ગુજરાતમાં મેઘ મહેર: દક્ષિણ અને મધ્ય ગુજરાત માધ્યમ વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છ હજુ કોરા
![Rain clouds over Uttarakhand](/wp-content/uploads/2023/09/RAIN.jpg)
લાંબી રાહ જોવડાવ્યા બાદ ગુજરાત પર ફરી મેઘરાજાની કૃપા વરસી છે. છેલ્લા 24 કલાકથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો હતો. આજે રવિવાર સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં સૌથી વધુ ૨૫૩ મિલીમીટર(મિમી) વરસાદ પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકામાં નોંધાયો હતો, ત્યાર બાદ છોટા ઉદેપુરમાં ૨૪૭ મિમી વરસાદ નોંધાયો હતો, દાહોદમાં પણ 238 મિમી વરસાદ વરસ્યો હતો.
અમદાવાદ શહેરમાં પણ શનિવારે રાત્રે ધીમી ધારે વરસાદ શરુ થયો હતો. અમદવાદ શહેરમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં 21 મિમી વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો.
આજે રવિવારે સવારે પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આજે સવારના 6 વાગ્યાથી 8 વાગ્યાના આંકડા મુજબ મહીસાગર જીલ્લાના વીરપુર તાલુકામાં સૌથી વધુ ૯૧ મિમી વરસાદ નોંધાયો હતો, ઉપરાંત પંચમહાલ જીલ્લાના શેહેરામાં ૬૮ મિમી, ગોધરામાં 34 મિમી, દાહોદ જીલ્લાના લીમખેડામાં 39, અરવલ્લી જીલ્લાના ધનસુરામાં 30 મિમી વરસાદ નોંધાયો હતો. અમદવાદ શહેરમાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બન્યું છે.
ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હજુ મેઘ મહેર થઇ નથી. ગત ઓગસ્ટ મહિનો કોરો રહેતા ખેતરમાં ઉભો પાક સુકાઈ રહ્યો છે, ઉભા પાકને જીવનદાન મળે એ માટે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે રાજ્યના 17 તાલુકામાં ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં આગામી ત્રણ દિવસ મેઘમહેર યથાવત રહેશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.