના જમાનામાં પાછા ફરી રહ્યા છે ફેમિલી ડૉક્ટર
કવર સ્ટોરી – શાહીદ એ ચૌધરી
મને આજે પણ સારી રીતે દાય છે. એ સમયે મારી ઉંમર 9-10 વર્ષની હશે. મારા નાના ભાઇને તાવ આવ્યો હતો. હું રમવા માટે ઘરેથી બહાર નીકળવાનો હતો ત્યારે માતાએ મને રોક્યો અને કહ્યું કે `રમવા માટે પછી જજે, પહેલા ડૉ. ચોપડાની ક્લિનિકમાંથી ભાઇ માટે દવા લઇ આવ. તેમને કહેજે કે પૈસા પછી મોકલી આપીશું.’
હું રમવા માટે મેદાનમાં જવાને બદલે ડૉ. ચોપડાસાહેબની ક્લિનિકમાં પહોંચી ગયો, જે માર ઘરથી વધુ દૂર નહોતી. મેં તેમને કહ્યું, અંકલ (અમે બધાં બાળકો તેમને ડૉક્ટરસાહેબને બદલે અંકલ કહેતાં હતાં) મારા ભાઇને તાવ આવ્યો છે. દવા આપો, માતાએ કહ્યું છે.' તેમણે મારી પાસે માત્ર એટલું જાણવા માગ્યું કે શું ખાંસી છે? મેં ના પાડ્યા બાદ તેમણે દવાનાં ત્રણ અલગ અલગ પડીકાં આપીને મને કહ્યું,
દવાની એક પડીકી અત્યારે જઇને આપી દેજે. બાદમાં ચાર-ચાર કલાકે બાકીની દવા આપવી પડશે. તારી માતાને કહેજે કે રોટલી અને ખટાશ વસ્તુ ન ખવડાવે. સાબુદાણા આપી દેજે.’ દવા લઇને હું ત્યાંથી નીકળી ગયો, પણ પૈસાની વાત કરવાનું ભૂલી ગયો અને તેમણે પણ પૈસાની વાત ન કાઢી. તેમને ખબર હતી કે પૈસા વહેલા-મોડા મળી જશે.
નાનો ભાઇ દવાના ત્રણ ભાગમાં જ સારો થઇ ગયો. આજે જ્યારે હું એ ઘટનાને યાદ કરું છું ત્યારે વિચારું છું કે ડોક્ટરે મારા ભાઇને તપાસ્યા વિના કેવી રીતે દવા આપી દીધી હતી. જોકે આજે તો ડોક્ટર પાસે જવા પહેલાં ઓનલાઇન ફી જમા કરીને ફોન પર એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. બાદમાં દર્દીને તપાસીને અનેક પ્રકારની બ્લડ તથા અન્ય ટેસ્ટ લખી આપવામાં આવે છે અને જેનો રિપોર્ટ આવ્યા બાદ અનેક દવા લખીને આપવામાં આવે છે. આ દવા તેમણે જણાવેલી દવાની દુકાનમાંથી જ ખરીદવી પડે છે, કારણ કે તે અન્ય જગ્યાએ મળતી નથી. ત્યાર બાદ પણ દર્દી સારો થવાની કોઇ ગેરેન્ટી નથી હોતી.
અમારા જે ફેમિલી ડોક્ટર હતા તે અમારા પરિવારની જીવનશૈલી, ખાણીપીણી તથા આરોગ્યને લગતી સમસ્યાઓથી વાકેફ હતા. ઘરની કોઇ વ્યક્તિ બીમાર હોય તો તેઓ ઘરે વિઝિટ કરતા અને ત્યાં કોઇના પણ ઘરે આવતા તો પડોશીઓના આરોગ્ય વિશે જાણી લેતા હતા. જરૂર પડ્યે સલાહ પણ આપી દેતા હતા.
જોકે હવે તો ગેસને કારણે છાતીમાં દુખાવો ઊપડે એટલે કાર્ડિયોલોજિસ્ટ પાસે જતા રહો. પેશાબમાં બળતરા થતી
હોય તો યૂરોલોજિસ્ટને ક્નસલ્ટ કરો. નાકમાં સમસ્યા છે તો ઇએનટીને શોધો. ફેમિલી ડોક્ટર શર્દીથી લઇને સ્ટ્રોક સુધીની સારવાર કરતા હતા, કારણ કે તે આપણા આરોગ્ય વિશે સારી રીતે વાકેફ હતો.
ફેમિલી ડોક્ટરો પોતાના દર્દીઓ પ્રતિ સંવેદનશીલ હોય છે અને તેમની સાથે ગાઢ અને લાંબા સમયના સંબંધ પ્રસ્થાપિત
કરે છે. બીમારી તથા ઇજાની સારવાર કરવા ઉપરાંત તેઓ દર્દીઓને સંતુલિત આહારની સલાહ આપે છે અને સાથે જ કસરતનું મહત્ત્વ તથા અન્ય આદતો વિશે જણાવે છે. તેઓ સમાજમાં સ્વાસ્થ્ય વિશે જાણકારી ફેલાવવા મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
જોકે ફેમિલી ફિઝિશિયને તબીબી ક્ષેત્રમાં સામાન્ય રીતે કોઇ સ્પેશિયલાઇઝેશન કરેલું હોતું નથી, પણ તેઓ દરેક પ્રકારની સામાન્ય બીમારીની સારવાર કરવામાં સક્ષમ હોય છે. કારકિર્દીના રૂપમાં ફેમિલી ફિઝિશિયન આજે એક સારો વિકલ્પ છે.