દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખરે આજે નવા સંસદ ભવન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, આ સાથે પ્રથમ વખત નવા સંસદ ભવન પર ત્રિરંગો લહેરાયો છે. નોંધનીય છે કે આવતીકાલે સોમવારથી સંસદનું વિશેષ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. અહેવાલો મુજબ આ સત્ર દરમિયાન સંસદીય કાર્યવાહીને નવા બિલ્ડિંગમાં ખસેડવામાં આવશે. સંસદના વિશેષ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા નવી સંસદ ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે નવા સંસદ ભવનનાં ‘ગજ દ્વાર’ પર તિરંગો ફરકાવ્યો હતો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના સંસદીય ડયુટી ગ્રુપે સભાપતિ જગદીપ ધનખર અને સ્પીકર ઓમ બિરલાને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપ્યું હતું. આ દરમિયાન ઘણા વિપક્ષી નેતાઓએ ભાગ લીધો હતો પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પહોંચ્યા ન હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં વ્યસ્તતાને કારણે તેઓ આ સમારોહમાં પહોંચી શક્યા ન હતા.
અહેવાલો અનુસાર, મલ્લિકાર્જુન ખડગેએ આમંત્રણ મળવામાં વિલંબ થયો હોવાનો આરોપ લગાવ્યો હતો. ખડગેએ શનિવારે રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદીને પત્ર લખીને કહ્યું કે તેમને 15 સપ્ટેમ્બરે મોડી સાંજે આ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે 16 અને 17 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા હૈદરાબાદમાં હોઈશ અને રવિવારે મોડી રાત્રે દિલ્હી પરત ફરીશ. મારા માટે રવિવારે સવારે સમારોહમાં હાજરી આપવી શક્ય નથી.’
જો કે આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ અધીર રંજન ચૌધરી, પ્રમોદ તિવારી, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી, કેન્દ્રીય પ્રધાન વી મુરલીધરન, પીયૂષ ગોયલ, અર્જુન રામ મેઘવાલ વગેરે હાજર હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 મેના રોજ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. નવી ઇમારત જૂની ઇમારતની નજીક છે. સોમવારથી શરૂ થઈ રહેલા પાંચ દિવસીય સંસદ સત્રના એક દિવસ પહેલા ધ્વજવંદન સમારોહ યોજાયો હતો.
Taboola Feed