ધર્મતેજ

‘હાલાજી તારા હાથ વખાણું? કે પટી તારા પગલા વખાણું?..’

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

(આપણે ત્યાં લોકસાહિત્યના જાહેર કાર્યક્રમોમાં તથા રેડિયો,ટીવી ચેનલ્સના પ્રોગ્રામો અને કેસેટ્સ,સીડી.નેટ યુટ્યૂબ ચેનલ્સ ઉપર અનેક લોકકલાકારો દ્વારા આ રચના વારંવાર ગવાતી સાંભળવા મળે છે, પરંતુ એના ગાયકોને મૂળ કથાની પણ ખબર નથી અને મૂળ રચનાના શબ્દોની પણ.. અત્યંત ખોટા શબ્દો જોડીને- બ્રદ રાવળ બિરદાવિયો હો… પરસિધ મેર પ્રમાણ’ ને બદલે ‘રાવણ સરખો રાજીયો હો..પરગટ મેર પરમાણ…’ જેવા વિકૃત શબ્દો સાથે જાણીતા લોકપ્રિય કલાકારો આ રચનાની રજૂઆત કરતા હોય ત્યારે લોકસાહિત્ય,ચારણી-બારોટીસાહિત્ય અને સંતસાહિત્યના જાણકારોને ખૂબ દુ:ખ થતું રહે છે. એટલા માટે આ મૂળ ઐતિહાસિક પ્રસંગ અને તેની સાથે જોડાયેલી કવિતાનો શુદ્ધ પાઠ આપવાનો પ્રયાસ ર્ક્યો છે.)

જાડેજા રાવળ જામને જડેશ્ર્વર મહાદેવજી પ્રસન્ન થયા હતા એટલે હાલારનું રાજ્ય મળ્યું. રાવળ જામે જામનગર વસાવ્યું, એ પછી રાવળ જામે જે જે સોરઠી રાજાઓના મુલક સર ર્ક્યા હતા તે રાજાઓએ રાવળ જામને હરાવવા ફોજ તૈયાર કરી અને હાલારના મીઠોઈ ગામનાં પાદરમાં દોઢસો તોપું સહિત સૈન્ય એકઠું થયું સાથેઅને રાવળ જામને સંદેશો મોકલ્યો કે, ‘આવો અમારી સામે લડવા…’

રાણપુરના જેઠવાની આગેવાનીમાં વાઢેર, વાળા, ખાચર, ખૂમ્ાાણ, ઝાલા,વાઘેલા અને પરમાર વગેરે રાજાઓ પોતાનાં સૈન્ય લઈને આવી પહોંચેલા. એ વખતે રાવળ જામના સૈન્યમાં રાવળ જામના બંધુ હરઘોળજી, તેમના કુંવર જસોજી સાથે પરબતજી, તોગાજી, નોંધણજી, જસોજી, કાનોજી, ભાણજી દલ , હમિર સુત સુમરોજી, અજાજી અને કેસરાજી મોડબંધ જેવા યોદ્ઘાઓ સાથે રાવળ જામની સાથે કચ્છમાંથી આવેલા આહિરો અને ચારણોના દળ હતા. રાવળ જામે એક કાસદ કચ્છમાં ભદેસર પાટણ મોકલ્યો,જ્યાં અજાજી ડુંગરાણીના રાજ હતા.એને સંદેશો મળ્યો કે- ‘હાલારમાં મીઠોઈનાં પાદરમાં યુદ્ઘ કરવાનું છે ને તમને સખાતે બોલાવ્યા છે.’

ત્યારે અજાજીના કુંવર મેરામણજીની ઉંમર ફક્ત બાર જ વરસની. મેરામણે યુદ્ઘે ચડવાની હઠ લીધી, અને પટી નામની ઘોડી પર સવાર થયા અને સાથે સાંગ (લાંબી બરછી જેવું હથિયાર) ગ્રહણ કરી હાલારના મીઠોઈ ગામના પાદરમાં આવ્યા અને રાવળ જામનાં તંબુમાં જામને પગે લાગ્યા. કુંવર મેરામણજીની વય નાની જોઈને રાવળ જામે મરમમાં કીધુ કે, ” બેટા અહીં તો ખાંડાનાં ખેલ ખેલાશે, તમો તો હજુ બાળક કહેવાઓ, થોડું કાંઈ માસી ને ધાવવું છે …? આમ બોલીને મહર ર્ક્યો. પણ મેરામણજી મર્યાદાવાન હોવાથી કાંઈ બોલ્યા નહીં . ત્યાર બાદ આ બાજુ રાવળ જામે પોતાની તંબુમાં સભા ભરી, યુદ્ઘના માહિર એવા લડવૈયાઓએ ફોજના ત્રણ ભાગ પાડીને ભાગવાની વ્યૂહરચના સમજાવી અને કહ્યું કે
‘ શુરવીરો સાંભળો…

હું રાવળ જો હટું , મેર ગિરી ચળે મહિસર,
હું રાવળ જો હટું , દિવસ જળ-હળે ન દિનંકર,
હું રાવળ જો હટું , મહા સિદ્ઘ ચળે સમાધિ,
હું રાવળ જો હટું , સતિ તજે પીય સાધી,
હો વટે કળહ રાવળ જો હટું ,

માને કિમ આ સંસાર મન,
અળ જીવણ મરણ પ્રમ ઉપરા, દેવા ક્રમ અસ મેઘદન.

  • એમ આપણાંથી યુદ્ઘ ટાણે પાછું હટાય નહીં. માટે વેરીયુંની જે તોપું છે એનાં કાનમાં લોઢાનાં ખીલા ધરબી શકે એવો શૂરવીર નર કોઈ આપણી પાસે છે ?’

ત્રણ વખત બીડું ફેરવ્યું છતાં પણ કોઈ શૂરવીર બીડું ઝડપવા ભો ન થયો. ત્યારે બીડાવાળાના મરમનાં વેણ સાંભળી સોઢા પરમાર વંશનો તોગોજીએ બીડું ઝડપી લીધું.

‘ તોપા ખીલાં હું જડાં , ધણ થટ મચવા ધાણ,
તો-તો જાણો તોગડો, પરબતરો પરમાણ,
પરબતરો પરમાણ, જંગા અરિ હું જતહું,
નીમક ઉજાળણ નેક, હુંવા ટુક ટુક હૂં..’
તે સાંભળીને રાવળ-જામ બોલ્યા કે,
‘રંગ છે તોગાજી રંગ છે તારી જનેતા ને…’
રાવળ કહિયો રંગ હે, તોગા તું અણમોલ,
તો વિણ બીજો કોણ તકે, કરવા મોત કબોલ,
કરવા મોત કબોલ, જાળા અંગ જીલવો,
લડવો ભારથ લોહ, અખેલા ખેલવો.

ત્યાં તો ત્રણ દલ શાખના રજપુતો શૂરાતનમાં થર-થર-થર કંપવા લાગ્યા અને ઘોડાંને જોગાણ દેવાનાં પાવરામાં હથોડા અને ખીલા ભરીને ચારેય જણા તોપું નજીક ઘોડેથી સબોસબ નીચે તરી તોપુંના કાનમાં ખીલા નાખી ઉપર હથોડાના ઘા મંડયા ધબેડવા. તોગાજી ઉપર ચોરાસી ઘા પડયા ત્યારે દુશ્મનનાં સૈન્યનાં આગેવાન ભાણ જેઠવાએ રંગ દીધાં – “ભલે તોગાજી વાહ-તોગાજી?

એ પછી તો સોરઠના સૈન્યમાં મસલત ચાલી કે, રાવળ જામે આપણી સાથે કપટ ક્યુર્ં . માટે આપણે પણ કપટની નીતિ અપનાવવી પડશે. ત્યારે કરશનજી જામવેંચો તૈયાર થયો અને ભાલા પર સફેદ વસ્ત્ર ઓઢાડી, ઘોડીએ ચડીને કચ્છીઓના પડાવ તરફ આવ્યો. તે સમયમાં વિષ્ટિકારને કોઈ અટકાવતું નહી. રાવળ જામ પોતાનાં તંબુમાં પોઢેલા અને તેમના નાના ભાઈ હરધ્રોળજી તંબુ બહાર રૂપાના બાજોઠ ઉપર બેસી સ્નાન કરી રહ્યા હતાં. વળી બન્ને ભાઈઓનો દેખાવ પણ એક સરખો લાગે એટલે કરશનજીએ હરધ્રોળજીને હાથોહાથ કાગળ દીધો, પછી લાગ જોઈ કરશનજીએ હરધ્રેાળજીનાં દેહમાં પોતાનું ભાલું પરોવી દીધું. પછી આવ્યો ઘોડાની પીઠ ઉપર અને મારી એડી. શુરવીર હરધ્રોળજીએ પ્રાણ છોડયો. કરશનજી જાવેંચા પાછળ બીજા રાજપુતો પડયાં પણ કરશનજીનો ઘોડો તો ડયે જાય છે. રીડિયા બોલ્યા.

ઈ ટાણે રસ્તામાં એક નાની એવી તળાવડીમાં ભદ્દેસરવાળા કુંવર મેરામણજી પોતાની પટી નામની ઘોડી ને ધમારતા હતા, તેમણે આ કરશનજીને રાવળ-જામના તંબુમાંથી ભાગતો જોયો એટલે પોતાની પ્રચંડ સાંગ હાથમાં લઈ ઝડપ દઈ ને પટીની પીઠ ઉપર સવાર થયા અને પટી ઘોડીની પેટાળમાં પગની પાની ઠબકારી પણ ત્યાં તો મેરામણજી અને પટી ઘોડી કરશનજીની ઘોડી પાછળ જેમ આકાશમાંથી તારોડીયો ખરે એમ ખ-ર-ર-ર-ર એવા વેગમાં ઉપડી. બન્ને વચ્ચે લગભગ અઢારેક કદમનું અંતર છે અને ઈ અંતર જ્યારે કેમેય ભાંગતુ નથી ત્યારે પટી ઘોડી પણ પોતાના અસ્વારના મનની વાત સમજી ગઈ હોય એમ અથાગ બળ દાખવી છલાંગ મારી.

જાતો ખુની જાણ્ય આગે,
મહેરાણ અજાણી,
પટી ઘોડી પૂંઠ તતખણ મેલે તાણી
આગે ભાગો જાય, ભોમ અંતર નહી ભાંગે,
આણે મન ઉચાટ , લખ દાવ ન લાગે
અસી બાજ ઉડણી , પવન વેગહુ પડકારી,
ત્રુટી તારા જેમ , ધીર પંખણ ધજધારી
બરાછક હોઈ બારાડ , ભીમ ભારથ બછુટો,
કરે ક્રોધ કૃતોત , તંત કર લેવા ત્રુટો
ક્રમ અઢાર માથે ક્રમણ , વાહે અતંગા વાઢિયો,
સત્રંગ જરદ અસ સોંસરો , કૃંત અંગ સર કાઢિયો.

પણ ત્યાં તો મેરામણજીને લઈ પટી ઘોડીએ છલાંગ મારી એટલે જે અઢાર ઢગલાનું જે અંતર હતું તે ભાંગી ગયુ અને મેરામણજી એ સોંય ઝાટકીને સાંગનો ઘા ર્ક્યો ઈ સાંગનાં પ્રહારથી કરશનજીના બગતર, દેહ અને ઘોડો ત્રણેયને વિંધી નાખ્યા. ત્યાં તો રાવળ જામ પણ ત્યાં આવી પહોંચ્યાં એણે કરશનજીને તેનાં ઘોડા સહિત મરતાં જોયો અને મેરામણજીએ અથાગ બળ કરીને સાંગનો ઘા ર્ક્યો હતો એટલે તેની આંખ્યોનાં બેય રતન બહાર નીકળી ગયેલાં,જ્યારે પટી ઘોડીએ પણ લાંબી છલાંગ મારેલ હોવાથી એનાં પગનાં ડાબલા બેસી ગયા હતાં. રાવળ જામ પોતાનાં રેશમી ખેસથી મેરામણજી અને પટી ઘોડીને પવન નાંખવા લાગ્યા અને તેમના મુખમાંથી અમરવાણી સરી પડી કે, ‘ હે મેરામણજી હે હાલાજી તારા હાથ વખાણું ? કે, પટી તારા પગલા વખાણું..? ’

‘ બિરદ રાવળ બિરદાવીયો ,
હો રંગ ક્ષત્રિ મહેરાણ,
પાણી રખીયો આપરો હો,
પરસીધ મેર પ્રમાણ..
હાલાજી તારા હાથ વખાણું ?
કે પટી તારા પગલા વખાણું..?
મેરામણ જેસા મરદ ,
હો મમ આગે હોય,
અમર કથાં રાખે ,
સાધે કારજ સોંય..
હાલાજી તારા હાથ વખાણું ?
કે પટી તારા પગલા વખાણું..?
રણ જાબેંચો રાખીયો હો,
મોભી ભડ મેરાણ,
તેણ સમે કટકાં તણી ,
બાજી જડ બઝડાણ..
હાલાજી તારા હાથ વખાણું ?

કે પટી તારા પગલા વખાણું..? (સંપૂર્ણ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત