શનિવારની રાતે
ટૂંકી વાર્તા – યશવંત કડીકર
એ કોલોનીમાં માર્ગારેટનું આવવું એ દુનિયાની આઠમી અજાયબી જેવું હતું. માર્ગારેટ વિલિયમ બધા માટે આશ્ચર્ય હતું. ફક્ત આશ્ચર્ય. એના આવવાથી આખી કોલોનીમાં હલચલ મટી ગઈ હતી. મકાનમાલિકે એડવાન્સ લઈને મકાન ભાડે આપ્યું હતું નહીં તો વર્ષોથી આ મકાનમાં તાળું લાગેલું હતું. ગરમીની ઋતુમાં તો આ મકાન અખાડા જેવું લાગતું હતું. ચાર દીવાલો પરથી કૂદીને બાળકો જામફળ તોડીને લઈ જતાં, સોસાયટીની ટીમોમાં હોડ જામતી, કે કોણ આવીને પહેલાં આ જમરૂખવાળા ઘરમાં અડ્ડો જમાવે.
જાણે રિઝર્વેશન કરાવ્યું હોય, એમ કોઈ ટીમવાળા આવીને અડ્ડો જમાવતા. પછી કલાકો સુધી એમનો આ જગ્યા પર કબજો રહેતો, પરંતુ જ્યારથી માર્ગારેટ વિલિયમ આ ઘરમાં આવી ત્યારથી કોઈની હિંમત નહોતી ચાલતી કે ફાટક ખોલીને અંદર આવે. આમે માર્ગારેટ વિલિયમે દરવાજે કૂતરાથી સાવધાન'ની તક્તી લગાવી હતી. માર્ગારેટ સવાર-સાંજ કૂતરાને લઈને બહાર નીકળતી ત્યારે એને સંતાઈને જોવાનું બધાને ગમતું. પૂરું ઊંચું કદ, ઊજળો રંગ, સ્ટાઈલથી કાપેલા વાળ, સશક્ત દેહ, અણીદાર નાક અને આકર્ષક દેખાવ. ઉંમર લગભગ ત્રીસ-પાંત્રીસની આજુબાજુ. સોસાયટીના કેટલાક પુરુષોએ તો પોતાનો
શેવિંગ’ (દાઢી બનાવવાનો) સમય પણ નક્કી કરી દીધો હતો.
માર્ગારેટ વિલિયમ જેવી કૂતરાને લઈને બહાર નીકળતી, લોકો પોતાની બારીઓમાંથી કે વરંડામાં બહાર આવી જતા અને શેવ' કરવા લાગતા. શ્રીમતી દેસાઈ અને શ્રીમતી પંડ્યાને તો પોતાના પતિઓ પર
કડક નજર’ રાખવી પડતી. માર્ગારેટ વિલિયમના સોસાયટીમાં આવવાથી એમની દશા કંઈક વધુ બગડી હતી. લાખ્ખો કામનું દબાણ રહેતું. બાળકો શાળાએ જવા માટે મોડાં તૈયાર થતાં, પતિના લંચ-બોક્સ માટે એક જ શાક બની શકતું, પરંતુ પોતાના પતિને માર્ગારેટથી બચાવવા માટે તે રસોડામાંથી બહાર આવવાનું ના ચૂકતી.
કોલોનીની આ નવી પરિસ્થિતિથી જો કોઈને લાભ થયો હોય તો તે શાંતાને. શાંતા ઘરનું કામકાજ કરનારી કામવાળી હતી. એ ફક્ત એવાં જ ઘરોમાં કામ કરતી, જ્યાં જમવાનું ગેસ પર બનતું હોય, ફ્રિજનું ઠંડું પાણી પીવા મળતું હોય અને સાંજના સમયે ટી.વી. જોવામાં કોઈ ટોકતું ના હોય. જો શાંતાને એની પસંદગી પ્રમાણે ઘરકામ કરાવનાર કોઈ ગ્રાહક ના મળતો તો તે એમનું કામ કરવાનું પસંદ ના કરતી, પરંતુ બધાએ એને `માહિતી અધિકારી’ બનાવી દીધી હતી. એની પાસેથી તાજા-તાજા સમાચાર જાણી લેવા માટે બધા આતુર રહેતા.
કોલોનીની આગેવાન શ્રીમતી શેઠ એને ગરમાગરમ ચા પરોઠા આપતા. શાંતાના વહેવાર, વર્તન, નખરાં અને અદામાં પરિવર્તન આવતું જતું હતું. નવી શેઠાણીને ત્યાં કામ કરવાથી જાણે એના ભાગ્યની લોટરી' ખૂલી ગઈ. સવારે વહેલાં-વહેલાં શાંતા માર્ગારેટની સેવામાં હાજર થઈ જતી.
બેડ ટી’ પણ તે શાંતાના હાથમાંથી જ પીતી. બે ત્રણ માસમાં જ તે માર્ગારેટ વિલિયમના ઊતરેલાં કપડાંથી વટ પડવા લાગી હતી.
બીજું તો ઠીક, પણ હવે શાંતા આખી કોલોનીમાં ભટકી – ભટકીને કામ નહોતી કરતી. ફક્ત સવારથી સાંજ માર્ગારેટ વિલિયમના ત્યાં જ કામમાં લાગેલી રહેતી. માર્ગારેટના ઓફિસ ગયા પછી અગિયાર વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી એ ઘરની શેઠાણી તરીકે રહેતી. એક રહસ્ય શાંતા આજ સુધી નહોતી સમજી શકી કે ના આ વિશે એણે કોઈની સાથે ચર્ચા કરી.
દર શનિવારે સાંજના માર્ગારેટ શાંતાને જવા ના દેતી. એ સાંજના રસોડામાં ખૂબ સરસ જમવાનું બનતું. જાતજાતના શાકભાજી, પરોઠા, દાલફ્રાય અને સ્વીટ. કેટલીક વસ્તુ શાંતા બનાવતી, કેટલીક વસ્તુ માર્ગારેટ પોતે બનાવતી. તે એવો સરસ મસાલો પીસતી કે શાંતાના મોંમાં પાણી આવી જતું. લગભગ સાડા આઠ વાગ્યે રસોડામાં બધી તૈયારી થઈ જતી ત્યારે શાંતાને ડાઈનિંગ ટેબલ ગોઠવવાનો આદેશ આપીને માર્ગારેટ વિલિયમ બાથરૂમમાં ઘૂસી જતી. અડધો કલાક પછી જ્યારે બાથરૂમ ખૂલતો ત્યારે એક વિશિષ્ટ પ્રકારની સુગંધ ચારેબાજુ ફેલાઈ જતી. પછી માર્ગ્ાારેટ વિલિયમ ખૂબ કીમતી સાડી પહેરીને મેક-અપ કરવા બેસી જતી. થોડો ગાઢો મેક-અપ કરીને સાડીને મેચ થતો સેટ પહેરતી. શાંતા વિસ્મયથી એની શેઠાણીનું રૂપ જોતી રહેતી. એ રાતના સાડા નવથી દસની વચ્ચે બે ગાડીઓ આવતી. કેટલીક સ્ત્રીઓ અને કેટલાક પુરુષો આવતાં.
ખાવા-પીવાનું એક-બે કલાક ચાલતું. દિવસ આખાની થાકેલી શાંતા રાત્રે બાર વાગ્યે જમી-પરવારીને શેઠાણીનો હુકમ થતાં જ કૂતરાને લઈને સ્ટોરરૂમમાં સૂવા ચાલી જતી.
સવારે આંખ ખૂલતાં જ શાંતા `બેડ-ટી’ આપવા માટે એની શેઠાણીના રૂમમાં જતી ત્યારે એની શેઠાણી રૂમમાં ઉદાસ અને ચૂપચાપ બેઠી હોય. એની શેઠાણીનો થાકેલો ચહેરો એવો લાગતો કે એક જ રાત નહીં, કેટલીય રાતો એણે ચિંતામાં બેસીને વિતાવી હોય. શાંતા છેલ્લા છ માસથી એની શેઠાણીનો દર શનિવારનો આ ક્રમ જોતી, પણ એની હિંમત ચાલતી ન હતી કે એ શેઠાણીને કંઈ પૂછી શકે. તે ચૂપચાપ રૂમમાં પડેલા સિગારેટના ટુકડાને ભેગા કરતી, કાચના ખાલી ગ્લાસ ઉઠાવીને રૂમની બહાર ચાલી જતી. શાંતાએ આ વાતની ચર્ચા આજ સુધી કોઈની સાથે કરી નહોતી. તે તો એટલું જ જાણતી હતી કે મેમસાહેબ, અહીં બિલકુલ એકલી છે. શાંતા દરેક શનિવારની સાંજ અને રવિવારની સવારનું રહસ્ય નહોતી સમજી શકી.
એ દિવસે બપોરે શાંતા દરવાજે તાળું મારીને રસ્તા પર આવેલા મૂકેશ સ્ટોર્સમાં ગઈ હતી. શાંતાને બહાર તડકે બેઠેલી સ્ત્રીઓએ ઘેરી લીધી. શ્રીમતી દેસાઈ બોલી – અરે શાંતા, તારી સુંદરતા તો દિવસે દિવસે વધતી જાય છે.' બધી સ્ત્રીઓ ખડખડાટ હસી પડી. શ્રીમતી પંડ્યાએ મુદ્દાની વાત પર આવતાં કહ્યું -
અરે શાંતા, એ તો કહે કે તારી શેઠાણીએ લગ્ન-વિવાહ…’ શાંતાએ એની વાત કાપતાં કહ્યું – બસ એટલું કહે છે કે મારે મા-બાપ નથી.' શ્રીમતી શેઠે કહ્યું -
શું એ કોઈની સાથે હળતી-મળતી નથી? કોઈ બહારથી પણ નથી આવતું?’
શાંતાએ ચિડાઈને કહ્યું – જુઓ બહેનો, ખરાબ ના લગાડતાં, તમે પણ કોઈ દિવસ એમનાં સુખ-દુ:ખ પૂછવા આવતાં નથી. બાળકોને પણ એની પાસે જવા દેતાં નથી.' શ્રીમતી શેઠે કહ્યું -
અમે તારી મેમસાહેબને મળવા ઈચ્છીએ તો તે મળશે?’
શાંતાએ ખુશ થતાં કહ્યું – હા, કેમ નહીં, હું આજે જ કહીશ.' અને એણે ચાલવા માંડ્યું. શ્રીમતી દેસાઈએ કહ્યું -
આ વિચાર તો જરા પણ ખોટો નથી, એને જરૂર મળી શકાય.’
એ દિવસે શનિવાર હતો. હંમેશની જેમ શાંતા અને માર્ગારેટ વિલિયમ રસોડામાં કામે લાગેલાં હતાં. સ્નાન કર્યા પછી જેવી માર્ગારેટ વિલિયમ બાથરૂમમાંથી બહાર નીકળી, તો ચારેબાજુ સુગંધસુગંધ ફેલાઈ ગઈ. શાંતાને આશ્ચર્ય તો એ વાતનું થયું કે આટલી ઠંડીમાં પણ શનિવારની સાંજના મેડમ સ્નાન જરૂર કરે છે.
સાડા નવથી પોણા દસની વચ્ચે બે ગાડીઓ આવી. જેમાં કેટલીક સ્ત્રીઓ અને પુરુષો હતાં. ખાવા-પીવાનું ચાલતું રહ્યું, શાંતા આજે મેડમના આદેશ પ્રમાણે ઊંઘવા નહોતી ઈચ્છતી, છતાં મેમસાહેબના કહેવાથી એને કૂતરાને લઈને જવું પડ્યું. શાંતાને આજે ઊંઘ આવતી નહોતી. તે મોટા હોલના દરવાજા પાછળ ઊભી રહી. એણે જોયું કે બધા ખૂબ જ ખુશ છે. બધા અવાજોની વચ્ચે એની મેમસાહેબ ઊભી થાય છે અને રેડિયોગ્રામની ઉપર રાખેલી રેકોર્ડમાંથી એક રેકોર્ડ કાઢી વાગવા માટે મૂકી દે છે. ડાન્સ માટે એના પગ થનગની રહ્યા છે, એ ઈચ્છે છે કે કોઈ એની સાથે ડાન્સ કરે… `યસ… યસ…’ કહેતી તે હાથ લંબાવે છે. પરંતુ બધા મહેમાન પૂતળાંની જેમ બેસી રહે છે.
માર્ગારેટ વિલિયમના મોં પરનો આનંદ અચાનક ચાલ્યો જાય છે. તે ઉદાસ બની ગેલેરી તરફ ચાલી જાય છે. રેકોર્ડ વાગી રહી છે. આ રેકોર્ડ દર શનિવારની પાર્ટીમાં વાગે છે. શાંતા એની ધૂનથી પરિચિત છે. પણ રેકોર્ડ વાગતાં શું થાય છે, તે એ જાણતી નહોતી. આજે જે મહેમાન આવ્યા, તેમાં એક નવો ચહેરો પણ હતો. સશક્ત અને ખૂબ સુંદર. ઉંમર અંદાજે ચાલીસની આસપાસ હશે. એક ખૂબ જ જાણીતો ચહેરો અંકલ જોનીનો હતો. તે આધેડ ઉંમરના જરૂર હતા, પરંતુ એમનો વહેવાર માર્ગારેટ વિલિયમ સાથે મિત્ર જેવો હતો. શાંતાએ સાંભળ્યું. અંકલ જોનીને નવા ચહેરાને કહ્યું – ડેવિડ, બસ અહીંથી આ વાર્તાની ટે્રજેડી' શરૂ થાય છે. એવું બનતું હતું કે
વિલિયમ મુંબઈથી દૂર એક ફેક્ટરીમાં કામ કરતો હતો. શહેરથી દૂર ફેક્ટરીના વાતાવરણમાં રહેવાનું ના વિલિયમને પસંદ હતું કે ના માર્ગારેટને, અને ફેક્ટરીના જવાબદાર અધિકારી હોવાના કારણે રોજ સુરત આવવું પણ સંભવિત નહોતું, પરંતુ શનિવારની રાતે તે જરૂર આવતા હતા. એમની ટે્રન સુરત સ્ટેશન પર નવ સવા નવ વાગ્યે પહોંચતી હતી. તે ટેક્સી કરી સીધા ઘેર આવતા. જ્યાં એમની વહાલી માર્ગારેટ બધા મિત્રો સાથે પાર્ટી માટે રાહ જોતી રહેતી. માર્ગારેટને વિલિયમના આવવાની એટલી પાકી ખાતરી હતી કે રેકોર્ડ શરૂ થતાં જ વિલિયમ તરત આવી જતાં. પછી ડાન્સ થતો. ખાવાપીવાનું થતું અને મોડી રાત્રે સૌ પોત-પોતાના ઘેર ચાલ્યા જતાં.’
અંકલ જોની એક ઊંડો શ્વાસ લઈને બોલ્યા – પરંતુ એક દિવસ વિલિયમની ટે્રનને અકસ્માત નડ્યો ફિશ પ્લેટ કાઢી નાખવાના કારણે એન્જિન અને ડબ્બા પાટા પરથી ઊતરી પડ્યા. એમાં વિલિયમ પણ હતો. એ રાતના માર્ગારેટ વિલિયમની રાહ જોતી રહી. સવારના છાપામાં અકસ્માતના ભોગ બનેલાના નામોમાં વિલિયમનું નામ પણ હતું. પરંતુ માર્ગારેટ પર આ ઘટનાની કોઈ અસર ના થઈ. તે બોલી
ના, એવું ના બને. વિલિયમને કોઈ કારણે ફેક્ટરીમાં રોકાવું પડયું હશે. એક્સિડન્ટમાં બીજા કોઈ વિલિયમનું મૃત્યુ થયું હશે. માર્ગારેટનો આ વિશ્વાસ ખૂબ પાકો હતો. છેવટે મેં નક્કી કર્યું કે હું એને અમદાવાદ લઈ જાઉં. જગ્યા બદલવાથી એને વાસ્તવિકતાનો ખ્યાલ આવે. ત્યાં એને એક સારી ફેક્ટરીમાં નોકરી અપાવી દીધી છે. બધું બરાબર છે, પરંતુ દર શનિવારે એ વિલિયમની રાહ જુએ છે.’
અચાનક અંકલ જોની ઊભા થયા. એમણે ડેવિડને કહ્યું – શું ડેવિડ, તમે માર્ગારેટ માટે વિલિયમ ના બની શકો? હું જાણું છું કે આ લગ્ન...' અને રેકોર્ડ વાગવી અચાનક જ બંધ થઈ ગઈ. માર્ગારેટ સોય ઉઠાવીને સ્ટેન્ડ પર મૂકી દીધી હતી. વાતાવરણ સૂમસામ બની ગયું. બધા ચૂપચાપ ઊભા થઈને ડાઈનિંગ ટેબલ ઉપર આવીને જમવા બેસી ગયા. અંકલ જોનીના ગળામાં કંઈક ફસાઈ ગયું અને તેઓ સતત ઉધરસ ખાવા લાગ્યા. માર્ગારેટે એમને પાણી પાયું, અને પછી અંકલ તરફ ભીંજાયેલી આંખે જોઈને કહ્યું,
અંકલ આવતા શનિવારે તો વિલિયમ જરૂર આવશેને?’ અંકલ કશું ના બોલ્યા. માથું ઝુકાવી દીધું. રાત ઘેરાવા લાગી છે. ધીમે ધીમે ઊઠીને બધા ચાલ્યા જાય છે. શાંતા જોઈ રહી છે.
મેમસાહેબનો ચહેરો ફિક્કો અને ઉદાસ છે. ક્યાંય સુધી તે બધાને જતાં જોઈ રહે છે. જતી ગાડીઓનો પ્રકાશ પાછળ અંધારું છોડી જાય છે. માર્ગારેટ ખૂબ થાકેલી. સૂનમૂન પોતાના રૂમમાં આવી જાય છે. શાંતાને થાય છે કે પોતે ઉદાસ મેમસાહેબ પાસે પહોંચી જાય છે. પણ એને ભય લાગે છે. તે સ્ટોર રૂમમાં ચાલી જાય છે. આજે શાંતા મેમસાહેબને ગોળી માટે પણ નથી પૂછી શકતી. કાચનો ખાલી ગ્લાસ લઈને બહાર ચાલી જાય છે. દરેક શનિવાર પછીની બીજી સવારે એને આવું જ કરવું પડે છે.