સાંધ્યભાષા (અધ્યાત્મભાષા) સાંધ્યભાષા બે ભૂમિકાને જોડનાર અવસ્થાની ભાષા છે
જીવનનું અમૃત -ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
૧. ભૂમિકા :
ભાષા અભિવ્યક્તિનું એક માધ્યમ છે- એક મૂલ્યવાન, સમર્થ અને સૌથી મહત્ત્વપૂર્ણ સાધન છે. ભાષાના માધ્યમથી આપણે વિચારો, લાગણીઓ, માહિતી, વૈજ્ઞાનિક જ્ઞાન, સંગીત આદિ કળાઓ- આમ અનેક અને અનેકવિધ તત્ત્વો અભિવ્યક્ત કરીએ છીએ અને અભિવ્યક્ત કરી શકીએ છીએ.
આ પૃથ્વી પર અગણિત ભાષાઓ પ્રગટી છે. ભાષા દ્વારા વિચારોનો અને વિચારો દ્વારા ભાષાનો અપરંપાર વિકાસ થયો છે.
હવે પ્રશ્ર્ન એ છે કે શું આ બધી ઉપલબ્ધ ભાષાસમૃદ્ધિ દ્વારા પણ આપણી પાસે છે તે બધું અભિવ્યક્ત કરી શકાય છે? માનવચેતનાની બધી જ અવસ્થાઓને અને બધી જ અનુભૂતિઓને ઉપલબ્ધ ભાષાના માધ્યમથી યથાર્થત: અભિવ્યક્ત કરી શકાય છે? આપણે પ્રામણિકતાપૂર્વક સ્વીકારી લેવું જોઈએ કે ના, આપણી ભાષાઓની સમૃદ્ધિ એટલી નથી કે આપણે બધું જ ભાષાના માધ્યમથી અભિવ્યક્ત કરી શકીએ.
જીવનનાં કેટલાંક ક્ષેત્રો એવાં છે કે જેમનાં તત્ત્વો અભિવ્યક્ત કરવા માટે ભાષા અધૂરી લાગે છે, વામણી પડે છે, અસમર્થ નીવડે છે.
તો શું કરવું?
માનવી જેનું નામ! માનવી ચંદ્ર પર પહોંચ્યો છે અને મંગળ પર પહોંચવાની તૈયારી કરી રહ્યો છે. મનુના આ પુત્રોએ એવી કરામત રચી છે કે અમેરિકામાં ટાંચણી પડે તો તે જ વખતે તેનો અવાજ ભારતમાં સાંભળી શકાય છે અને તે દૃશ્ય પણ જોઈ શકાય છે. તદનુસાર માનવીએ અભિવ્યક્તિના માધ્યમ તરીકે પ્રચલિત ભાષાઓ ઉપરાંત અન્ય માધ્યમો પણ વિકાસાવ્યાં છે. દૃષ્ટાંતત: સંગીતની સ્વરલિપિ આવું જ એક માધ્યમ છે. ભૈરવીરાગનું ગાન કરવા માટે કયા-કયા સ્વરનો કેવી રીતે પ્રયોગ કરવાનો છે, અર્થાત્ ભૈરવી રાગનું સ્વરૂપ કેવું છે, ભૈરવીરાગનું બંધારણ કેવું છે તે અભિવ્યક્ત કરવા માટે એક વિશિષ્ટ માધ્યમનું સર્જન થયું, જેને આપણે સંગીતની સ્વરલિપિ કહી શકીએ. આ લિપી દ્વારા સંગીતનો એક જાણકાર આ લિપિના જાણકાર સુધી ભૈરવી કે અન્ય કોઈ પણ રાગનું બંધારણ પહોંચાડી શકે છે.
આવાં જ બીજાં અનેક માધ્યમો માનવજાતે
વિકસાવ્યાં છે.
જે ક્ષેત્રની અનુભૂતિને અભિવ્યક્ત કરવાનું કાર્ય અતિ કઠિન છે, તે ક્ષેત્ર કયું છે? તે ક્ષેત્ર છે અધ્યાત્મ!
અધ્યાત્મપથ પર, અધ્યાત્મયાત્રા દરમિયાન અને અધ્યાત્મના લક્ષ્યસ્થાને પહોંચ્યા પછી પણ સાધક અને સિદ્ધિની ચેતનામાં અને સાધકના જીવનમાં એ અસાધારણ અને અતિ વિશિષ્ટ અનુભૂતિઓની હારમાળા પ્રગટે છે. તેમને અભિવ્યક્ત કરવા માટે પ્રચલિત ભાષાનું કોઈ પણ સ્વરૂપ નિશ્ર્ચિતપણે અધૂરું અને વામણું સાધન સિદ્ધ થાય છે. અધ્યાત્મપથની આ અનુભૂતિઓ શબ્દો દ્વારા અભિવ્યક્ત થઈ શકતી નથી, તેથી જ તો તેમને ‘શબ્દાતીત’ કહેલ છે.
‘મુંડકોપનિષદ’ના ઋષિ કહે છે.
नान्त: प्रज्ञं न बहिष्प्रज्ञं नोभयत: प्रज्ञं न प्रज्ञानधनं प्रज्ञं नाप्रज्ञं । अदृष्टमवहार्यम-ग्राह्यमलक्षणमचिन्त्यमव्यपदेश्यमेकात्मप्रत्ययसारं प्रपञ्चोशमं शान्तं शिवमद्वेतं चतुर्थं मन्यते स आत्मा स विज्ञेय:।
-मुण्डकोपनिषद: 7
” તે આત્મા અંદરની તરફ પ્રજ્ઞાવાળો નથી, બહારની તરફ પ્રજ્ઞાવાળો નથી, બંને તરફ પ્રજ્ઞાવાળો નથી. તે પ્રજ્ઞાનઘન નથી, તે પ્રજ્ઞ નથી અને અપ્રજ્ઞ પણ નથી. તે અદૃષ્ટ છે, તે અવ્યવહાર્ય છે, તે અગ્રાહ્ય છે, તે અલક્ષણ છે, તે અચિંત્ય છે, તેને બતાવી શકાય તેમ નથી. એકમાત્ર આત્મપ્રતીતિ જ તેનો સાર છે. તેમાં સર્વ પ્રપંચોનો અભાવ છે. તે સર્વથા શાંત છે. તે કલ્યાણમય છે. તે અદ્વિતીય છે. તે તુરીય છે. આ રીતે જ્ઞાની પુરુષો તેના વિશે માને છે. તે આત્મા જ જાણવાયોગ્ય છે.
આત્મા વિશે અહીં ઋષિ જે કથન કરે છે તેના પરથી સ્પષ્ટત: સિદ્ધ થાય છે કે આત્મા શબ્દતીત છે, માનસાતીત છે. આનો અર્થ એમ થયો કે તેની અનુભૂતિ શબ્દો દ્વારા વ્યક્ત કરી શકાય તેમ નથી.
પરંતુ માનવી જેનું નામ! મહામના અને અનુભૂતિસંપન્ન સિદ્ધ પુરુષોએ અધ્યાત્મની આ શબ્દાતીત અનુભૂતિઓને અભિવ્યક્ત કરવા માટે એક અતિ વિશિષ્ટ ભાષાનું સર્જન કર્યું છે તે ભાષા છે સાંધ્યભાષા( twilight language).