ધર્મતેજ

ભયથી ભાગે એ સાધુ ન હોય

વિશેષ -રાજેશ યાજ્ઞિક

ભય મનુષ્યના સ્વભાવનું એક અંગ છે. મનુષ્ય કેટલાય ભયથી પીડાય છે. જન્મતાની સાથે મૃત્યુનો ભય, દુ:ખનો ભય, સંપત્તિ ગુમાવવાનો ભય, સ્વજનો ગુમાવવાનો ભય, અસફળ થવાનો ભય, એવા ગણ્યા ગણાય નહીં તેટલા ભય આપણી અંદર ઘર કરીને બેઠા છે.

આપણા જીવનમાં એટલાં ભય વ્યાપેલા હોય છે કે તેની ગણતરી કરવી મુશ્કેલ છે. પહેલાના જન્મોના ભય પણ મનમાં જન્મથી મોજુદ હોય છે. ભર્તૃહરિએ એક જ શ્ર્લોકમાં મનુષ્યોને કેટલા ભય હોય છે તેનું સુંદર વર્ણન કર્યું છે,

ભોગે રોગ ભયં, કુલે ચ્યુતિ ભયં વિત્તે નૃપાલાદ ભયં
મૌને દેન્ય ભયં બલે રિપુ ભયં રુપે જરાયા ભયં
શાસ્ત્રે વાદ ભયં ગુણે ખલ ભયં કાયે કૃતાંતાદ ભયં
સર્વ વસ્તુ ભયાન્વિતમ ભુવિ ન્રુનામ વૈરાગ્ય મેવાભયં
ભોગો ભોગવનારને રોગનો ભય હોય છે, કુળવાનને ભ્રષ્ટ થવાનો ભય હોય છે, જેની પાસે બહુ ધન હોય તેને રાજા (આજના સમયમાં સરકારના ટેક્સનો!!) ભય હોય છે, તેનો ન હોય તો ચોરોનો તો હોય જ. મૌન રહેનાર (અર્થાત મિતભાષી વ્યક્તિને) લોકો દીન અર્થાત ગરીબડો સમજી લે તેવો ભય હોય છે, રૂપવાનને વૃદ્ધવસ્થાનો ડર સતાવે છે, શાસ્ત્રના જાણકારને વાદ-વિવાદનો ભય હોય છે, ગુણવાનને મુર્ખાઓનો ભય લાગે છે, એક માત્ર વૈરાગ્ય અભય છે.

અન્ય વ્યક્તિથી અસુરક્ષા અનુભવતો મનુષ્ય તેને ભયભીત કર્યા કરે જેથી પોતે સુરક્ષિત રહે! જગતના તાનાશાહો પણ આવા ભયભીત મનુષ્યો જ હતા. પણ જે સાધુ, અર્થાત કે સજ્જન છે તે ભય પામતા નથી અને વિના કારણ કોઈને ભયભીત કરતા પણ નથી. રાવણની લંકા પર ચડાઈ કરતા પહેલા શ્રી રામે સમુદ્રને માર્ગ આપવા વિનંતી કરી હતી. સમુદ્રને આગ્રહ કરતા ત્રણ દિવસ વીતી ગયા, છતાં સમુદ્ર માન્યો નહીં, ત્યારે શ્રી તુલસીદાસજી શ્રી રામના મુખમાં શબ્દો મૂકે છે,

‘વિનય ન માનત જલધિ જડ, ગએ તીનિ દિન બિતી,
બોલે રામ સકોપ તબ, ભય બિનુ હોઈ ન પ્રીતિ’
ભગવાન કૃષ્ણએ પણ પોતાના પ્રિય પાર્થને શ્રીમદ ભગવદ ગીતાના સોળમા અધ્યાય ’દૈવાસુરસંપદ્વિભાગયોગ’માં દૈવી મનુષ્ય અને અસુર મનુષ્ય અર્થાત કે સાધુ અને અસાધુના લક્ષણોનું વર્ણન કર્યું છે. સોળમા અધ્યાયના પ્રથમ ત્રણ શ્લોકમાં સાધુ અર્થાત કે સજ્જન પુરુષના છવ્વીસ લક્ષણો શ્રી કૃષ્ણએ કહ્યાં છે.

અભયં સત્ત્વસંશુદ્ધિર્જ્ઞાનયોગવ્યવસ્થિતિ:
દાનં દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ્ ॥૧॥
અહિંસા સત્યમક્રોધસ્ત્યાગ: શાંતિરપૈશુનમ્
દયા ભૂતેષ્વલોલુપ્ત્વં માર્દવં હ્રીરચાપલમ્ ॥૨॥
તેજ: ક્ષમા ધૃતિ: શૌચમદ્રોહો નાતિમાનિતા
ભવંતિ સંપદં દૈવીમભિજાતસ્ય ભારત ॥૩॥
ભગવાન કહે છે, હે ભારત, અભય, અંત:કરણની શુદ્ધિ, જ્ઞાનયોગમાં દ્રઢ સ્થિતિ, દાન, ઈન્દ્રિયોનું દમન, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, ક્રોધનો અભાવ, ત્યાગ, શાંતિ, કોઈની નિંદા ન કરવી, દયા, વિષયોથી ન લલચાવું, કોમળતા, અકર્તવ્યમાં લજ્જા, ચપળતાનો અભાવ, તેજ, ક્ષમા, ધૈર્ય, શરીરની શુદ્ધિ, કોઈની સાથે વેર ન કરવું, ગર્વનો અભાવ, વગેરે દૈવી સંપત્તિ મેળવનાર મનુષ્યના લક્ષણો છે.

અહીં ભાગને સૌપ્રથમ અભયને મૂક્યું છે. એક રીતે જોઈએ તો આ શ્ર્લોકમાં શ્રી કૃષ્ણએ પહેલા અર્જુનને કહેલી વાતને સારરૂપે ફરીથી જ દોહરાવી છે. ભય, રાગ અને ક્રોધથી મુક્ત થવાની વાત તો શ્રીકૃષ્ણએ વારંવાર કરી છે. એ જ બતાવે છે કે ભગવાન આ ત્રણથી મુક્ત થવું કેટલું મહત્વનું છે તે મનુષ્યને સમજાવવા માંગે છે.

અધ્યાય પાંચના શ્ર્લોક અઠ્યાવીશમાં શ્રી કૃષ્ણ કહે છે,
યતેંદ્રિયમનોબુદ્ધિર્મુનિર્મોક્ષપરાયણ:
વિગતેચ્છાભયક્રોધો ય: સદા મુક્ત એવ સ: ॥
અર્થાત જેણે ઇન્દ્રિય, મન અને બુદ્ધિને વશમાં કર્યા છે તેવા ઈચ્છા, ભય અને ક્રોધથી રહિત મોક્ષ પારાયણ મુનિને સદાય મુક્ત જ માનવો. તો બીજા અધ્યાયમાં પણ ભગવાન કહે છે,
દુ:ખેષ્વનુદ્વિગ્નમના: સુખેષુ વિગતસ્પૃહ:
વીતરાગભયક્રોધ: સ્થિતધીર્મુનિરુચ્યતે ॥
અર્થાત દુ:ખમાં જેનું મન ઉદ્વિગ્ન ન થાય, જે સુખની આકાંક્ષાથી મુક્ત હોય, જેના મનમાં રાગ, ભય અને ક્રોધ નષ્ટ થયા હોય તેવા મુનિને જ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.

અભય એટલે વર્તમાન અને ભવિષ્યના દુ:ખોની ચિંતાથી મુક્તિની આ સ્થિતિ છે. કોઈપણ પ્રકારની અતિશય આસક્તિ ભયનું કારણ બને છે. ખેર, આ બધા શ્ર્લોકો તો યુગો પહેલા કહેવાયેલા છે. આજના સમય પ્રમાણે પણ વિચારીએ તો બીજા કેટલાય ભયથી મનુષ્ય ઘેરાયેલો છે. સત્તાધારીને સત્તા જવાનો ભય સતાવતો હોય છે, વિદ્યાર્થીને પરીક્ષામાં નિષ્ફ્ળ જવાનો ભય હોય છે, રાષ્ટ્રોને યુદ્ધ અને આતંકવાદીઓનો ભય હોય છે, નોકરી કરનારને બેકાર થઇ જવાનો ભય સતાવે અને ધંધો કરનારને નુકશાન થવાનો, ખેડૂતને પાક નિષ્ફ્ળ જવાનો ભય સતાવે છે. પણ ભગવાન કહેવા માંગે છે કે જે મનુષ્ય સાધુ છે, તે ભયને અતિક્રમીને પોતાના ધ્યેય તરફ આગળ વધે છે. અને સાધુ પુરુષને ભય કેમ નથી હોતો? કેમકે મોહ, રાગ કે આસક્તિથી મુક્તિ હોય છે. જો વળગણ જ ન હોય તો ખોવાનો ભય ક્યાંથી હોય? વિધાર્થીને નિષ્ફ્ળતાનો ભય ક્યારે ન હોય? જયારે તેને પોતાની તૈયારી ઉપર પુરી શ્રદ્ધા હોય. જેને સત્તાનો મોહ ન હોય તે ખુરશી જવાનો ભય પાળ્યા વિના પોતાનું કાર્ય કરી શકે. તેવી જ રીતે, જે મનુષ્ય સંસારનું સત્ય જાણે છે તે પણ ભય મુક્ત હોય છે. લોકો સ્વાર્થના સગાં છે તે જાણનારને કોઈને ખોવાનો ડર ન સતાવે. જે હંમેશા મનમાં એ યાદ રાખે કે જે દિવસે જન્મ્યા તે દિવસથી જ મૃત્યુ નિશ્ર્ચિત છે અને સંસારના મોહથી અલિપ્ત રહે તે મૃત્યુના ભયથી પીડાતો ન હોય. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ એ તો સનાતન સત્ય છે તે જાણનાર તેનો ભય ન રાખે. એટલા માટે જ શાસ્ત્રો સાધુ પુરુષોને કહે છે કે ભય નહીં ભાન રાખ. ત્રીજી મહત્વની વાત, જે સાધુ છે, તે એ સત્ય પણ જાણે છે કે ભયભીત થવા માત્રથી પરિસ્થિતિ બદલાઈ જવાની નથી. જો મૃત્યુથી મુક્ત થવું હોય તો તેનો ભય રાખવાને બદલે મોક્ષની સાધના કરવી જોઈએ, નરકનો ભય સતાવતો હોય તો પાપથી દૂર રહેવું જોઈએ. જો નિષ્ફ્ળતાનો ભય હોય તો વારંવાર કઠિન પરિશ્રમ કરવાની તૈયારી રાખવી જોઈએ અને એકવાર નિષ્ફ્ળ જતાવેંત હારીને બેસી ન રહેવું જોઈએ.

સાધુ પોતાના સાધ્યની સિદ્ધિ માટે અવિચળ મનથી પ્રયત્ન કરે તેના માટે આવશ્યક છે કે તે ભયથી મુક્ત હોય. સાધુતા તો સિદ્ધિના અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાની શરૂઆત છે. ભયથી ભાગે તે સાધુ ન હોય. એ તો સિદ્ધિના માર્ગમાં આવનાર દરેક મુશ્કેલીઓનો મક્ક્મતાથી મુકાબલો કરે. રાવણ સુધી પહોંચવામાં હનુમાનને કેટલા ભય રસ્તામાં આવ્યા? પાંડવોને વનવાસની શરૂઆતથી લઈને કુરુક્ષેત્રના યુદ્ધ સુધી કેટલા ભયનો સામનો કરવો પડ્યો? ભક્ત પ્રહલાદને વિષ્ણુભક્તિમાં કેટલા વિઘ્નો આવ્યો? સંત તુકારામ હોય કે સંત જલારામ, તેમને કેટલા વિરોધ અને અવરોધનો સામનો કરવો પડ્યો? પરંતુ એ સર્વએ ભય પર વિજય મેળવીને પોતાનો માર્ગ છોડ્યો નહીં, તેથી એ બધા સાધુની શ્રેણીમાં આવી શકે. અવશ્ય, સજ્જનતા એ સાધુતાનું લક્ષણ છે, તેથી અન્ય ગુણો પણ આવશ્યક છે. પરંતુ અનેક ગુણો હોવા છતાં જે ભયભીત છે તે સાધુતા પામી શકતા નથી. ઈશ્વર પ્રત્યે સમર્પણ ભયથી મુક્તિ અપાવે છે.

અંતે અથર્વવેદની વાણી યાદ કરીએ,
‘યથા ધૌશ ચ પૃથિવી: ચ ન બિભીતો ન રિષ્યત:, એવા મે પ્રાણ મા વિભે:’ એટલે કે જે રીતે આકાશ અને પૃથ્વી ન તો ભયગ્રસ્ત થાય છે અને ન તો તેમનો નાશ થાય છે, તે રીતે હે મારા પ્રાણ! તું પણ ભયમુક્ત રહેજે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button