ઇન્ટરનેશનલ

કોંગોની રાજધાનીમાં બળવો અટકાવ્યો હોવાનો સેનાનો દાવોઃ ફાયરિંગમાં ત્રણના મોત

કિન્શાસાઃ કોંગોની સેનાએ રવિવારે દાવો કર્યો હતો તેમણે એક બળવાને નિષ્ફળ બનાવ્યો હતો. સૈન્યએ કહ્યું હતું કે કોંગોની રાજધાની કિન્શાસામાં લશ્કરી યુનિફોર્મમાં કેટલાક સશસ્ત્ર લોકો અને એક ટોચના રાજકારણીઓના સુરક્ષાકર્મીઓ વચ્ચે ફાયરિંગ બાદ અનેક વિદેશીઓ સહિત ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. આ ફાયરિંગમાં ત્રણ લોકો માર્યા ગયા હતા.

કોંગો સૈન્યના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ સિલ્વેન એકેન્જે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બળવાના પ્રયાસને કોંગોના સંરક્ષણ અને સુરક્ષા દળોએ શરૂઆતમાં જ અટકાવી દીધો હતો. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે આ અંગે વધુ માહિતી આપી નહોતી.

લશ્કરી યુનિફોર્મમાં રહેતા કેટલાક પુરુષો અને સ્થાનિક રાજકારણીના સુરક્ષા ગાર્ડ વચ્ચે અથડામણ થઇ હતી. આ રાજકારણીનું ઘર રાષ્ટ્રપતિ મહેલથી 2 કિલોમીટર દૂર ત્સાત્સી બુલવાર્ડ પર છે અને જ્યાં કેટલાક દૂતાવાસ પણ સ્થિત છે. આ ઘટના સંસદીય નેતૃત્વની ચૂંટણીઓ વચ્ચે બની છે જે શનિવારે યોજાવાની હતી પરંતુ મોકૂફ રાખવામાં આવી હતી.

સશસ્ત્ર લોકોએ સ્થાનિક સાંસદ અને કોંગો નેશનલ એસેમ્બલીના સ્પીકર પદના ઉમેદવાર વિટલ કામરેના કિન્શાસાના ઘર પર હુમલો કર્યો હતો, પરંતુ તેમના સુરક્ષા કર્મીઓએ તેમને અટકાવ્યા હતા. તેમના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતુ કે વિટલ કામરે અને તેમનો પરિવાર સુરક્ષિત અને સ્વસ્થ છે. તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સ્થાનિક મીડિયાએ આ લોકોની ઓળખ કોંગી સૈનિકો તરીકે કરી છે. તે સ્પષ્ટ નથી કે લશ્કરી ગણવેશમાં આવેલા માણસો રાજકારણીની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે નહીં. રિપોર્ટ અનુસાર સવારે 4:30 વાગ્યે શરૂ થયેલા ગોળીબારમાં બે પોલીસ અધિકારીઓ અને એક હુમલાખોરનું મોત થયું હતું. શુક્રવારે રાષ્ટ્રપતિ ફેલિક્સ ત્સેસીકેદીએ સાંસદો અને સત્તાધારી ગઠબંધન સેક્રેડ યુનિયન ઓફ ધ નેશનના નેતાઓ સાથે મુલાકાત કરી હતી જેથી સંસદમાં પોતાની પાર્ટીના પ્રભુત્વ વચ્ચે ઉત્પન્ન સંકટનો ઉકેલ લાવી શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button