Bangaladesh ના સાંસદ ભારતમાં ગુમ થવાની આશંકા, છેલ્લું લોકેશન મુઝફ્ફરપુરમાં મળ્યું
New Delhi: બાંગ્લાદેશના (Bangaladesh) સાંસદ અનવારુલ અઝીમ અનાર(Anwarul Azim Anar) ભારતમાં ગુમ થયા હોવાની બાબત સામે આવી છે. તેમનું છેલ્લું લોકેશન બિહારના મુઝફ્ફરપુરમાં મળ્યું હતું. જે બાદ સાંસદનો પરિવાર તણાવમાં છે. તેમની પુત્રીએ ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચને મદદ માટે અપીલ કરી છે. અનવારુલ અઝીમ અનાર બાંગ્લાદેશના ઝેનાઈદહ-4 મત વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે.
સાંસદ અઝીમને શોધવા માટે ભારતીય પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છે
અનવારુલ અઝીમના ગુમ થવાના સમાચાર તેની પુત્રી મુમતરીને પ્રેસ કોન્ફરન્સમાં આપ્યા હતા. અને ઢાકા પોલીસની મદદ માંગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાંસદ અનવારુલ અઝીમ સારવાર માટે ભારત જતા સમયે ગુમ થઈ ગયા હતા. તેમની પુત્રી આ બાબતે ડીબી ચીફ અને એડિશનલ પોલીસ કમિશનર હારુન-યા-રશીદને મળી હતી. ડીબી પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ સાંસદ અઝીમને શોધવા માટે ભારતીય પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છે.
12 મેના રોજ દર્શના-ગેડે બોર્ડરથી ભારતમાં પ્રવેશ્યા હતા
પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચના ચીફ હારૂને જણાવ્યું કે તેના ભારતીય મોબાઈલ ફોન નંબરનું છેલ્લું લોકેશન બિહારના મુઝફ્ફરપુરમાં મળ્યું હતું. સાંસદ અનવારુલ અઝીમ 12 મેના રોજ દર્શના-ગેડે બોર્ડરથી ભારતમાં પ્રવેશ્યા હતા. ત્યાં ગોપાલ નામના વ્યક્તિના ઘરે રોકાયા હતા. બીજા દિવસે નાસ્તો કરીને ઘરેથી નીકળી ગયા. તે સાંજે ઘરે પરત આવવાના હતા. પરંતુ તે પરત આવ્યા ન હતા. એટલું જ નહીં 16 મેના રોજ સવારે સાંસદના બે મોબાઈલ ફોન નંબર પરથી ડીબી ચીફ અને ઝેનાઈદહ જિલ્લા અવામી લીગના જનરલ સેક્રેટરી સૈયદુલ કરીમ મિન્ટુના ફોન પર ફોન આવ્યો હતો. પરંતુ તેમાંથી કોઈ કોલ રિસીવ કરી શક્યું ન હતું.
કાનની સારવાર માટે અનવારુલ અઝીમ ભારત આવ્યા છે
ડીબી ચીફે એમ પણ કહ્યું કે અઝીમના ગુમ થવા અંગે તેણે ભારતીય સ્પેશિયલ ટાસ્ક ફોર્સનો સંપર્ક કર્યો છે. તેઓ આ મુદ્દે સાથે મળીને કામ કરી રહ્યા છે. કાનની સમસ્યાની સારવાર માટે અનવારુલ અઝીમ ભારત આવ્યા છે. સામાન્ય રીતે તેમનો એક કાન બંધ રહે છે. તે અવારનવાર સારવાર માટે ભારત આવે છે. સાંસદની પુત્રીનું કહેવું છે કે છેલ્લા ત્રણ દિવસથી અમે અમારા પિતાનો ફોન પર સંપર્ક કરી શક્યા નથી.