પાટનગર દિલ્હીએ ગરમીના તમામ રેકોર્ડ તોડ્યા, હવામાન વિભાગની આગાહી જાણો
નવી દિલ્હીઃ દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં આજે 45થી 47 ડિગ્રી તાપમાનનો પારો પાર થયો હતો, જે સામાન્ય કરતા ચારથી છ ડિગ્રી વધારે છે. નજફગઢમાં દેશનું સૌથી વધુ તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. નજફગઢમાં 47.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. પાટનગર દિલ્હી સાથે રાજસ્થાન અને ગુજરાતમાં પારો 45 ડિગ્રીની આસપાસ રહ્યો હતો.
ગુજરાતના સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થયો હતો, જ્યારે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હતો. પાટનગર દિલ્હીના પણ અમુક વિસ્તારોમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિલ્હીમાં આ સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના અહેવાલ અનુસાર એક અઠવાડિયા સુધી ગરમીથી રાહત મળવાની કોઈ અપેક્ષા નથી, કારણ કે રાજસ્થાનમાં આવી રહેલી ગરમ હવા દિલ્હીવાસીઓને દઝાડશે. દિલ્હીના હવામાન વિભાગના અધિકારીએ કહ્યુ હતું કે પાટનગર દિલ્હીમાં મહત્તમ 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતા ચાર ડિગ્રી વધારે છે, જ્યારે લઘુતમ તાપમાન 28.2 ડિગ્રી રહ્યું હતું, જે સામાન્ય કરતા બે ડિગ્રી વધારે છે.
દિલ્હી સાથે નજફગઢ દિલ્હીની આસપાસના વિસ્તારોમાં સૌથી ગરમ દિવસ રહ્યો હતો, જ્યાંનું તાપમાન મહત્તમ 47.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે દેશનૌ સૌથી ગરમ રહ્યો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં દિલ્હીના અનેક વિસ્તારોમાં હીટવેવની અસર જોવા મળશે, જ્યારે રેડ એલર્ટ પણ જારી કર્યું છે.