Loksabha Election 2024 : મહારાષ્ટ્રમાં મુંબઈની છ સહિત કુલ 13 બેઠકો પર મતદાનનો પ્રારંભ , અક્ષય કુમારે નાગરિકતા મળ્યા બાદ પ્રથમ વાર મતદાન કર્યું
મુંબઈ : મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના(Loksabha Election 2024) પાંચમા તબક્કામાં આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. મુંબઈની(Mumbai)છ સહિત કુલ 13 બેઠકો પર મતદાન શરૂ થયું છે. આજે મતદારો મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-પશ્ચિમ, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ દક્ષિણ-મધ્ય, મુંબઈ દક્ષિણ, થાણે, કલ્યાણ, પાલઘર, ધુલે, ડિંડોરી, નાસિક અને ભિવંડી બેઠકો પર મતદાન કરશે.
પાંચમા તબક્કાના મુખ્ય ઉમેદવારો
મહારાષ્ટ્રના અગ્રણી ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, અભિનેતા-રાજકારણી ભૂષણ પાટીલ, ઉજ્જવલ નિકમ, વર્ષા ગાયકવાડ, અરવિંદ સાવંત, યામિની જાધવ, સાંસદ રાહુલ શેવાળે, પૂર્વ સાંસદ અનિલ દેસાઈ, રવિન્દ્ર વાયકર, અમોલ કીર્તિકર, શ્રીકાંત શિંદે અને હેમંત તુકારામ ગોડસેનો સમાવેશ થાય છે. પાંચમા તબક્કામાં તમામની નજર આ ઉમેદવારો પર રહેશે.
પીયૂષ ગોયલે મતાધિકારનો ઉપયોગ કર્યો
કેન્દ્રીય મંત્રી અને મુંબઈ નોર્થથી ભાજપ ઉમેદવાર પીયૂષ ગોયલ પોતાનો મત આપવા માટે મુંબઈના પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા. જ્યારે RBI ગવર્નર શક્તિકાંત દાસ પણ પોતાનો મત આપવા પરિવાર સાથે મુંબઈ પહોંચ્યા હતા.
ફરહાન અખ્તર અને બહેન ઝોયાએ મત આપ્યો
અભિનેતા ફરહાન અખ્તર અને તેમની બહેન ઝોયા અખ્તરે મુંબઈના મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું હતું.
વોટ આપ્યા બાદ અક્ષય કુમારે શું કહ્યું?
અભિનેતા અક્ષય કુમાર પોતાનો મત આપવા માટે મુંબઈના બૂથ પર પહોંચ્યા હતા. તેમને ગયા વર્ષે જ ભારતીય નાગરિકતા મળી હતી. આ પૂર્વે તેમની પાસે કેનેડાની નાગરિકતા હતી.મત આપ્યા બાદ અક્ષય કુમારે કહ્યું કે હું વિકસિત અને મજબૂત ભારત ઈચ્છું છું. મેં આ વિચારને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે.
અનિલ અંબાણી મતદાન માટે લાઈનમાં ઉભા રહ્યા
ઉદ્યોગપતિ અનિલ અંબાણી મતદાન કરવા મુંબઈના બૂથ પર પહોંચ્યા હતા. તેઓ સામાન્ય મતદારો વચ્ચે લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. જેની બાદ તેમણે મતદાન કર્યું હતું.