આખરે મહિલાઓ બની રણચંડી ને…
રાજકોટમાં બુટલેગરના ત્રાસથી મહિલાઓ રણચંડી બની હતી. રાજકોટ જિલ્લાના મોટીમારડ ગામના ખોડીયાર નગર-2 વિસ્તારમાં ઘણા સમયથી દેશી દારુનું વેંચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી છે. તંત્રને અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતા પણ દારૂનું દૂષણ બંધ ન થતા મહિલાઓ આ અડ્ડા બંધ કરાવવા જાતે જ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના મોટીમારડ ગામના ખોડીયાર નગર-2 વિસ્તારમાં ઘણા સમયથી દેશી દારૂનું વેંચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી છે. આ બાબતની પોલીસ તથા જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી ચૂકી છે, તેમ છતા તેમના પેટનું પાણી ન હલતા મહિલાઓ જાતે જ દારૂના અડ્ડે પહોંચીને જનતા રેડ પાડી હતી. મોટીમારડના મહિલા સરપંચ તથા સ્થાનિક મહિલાઓને સાથે રાખીને મહિલાઓએ જનતા રેડ પાડી હતી. મહિલા ઓએ જે ઓરડીમાં દેશી દારૂનો જથ્થો પડ્યો હતો તે ઓરડીનું તાળુ તોડીને જનતા રેડ પાડી ઓરડીમાંથી દેશી દારૂનો જથ્થો પકડી પાડી જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દેશી દારુનો વેપલો ચાલી રહ્યો છે અને દારુ પીનારા લોકોથી બેન દિકરીઓની કોઈ સુરક્ષા નથી. જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમારે હિજરત કરવાની ફરજ પડશે. આ મામલે પોલીસ સૂત્રોનો સંપર્ક થઈ શક્યો ન હતો.