સ્માર્ટ મીટરના નામે લોકોને લૂંટવાનો કારસો : શક્તિસિંહ ગોહિલ
રાજકોટ : રાજ્યમાં લોકસભા ચૂંટણીના મતદાન બાદ હવે રાજકીય માહોલ પ્રચારના બદલે અન્ય પ્રશ્નો તરફ વળી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાત કરી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અદાણીને લાભ અપાવવા માટે સ્માર્ટ મીટર (Smart Meter) નાખવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે અંધભક્તો અને ઈફકોને લઈને નિવેદન આપી ભાજપને ભિંસમાં લીધી હતી.
શક્તિસિંહ ગોહિલે સ્માર્ટ મીટરને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આઆ અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લઈને લોકોને લૂંટવાનો કારસો છે. ચૂંટણી પહેલા કેમ સ્માર્ટ મીટર ન લાવવામાં આવ્યા ? સ્માર્ટ મીટરના નામે ભાજપ જે કરે છે તે જનતા પર બોજો છે. ભલે સરકાર કહેતી હોય કે લોકોના ફાયદા માટે છે પણ જે લોકો નથી લેવા માંગતા તેવા લોકોને જૂન મીટર યથાવત રાખવા જોઈએ.
શક્તિસિંહે ઈફકો અને નાફેડને લઈને પણ ટિપ્પણી કરી હતી, તેમણે કહ્યું હતું કે સહકારી ક્ષેત્રે ક્યારેય મેન્ડેટ હોતું નથી. સહકારનો અર્થ જ છે કે સૌ સાથે મળીને કામ કરે. ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા મેન્ડેટનો દંડો ચલાવવામાં આવ્યો. તેમણે મેન્ડેટ બંધ કરનાર નેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે,”કોંગ્રેસ પક્ષે કયાં લોકો માટે કામ કર્યું છે. અગ્રેજોએ માત્ર ઝેર જ રેડ્યું અને દેશને ખૂબ લૂંટ્યો. આવી ખરાબ સ્થિતિમાં સતા મળી ત્યારે કોંગ્રેસે કોઈને દોષ દીધા વગર દેશનો વિકાસ કર્યો છે. જ્યાં સોય પણ નહોતી બનતી ત્યાં IIT અને IIM જેવી સંસ્થાઓ બનાવી. જ્યારે ભાજપે 10 વર્ષમાં તેમના કામના બદલે રાહુલ ગાંધી અને પાકિસ્તાનના નામે મત માંગ્યા છે.
તેમણે કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે તેઓએ સરદાર પટેલને આખું રાજ્ય આપ્યું હતું. પરંતુ હાલ તો માત્ર ભાગલા પાડીને જ રાજનીતિ કરવામાં આવી રહી છે. અત્યારે કેટલાક અંધભક્તોના લીધે ભાજપનો અહંકાર આસમાને પહોંચ્યું છે. જેને ગુજરાતની જનતા જવાબ આપશે.