ગુજરાત વિદ્યાપીઠે વાર્ષિક ફીમાં 35 ટકાનો તોતિંગ વધારો જાહેર કર્યો, વિદ્યાર્થીઓમાં જબરદસ્ત રોષ
અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠ(Gujarat Vidhyapith) દ્વારા ફરી એક વખત તોતિંગ ફી વધારો (Fee Hike)કરવામાં આવ્યો છે. ગાંધીજીએ વિદ્યાપીઠ ફી માટે નહીં પણ છેવાડાના વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મળે તે માટે સ્થાપના કરી હતી. જો કે નવા મેનેજમેન્ટને તે માત્ર ફી વસૂલવામાં જ રસ હોય તેવું દેખાઈ રહ્યું છે.
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ચાલુ વર્ષે એટલે કે, વર્ષ-2024-25ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે નવુ ફી માળખુ જાહેર કર્યું છે. જે મુજબ વિદ્યાપીઠ દ્વારા જાહેર કરાયેલા ફી માળખા મુજબ વાર્ષિક ફીમાં 35 ટકા જેટલો વધારો ઝીંકાયો છે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓના માથે 270 ટકા જેટલો ફી વધારો ઝિંકતા આક્રોશ ફેલાયો હતો.
ગૂજરાત વિદ્યાપીઠના નવા મેનેજમેન્ટ દ્વારા UG કોર્સની ગત વર્ષે વાર્ષિક ફી રૂપિયા 5200 હતી જે વધારીને 7000 કરવામાં આવી છે. જ્યારે PGની વાર્ષિક ફી રૂપિયા 6200 હતી જે વધારીને 8000 કરવામાં આવી છે.
આ ફી માળખું નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લાગું પડશે. જૂના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જૂની એટલે કે , ગત વર્ષે જાહેર કર્યા મુજબની ફી ભરવાની રહેશે. આ મુદ્દે વિદ્યાપીઠના અધિકારીઓ જણાવે છે કે, વિદ્યાપીઠ એક પણ હાયર પેમેન્ટ કે સેલ્ફ ફાયનાન્સ કોર્સ ચલાવતી નથી તેમજ સ્નાતક અને અનુસ્નાતકનું સમાન અને સરળ માળખું છે.
નવી ફી માળખા મુજબ UGના કોર્સમાં ટ્યુશન ફી રૂપિયા 2500, સ્ટેશનરી ફી 250, સ્પોર્ટ અને કલ્ચરલ એક્ટિવિટી ની ફી 250, EPC ફી 250, લાઈબ્રેરી ફી 250 મળી એક સત્રની કુલ ફી રૂપિયા 3500 કરવામાં આવી છે. જે ગયા વર્ષે રૂપિયા 2600 હતી.
આવી જ પ્રકારે PG કોર્સમાં ટ્યુશન ફી 3000, સ્ટેશનરી ફી 250, સ્પોર્ટ અને કલ્ચરલ એક્ટિવિટી ની ફી 250, EPC ફી 250, લાઈબ્રેરી ફી 250 મળી એક સત્રની કૂલ ફી રુપિયા 4000 કરવામાં આવી છે, જે ગત વર્ષે રૂપિયા 3100 હતી.
આ સિવાય લેબોરેટરી, સાયન્સ વિષય, કમ્પ્યુટર, ફિઝિકલ એજ્યુકેશનના યુજી કોર્સમાં વધુ 1000 સાથે 4500 જ્યારે પીજીમાં વધુ રૂપિયા 3000 સાથે કૂલ ફી 7000 તેમજ પીજી ડિપ્લોમા અને ઓડિયો વિઝ્યુઅલ માં રૂપિયા 10,000 એક સત્ર માટેની ફી નિર્ધારીત કરાઈ છે.
અત્રે નોંધવા જેવી બાબતે એ છે કે ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતાં 80 ટકાથી વધુ વિદ્યાર્થી અંતરિયાળ વિસ્તારમાંથી અને ગરીબ-મધ્યમવર્ગમાંથી આવે છે. તેમના માટે તો આ તોતિંગ ફી વધારો મરણતોલ ફટકા સમાન છે. ફી વધારા લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું છે કે ફી વધવાથી ગરીબ અને આદિવાસી બાળકો વિદ્યાપીઠમાં અભ્યાસ નહીં કરી શકે.