મલેશિયા બેડમિન્ટન માસ્ટર્સની આવતીકાલથી શરૂઆત
ચેમ્પિયન બનવાના ઇરાદા સાથે ઉતરશે પીવી સિંધુ
કુઆલાલંપુરઃ મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુનામેન્ટની આવતીકાલથી શરૂઆત થશે. આ ટુનામેન્ટમાં ભારતીય મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ વાપસી કરી છે અને તે ટુનામેન્ટ જીતી તેનું મનોબળ વધારવાનું લક્ષ્ય રાખશે.
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સિંધુએ ઉબેર કપ અને થાઈલેન્ડ ઓપનમાં ભાગ લીધો ન હતો. તેણી આ બીડબલ્યૂએફ વર્લ્ડ ટૂર સુપર 500 ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં સારું પ્રદર્શન કરવાનું લક્ષ્ય રાખશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ઘૂંટણની ઈજામાંથી સ્વસ્થ થયા બાદથી તે ફોર્મમાં નથી.
આ પણ વાંચો : ક્યારેક બેડમિન્ટન રમવાનું તો ક્યારેક લોકલ ટ્રેનમાં મુસાફરી, આ રીતે સુપ્રિયા સુળે કરે છે ચૂંટણી પ્રચાર
ઓલિમ્પિકમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનારી સિંધુ છમાંથી માત્ર બે સ્પર્ધામાં જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. છેલ્લી વખત તેણીએ 2022 સિંગાપોર ઓપનમાં ટાઇટલ જીત્યું હતું. પ્રથમ રાઉન્ડમાં તેનો સામનો સ્કોટલેન્ડની કિર્સ્ટી ગિલમોર સામે થશે.
આ ટૂર્નામેન્ટમાં એંગ સી યંગ, ચેન યુ ફેઈ, અકાને યામાગુચી અને કેરોલિના મારિન જેવા સ્ટાર્સ ભાગ લઈ રહ્યા નથી. સિંધુ એવા યુવા ખેલાડીઓનો સામનો કરશે જેમણે તેને અગાઉ પણ પરેશાન કરી છે. પુરૂષ કેટેગરીમાં કિરણ જ્યોર્જ એકમાત્ર ભારતીય છે જે પોતાની પ્રથમ મેચ જાપાનના તાકુમા ઓબાયાશી સામે રમશે.