
હૈદરાબાદ: સનરાઇઝર્સ હૈદરાબાદે અહીં પોતાની અંતિમ લીગ મૅચમાં પાંચ બૉલ બાકી રાખીને ચાર વિકેટના માર્જિનથી પંજાબ કિંગ્સ (PBKS)ને હરાવીને 17 પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં બીજું સ્થાન મેળવી લીધું હતું. હૈદરાબાદે 215 રનનો લક્ષ્યાંક 19.1 ઓવરમાં છ વિકેટના ભોગે મેળવી લીધો હતો. ઓપનર અભિષેક શર્મા (66 રન, 28 બૉલ, છ સિક્સર, પાંચ ફોર) હૈદરાબાદનો ટૉપ-સ્કોરર હતો. તે કુલ 41 સિક્સર સાથે આઇપીએલની આ સીઝનનો નવો સિક્સર-કિંગ બન્યો હતો. તેણે વિરાટ કોહલી (37 સિક્સર)ને બીજા નંબર પર મોકલી દીધો હતો. સ્પર્ધાની બહાર થઈ ચૂકેલી લખનઊની ટીમનો નિકોલસ પૂરન (36 સિક્સર) ત્રીજા સ્થાને છે.
અભિષેક શર્માને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
પંજાબ સામે હૈદરાબાદે પહેલા જ બૉલમાં ટ્રેવિસ હેડની વિકેટ ગુમાવી હતી, પરંતુ ત્યાર બાદ 72 રનની અને એ પછી નાની-મોટી ભાગીદારીઓની મદદથી પૅટ કમિન્સની ટીમે વિજય મેળવીને પ્લે-ઑફમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું હતું. ટ્રેવિસને આગામી વર્લ્ડ કપની ટીમના પેસ બોલર અર્શદીપ સિંહે ક્લીન બોલ્ડ કર્યો હતો.
અભિષેક અને રાહુલ ત્રિપાઠી (33 રન, 18 બૉલ, બે સિક્સર, ચાર ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 72 રનની, અભિષેક અને નીતિશ કુમાર રેડ્ડી (37 રન, પચીસ બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 57 રનની પાર્ટનરશિપ થઈ હતી. 11મી ઓવરમાં 129 રનના ટીમ-સ્કોરે અભિષેક આઉટ થયો હતો, પરંતુ નીતિશ રેડ્ડીએ ક્લાસેન (42 રન, 26 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) સાથે 47 રનની ભાગીદારીથી ટીમને જીતની નજીક વધુ પહોંચાડી હતી. ત્યાર બાદ બીજી નાની પાર્ટનરશિપની મદદથી હૈદરાબાદના બૅટર્સે જીત હાંસલ કરી હતી.
એ પહેલાં, પંજાબ કિંગ્સે ટૉસ જીત્યા પછી બૅટિંગ લીધી હતી અને સ્વાભાવિક છે કે બિગ-હિટર્સવાળી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને તોતિંગ સ્કોર નોંધાવવાની તક નહોતી આપી. પંજાબે 20 ઓવરમાં પાંચ વિકેટે 214 રન બનાવીને હૈદરાબાદને 215 રનનો પડકારરૂપ ટાર્ગેટ આપ્યો હતો. સીઝનમાં પહેલી વાર પંજાબને એનો આખો ટૉપ-ઑર્ડર કામમાં આવ્યો હતો. એને લીધે જ પંજાબની ટીમ 200-પ્લસનું ટોટલ નોંધાવી શકી હતી.
ધવન અને સૅમ કરૅનની ગેરહાજરીમાં પંજાબની ટીમનું નેતૃત્વ સંભાળવાની જવાબદારી વિકેટકીપર-બૅટર જિતેશ શર્માને સોંપાઈ હતી. ઓપનર અથર્વ ટૈડ (46 રન, 27 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) અને પ્રભસિમરન સિંહ (71 રન, 45 બૉલ, ચાર સિક્સર, સાત ફોર) વચ્ચે 97 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી જેને લીધે જ પંજાબની ટીમ હૈદરાબાદને મોટો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી. વનડાઉન બૅટર રાઇલી રોસોઉ (49 રન, 24 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)નું પણ ટીમના ટોટલમાં મોટું યોગદાન હતું.
પ્રભસિમરન-રોસોઉ વચ્ચે બીજી વિકેટ માટે 54 રનની ભાગીદારી થઈ હતી. મુખ્ય બૅટર શશાંક સિંહ ફક્ત બે રન બનાવ્યા બાદ રનઆઉટ થયો હતો, પણ કૅપ્ટન જિતેશ શર્મા (32 અણનમ, 15 બૉલ, બે સિક્સર, બે ફોર)એ પણ છેલ્લે હૈદરાબાદના બોલર્સની ઍનેલિસિસ થોડી બગાડી હતી. જિતેશે નીતિશ કુમાર રેડ્ડીની 20મી ઓવરમાં બે સિક્સર અને એ ફોર સહિત કુલ 19 રન બનાવ્યા હતા.
હૈદરાબાદના બોલર્સમાં ટી. નટરાજને સૌથી વધુ બે વિકેટ લીધી હતી. પછીથી નટરાજનના સ્થાને હૈદરાબાદે અભિષેકને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે બોલાવ્યો અને તેણે જ ટીમને વિજય અપાવ્યો હતો.