મુંબઈના ખેતવાડીમાં બિરાજશે 45 ફૂટ ઊંચા ગણેશજી
મુંબઈ: ગણેશ ચતુર્થીના તહેવાર આવી રહ્યો છે અને ઘરોમાં અને ગલીઓમાં બાપ્પાની મૂર્તિના આગમનની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે ત્યારે એવી માહિતી મળી છે કે દક્ષિણ મુંબઈના ખેતવાડી વિસ્તારમાં ગણપતિ બાપ્પાની 45 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. તે મહારાષ્ટ્રની સૌથી ઊંચી પ્રતિમા હોવાનો દાવો કરવામાં આવે છે. આ દિવસોમાં આ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ વર્ષે, આ સૌથી ઊંચા ‘ગણપતિ બાપ્પા’ને ખેતવાડી અથવા ગિરગાંવમાં ’11મી લેન’માં સ્થાપિત કરવામાં આવ્યા છે. ગણપતિ બાપ્પા 19 સપ્ટેમ્બરથી શરૂ થતા 10 દિવસના ઉત્સવ દરમિયાન ભક્તોને આશિર્વાદ આપવા માટે વાજતેગાજતે આવી રહ્યા છે.
ખેતવાડીની 11મી લેનના ગણપતિ ‘મુંબઈના મહારાજા’ તરીકે પ્રખ્યાત છે. આ વર્ષે તેમની મૂર્તિને ભગવાન ઈન્દ્રના અવતારમાં બનાવવામાં આવી છે, જેમાં ભગવાન એક હાથમાં ‘વજ્ર’ ધરાવે છે. મંડળે 1962થી ખેતવાડીમાં ગણપતિની સ્થાપના કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી મંડળ ભક્તોનું ધ્યાન આકર્ષિત કરવા માટે સૌથી અનોખી મૂર્તિની સ્થાપના કરી રહ્યું છે. અહીંના ગણપતિ ‘મુંબઈના મહારાજા’ તરીકે પ્રખ્યાત છે. વર્ષ 1999માં અહીં
25 ફૂટની ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને એ મૂર્તિ નાના મોટા સહુમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ અંગે માહિતી આપતા ખેતીવાડી 11મી લેન ગણપતિ મંડળના પ્રમુખ હેમંત દીક્ષિતે જણાવ્યું હતું કે, “ અહીં વર્ષ 1999માં 25 ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, ત્યાર બાદ દર વર્ષે મૂર્તિનું કદ વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એ મુજબ આ વર્ષે અહીં મહારાષ્ટ્રની સૌથી ઉંચી 45 ફૂટની ગણેશ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આર્ટિસ્ટ કુણાલ પાટીલ જૂનથી આ મૂર્તિ બનાવી રહ્યા છે. મૂર્તિ બનાવવા માટેનું આયોજન છ મહિના પહેલા શરૂ કરવામાં આવ્યું હતું.